ન્યૂઝ18 ગુજરાતી : મંગળવારે રાત્રે કોંગ્રેસ તરફથી ચાર બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં અમરેલી બેઠક પરથી નામની જાહેરાત બાકી હતી. પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું કે એ બેઠક પર ગુજરાત વિધાસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીનું નામ નક્કી છે. બુધવારે ખુદ પરેશ ધાનાણીએ આ વાતની પુષ્ટિ કરી હતી કે તેઓ અમરેલી બેઠક પરથી લોકોસભાની ચૂંટણી લડી રહ્યા છે. તેઓ બુધવારે જ વિજય મુહૂર્ત 12.39 વાગ્યે ઉમેદવારી ફોર્મ ભરશે.
મળતી માહિતી પ્રમાણે અમરેલી બેઠક પર કોંગ્રેસને કોઈ સક્ષમ ઉમેદવાર મળી રહ્યો ન હોવાથી અંતે પક્ષે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. અમરેલી બેઠક પર પરેશ ધાનાણીનો મુકાબલો ભાજપના ઉમેદવાર નારાણ કાછડિયા સાથે થશે. નારાણ કાછડિયા હાલ અમરેલી બેઠક પરથી સાંસદ છે. ભાજપે તેમને રિપિટ કર્યા છે.
અમરેલીના રણસંગ્રામનો હું સેનાપતિ : પરેશ ધાનાણી
પોતે અમરેલી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાની જાહેરાત કરતા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યુ હતુ કે, "રાષ્ટ્રીય નેતૃત્વને જ્યારે જરૂર પડી છે ત્યારે પાયાના કાર્યકર્તાઓને લડવા માટે આગળ ધર્યા છે. આજે દેશનું સંવિધાન ખતરમાં છે. લોકશાહી મરી પરવરી છે. ત્યારે સત્તા પરિવર્તનનો સંદેશ લઈને, ખેડૂતો અને ગરીબોનું સાંભળે એવી દિલ્હીમાં સરકાર બનાવવા માટે અમરેલી આગળ વધે તેવી મારી ઈચ્છા છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ અમરેલીનું નેતૃત્વ કરવાની જવાબદારી મને સોંપી છે. કોંગ્રેસના તમામ લોકોની સહમતી બાદ અમરેલી રણસંગ્રામના સેનાપતિની તરીકેની જવાબદારી મારે સંભાળવાની છે."
તમામ બેઠકો પર કોંગ્રેસ જીતશે : ધાનાણી
અમરેલી બેઠક પરથી વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતા પરેશ ધાનાણીએ કહ્યુ કે, "મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતમાં 26માંથી 26 બેઠક પર કોંગ્રેસનો વિજય થશે. 2014ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના લોકોએ પોતાના ગણીને નરેન્દ્ર મોદીને દિલ્હી મોકલ્યા હતા. આજે ગુજરાતીઓ કહી રહ્યા છે કે તમને અમારા ગણી દિલ્હીમાં બેસાડ્યા પરંતુ તમે અમારા થઈને અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે."