જળસિંચનમાં લાઠી તાલુકામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્ય સરકાર સાથે લોક ભાગીદારીથી, હરિકૃષ્ણ ગ્રુપ અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ચેકડેમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
Abhishek Gondaliya, Amreli: અમરેલી ગાગડિયો નદી પર આગામી સમયમાં લાઠી તાલુકામાં થઈ રહેલા જળ સિંચાઇના કામો થકી નદી પુનઃજીવિત થશે. લાઠીના લુવારીયા ચોકડી ખાતે ચેકડેમનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઉપસ્થિતિમાં ચેકડેમનું ખાતમુહૂર્ત અને ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.
લાઠી તાલુકામાં થઈ રહેલા જળ સિંચનના કામો થકી નદી પુનઃજીવિત થશે. વરસાદી પાણીના સંગ્રહ થકી ખેતીવાડી અને હરિયાળીમાં વૃધ્ધિ થશે તથા નાગરિકોની ખુશીમાં પણ ઉમેરો થશે. જળાશય સંબંધિત કામગીરી શરૂ રહે અને વરસાદી પાણીનો સંગ્રહ થાય તો ભૂમિગત જળમાં પણ વધારો થશે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને સૂર્ય (અગ્નિ)ના માહત્મ્ય વિશે જણાવી રાસાયણિક ખાતર વિના પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.
પ્રાકૃતિક ખેતી થકી ગૌસંવર્ધન, વાયુ, જળ, પૃથ્વી અને લોકોના આરોગ્ય માટે કાર્ય થઇ શકે તેમ છે. રાજય સરકારના સહયોગથી, હરિકૃષ્ણ ગ્રુપ અને ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહેલા જળસંગ્રહ કામગીરી માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અભિનંદન પાઠવ્યા હતા.
લાઠી તાલુકામાં જળ સિંચન ક્ષેત્રે થયેલા કાર્યો વિશે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે, રાજ્ય સરકાર અને હરિકૃષ્ણ ગ્રુપ તથા ધોળકિયા ફાઉન્ડેશન વચ્ચે લોકભાગીદારીથી થઈ રહેલા જળ સિંચન થકી આ વિસ્તાર હરિયાળો બનશે, આ વિસ્તારના લોકોની સુખાકારીમાં વધારો થશે અને આ વિસ્તારનો વિકાસ થશે. જળસિંચનનું આ કાર્ય ફક્ત ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે મોડલ બનશે.
જળ સિંચન અને કાર્યો માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. અમરેલી જિલ્લામાં લોક ભાગીદારીથી થઈ રહેલા જળસિંચનમાં લાઠી તાલુકામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્ય સરકાર સાથે લોક ભાગીદારીથી, હરિકૃષ્ણ ગ્રુપ અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ચેકડેમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોને આવરી લઇ રાજ્ય સરકાર, હરિકૃષ્ણ ગ્રુપ તથા ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ગાગડિયો નદી પર નવા ચેકડેમના નિર્માણ અને રિપેરીંગ સહિતના કામો માટે 50-50 ટકાની લોકભાગીદારીથી કરવા આયોજન કરવામાં આવ્યું છે, તેમાં રાજ્ય સરકાર દ્વારા જળસંચયના આ કામો માટે અંદાજે રૂ.10 કરોડથી વધુ રકમની સહાય ફાળવવામાં આવી છે.
ગાગડીયો નદી પર જળ સિંચનના કામો માટે મરામત, નવા ચેકડેમના બાંધકામ તેમજ નદીને ઊંડી ઉતારવાનો અને કાંઠા-પાળા ઉંચા બાંધવાનો અંદાજે રુ. 2000 લાખનો ખર્ચ થવાની સંભાવના છે. જળ સિંચનના આ કામો માટે રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન વચ્ચે ગાગડિયો નદી પર ચેકડેમના નિર્માણ અને રિપેરીંગ સહિતના કામો માટે થયેલી MOU અંતર્ગત આ કામગીરી કરવામાં આવી રહી છે. ચેકડેમના નિર્માણથી લાઠી તાલુકા સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જળ સ્તર ઉંચા આવશે.
ગાગડિયો નદીની દેવળીયા હરસુરપુરથી લઈને ક્રાંકચ સુધીની લંબાઈ આશરે ૪૫ કિલોમીટર છે. જેમાંથી સુજલામ સુફલામ જળ અભિયાન 2018-2022 દરમિયાન કુલ 17 કિ.મી. ગાગડીયો નદીને હરસુરપુરથી દેવળિયાથી અકાળા સુધી સાફ કરી, ઉંડી કરી અને પહોળી કરવામાં આવી છે. બાકી રહેતા 28 કિ.મી.ના વિસ્તારમાં આ સમજૂતી મુજબ જરૂરિયાત મુજબના નવા ચેકડેમ, જૂના ચેકડેમનું રીપેરીંગ અને ગાગડિયો નદીને ઊંડી કરી અને તેનું સાફ સફાઈનું કામ કરવા માટેના આયોજન અંતર્ગત કામગીરી શરૂ છે.