આખરે અમરેલી બેઠક ઉપર કોંગ્રેસે વિરોધ પક્ષના નેતા પરેશ ધનાણીને જ મેદાનમાં ઉતારીને અમરેલીની બેઠકને 'સ્ટાર' બેઠક બનાવી દીધી છે. લોકોને યાદ હશે કે, ભાજપની લહેર વચ્ચે ભાજપના કદ્દાવર નેતા પુરુષોત્તમ રૂપાલાને 2002માં પરેશ ધાનાણીએ હરાવ્યા હતા. ત્યાર બાદ, આ બેઠક ઉપર ચૂંટણીજંગનો ઇતિહાસ અત્યંત રોમાંચક રહ્યો છે. હવે પુનઃ એક વખત ધાનાણીની આ બેઠક ઉપર હાજરીથી નવી સોગઠીઓ મંડાઈ શકે છે.
લગભગ નહિવત ઉદ્યોગો અને કૃષિ આધારિત અર્થવ્યવસ્થા ધરાવતા અમરેલી જિલ્લામાં વર્ષોથી પાટીદાર મતો નિર્ણાયક બનતાં રહ્યા છે. 1977થી અહીં પાટીદાર ઉમેદવાર સાંસદ તરીકે પસંદ થતાં રહ્યાં છે. હા, નવિનચંદ્ર રવાણીની બે ટર્મને આપવાદ ગણી શકાય.
આ બેઠક હંમેશા કૈક નવા-જુના પરિણામો આપવા માટે જાણીતી છે. કોંગ્રેસનો સૂરજ સોળે કળાયે હતો ત્યારે અહીં જનતાદળના મનુભાઈ કોટડિયા જીતતાં હતાં. ભાજપના યુવા નેતા તરીકે દિલીપ સંઘાણી પણ સળંગ 4 ટર્મ અહીંનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. કોંગ્રેસના યુવા અગ્રણી અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે.
વર્ષ 2014માં એટલે કે છેલ્લી લોકસભામાં આ બેઠક ઉપરથી ભાજપના નારણભાઈ કાછડિયા સળંગ બીજી ટર્મ માટે 1,56,232 મતોથી વિજયી બન્યા હતા. જોકે, ગત વિધાનસભાની ચૂંટણીમાં એટલે કે વર્ષ 2017 માં જિલ્લાની તમામ 5 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો વિજયી બન્યા હતા.
શું છે મુખ્ય સમસ્યાઓ?
પાણીની અછત અમરેલીની કાયમી સમસ્યા રહી છે. પીવાલાયક અને ખેતી માટેના પાણીની સમસ્યાને લીધે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં માઈગ્રેશન થતું રહે છે અને ગામડાંઓ ધીમે ધીમે ઉજ્જડ થતાં જાય છે. વડી-ઠેબી સિંચાઈ યોજના, સૌની યોજના અને નર્મદા યોજના છતાં અમરેલીને નિયમિત રીતે પાણી આપવાનું એકેય સરકારના શાસનમાં શક્ય બન્યું નથી.
આ ઉપરાંત, રોજગારીની સમસ્યા પણ અહીં પ્રાણપ્રશ્ન ગણાય છે. મોટા ઉદ્યોગોની ગેરહાજરીને લીધે અમરેલી જિલ્લો આર્થિક દૃષ્ટિએ હંમેશા કટોકટીમાં રહ્યો છે. પીપાવાવ પોર્ટના વિકાસમાં અનેક અંતરાયો હજુ ય યથાવત છે.
જાતિગત સમીકરણો:
અમરેલી જિલ્લાના લાઠી, બાબરા, ચિતલ તાલુકા વિસ્તારમાં પાટીદારોનું પ્રભુત્વ છે. જ્યારે રાજુલા, જાફરાબાદ વિસ્તારમાં કોળી અને આહિર સમાજ મોટી સંખ્યામાં છે. પરંતુ પાટીદારોની સંખ્યા મોટા પ્રમાણમાં હોઈ લોકસભામાં મોટાભાગે પાટીદાર ઉમેદવાર જ અહીંથી જીતતા રહ્યા છે.
વર્તમાન સાંસદનું રિપોર્ટ કાર્ડ :
નારણભાઈ કાછડિયા શાસક પક્ષના હોવા છતાં તેઓ બહુ સક્રિય રહ્યા નથી. બીજી ટર્મમાં તેમની ઉદાસીનતા વધી હોવાની છાપ છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં પણ પ્રચાર વેળા તેમની નિષ્ક્રિયતા ઉડીને આંખે વળગે તેવી હતી
કોની વચ્ચે છે જંગ?
નારણ કાછડિયાની નિષ્ક્રિયતા વચ્ચે પણ ભાજપે જાતિગત સમીકરણોએ આધારે ફરી એક વખત તેમને ત્રીજી ટર્મ માટે રિપીટ કર્યા છે. સામે પક્ષે કોંગ્રેસ દ્વારા બહુ વિચારણાને અંતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પરેશ ધાનાણીની પસંદગી કરી છે. અહીં લેઉઆ પાટીદારના મતો મહત્વના બની રહેશે.
અનુમાન :
છેલ્લી વિધાનસભાની ચૂંટણીના પરિણામોની સ્થિતિ અને પાટીદાર મતોના વિભાજનના પગલે કોળી મતદાતાઓ અહીંની બેઠકનું ભાવિ નિશ્ચિત કરશે. આ દૃષ્ટિએ આ બેઠકનું પરિણામ રોમાંચકારી રહેશે.