Home /News /amreli /

અમરેલી જિલ્લાની સાવરકુંડલા બેઠકની શું છે સ્થિતિ? શું કોંગ્રેસ બેઠક ગુમાવશે?

અમરેલી જિલ્લાની સાવરકુંડલા બેઠકની શું છે સ્થિતિ? શું કોંગ્રેસ બેઠક ગુમાવશે?

સાવરકુંડલા વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતને લડાયક નેતા માનવામાં આવે છે. તેઓ વિસ્તારના પ્રશ્નોને લઈ સક્રિય રહે છે.

Gujarat Election 2022: સાવરકુંડલા પંથકમાં પાટીદારોનું જોર છે. વર્તમાન સમયે સાવરકુંડલા વિધાનસભા બેઠક પર કોંગ્રેસનું રાજ છે. આ પંથકના લડાયક કોંગ્રેસી નેતા પ્રતાપ દૂધાત ગત ચૂંટણીમાં વિજયી બન્યા હતા.

    ચૂંટણી એટલે રાજ-કાજ અને પ્રજાની સૌથી મોટી કસોટી. ચાલુ વર્ષે 2022માં ગુજરાતમાં પણ સૌથી મોટી કસોટી યોજાવા માટેનું રણશિંગૂ ફૂંકાઇ ગયું છે અને થોડા મહિનામાં સત્તાવાર તારીખ પણ જાહેર થઈ જશે. આ વર્ષે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના ચૂંટણી મેદાનમાં ખેલાડીઓની સ્થિતિ પાછલી ચૂંટણીઓની સરખામણીએ થોડી જુદી છે. ગુજરાતમાં બે મુખ્ય પક્ષો ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ ઉપરાંત ત્રીજા પક્ષ આમ આદમી પાર્ટી પણ મહત્વની ભૂમિકા ભજવશે એવી ધારણા રાજકીય વિશ્લેષકોએ વ્યક્ત કરી છે.

    ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં બૂથ સ્તરે પાર્ટીઓના પ્રભાવનું પાણી તો મપાશે જ અને સાથે જ પાર્ટીઓમાં ટોચ પર બેઠેલા આગેવોનોના સામાન્ય નાગરિકોના પ્રભાવની પણ આકરી કસોટી થવાની છે.

    અમરેલી લોકસભા મતવિસ્તાર હેઠળ આવેલી 97-સાવરકુંડલા બેઠક પર પણ આવું જ થશે. સાવરકુંડલા વિધાનસભા બેઠક ઉપરાંત અમરેલી મત વિસ્તાર હેઠળ 94-ધારી, 95-અમરેલી, 96-લાઠી અને 98-રાજુલા બેઠક આવેલી છે.

    સાવરકુંડલા પંથકમાં પાટીદારોનું જોર છે. વર્તમાન સમયે સાવરકુંડલા વિધાનસભા બેઠક પર કોંગ્રેસનું રાજ છે. આ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત જવાબદારી સંભાળી રહ્યા છે. પ્રતાપ દૂધાતને આ પંથકના લડાયક નેતા માનવામાં આવે છે.

    ચૂંટણીનો ઇતિહાસ

    સાવરકુંડલા વિધાનસભા બેઠકમાં 1972ના જંગમાં 7 ઉમેદવારો મેદાનમાં હતા. 75357 મતદારોમાંથી 50334 મતદારોએ મતદાન કરતા 66.79 ટકા મતદાન થયુ હતુ. ત્યારે અહીં ઇન્દિરા કોંગ્રેસના ઉમેદવાર તરીકે નવીનચંદ્રભાઇ રવાણી હતા અને મોરારજીભાઇની કોંગ્રેસમાં લલુભાઇ શેઠ હતા અને નવીનચંદ્ર રવાણીને અગાઉની ટર્મના ધારાસભ્ય ભગવાનજીબાપા આદસંગવાળાએ ટેકો આપ્યો હતો.

    આ બેઠક ઉપર બે અપક્ષ અને પાંચ રાજકીય પક્ષોના ઉમેદવારો લડયા હતા. જેમા ઇન્દિરા કોંગ્રેસના નવીનચંદ્ર રવાણીને 22017 મોરારજીભાઇની કોંગ્રેસના લલુભાઇ શેઠને 20871 મત મળ્યા હતા.

    અપક્ષ ઉમેદવાર જીવરાજભાઇ રણછોડભાઇ નસીતને 2232 સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર જસાભાઇ સોમાભાઇ પટેલને 797, સીપીઆઇના ઉમેદવાર દેવજીભાઇ દેસાભાઇ બગડાને 781, ભારતીય જનસંઘના હઠીસિંહ લક્ષ્મણભાઇ ચૌહાણને 373 અને અપક્ષ ઉમેદવાર ટપુભાઇ પાતાભાઇ ખુમાણને 323 મત મળ્યા હતા. આ બેઠક ઉપરથી વિજેતા થયેલા નવીનચંદ્રભાઇ રવાણી, ઘનશ્યામભાઇ ઓઝાની સરકારમાં મંત્રી પણ બન્યા હતા.

    આ દરમિયાન 1992માં સાવરકુંડલા વિધાનસભા બેઠક પર પેટા ચુંટણી આવી પડી હતી. આ બેઠક ઉપર જુની પેઢીના લોકસેવક અને અપક્ષ રીતે ભાજપના ટેકાથી લડીને ચુંટાયેલા લલુભાઇ શેઠનું નિધન થયું હતું.

    સ્વ.લલુભાઇ શેઠના નિધનથી પેટાચુંટણી આવી પડી હતી લલુભાઇ જ્યારે ચુંટણી લડયા ત્યારે અપક્ષ ઉમેદવાર તરીકે કાઠી ક્ષત્રીય સમાજના આગેવાન બબલાભાઇ ખુમાણે અપક્ષ ઉમેદવારી કરી હતી અને તેમણે નોંધપાત્ર મત મેળવ્યા હતા.

    જેથી કોંગ્રેસે ધીરૂભાઇ દુધવાળાને મેદાનમાં ઉતારતા ભાજપે બી.ટી.ખુમાણને મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં દુધવાળા વિજેતા થયા હતા સાવરકુંડલાની આ પેટાચુંટણી ભાજપ માટે અને કોંગ્રેસ બંને માટે મહત્વની હતી.

    અપક્ષ ધારાસભ્યની ખાલી પડેલી જગ્યા અંકે કરવા માટે ભાજપના અડવાણી, ઉપેન્દ્ર ત્રિવેદી, તત્કાલીન મુખ્યમંત્રી સ્વ.ચીમનભાઇ પટેલ સહિતના ધુરંધરોએ સાવરકુંડલામાં સભાઓ ગજવી હતી, પણ તેમ છતા કોંગ્રેસના દુધવાળા વિજય થયા હતા.

    સાવરકુંડલા વિધાનસભા મતવિસ્તાર-સાવરકુંડલા વિધાનસભા (97) ગુજરાતના અમરેલી જિલ્લામાં આવેલ છે. 2011ની વસતી ગણતરીના અંદાજ મુજબ, કુલ 297648 વસ્તીમાંથી 70.2% ગ્રામીણ અને 29.8% શહેરી વસ્તી છે.

    અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)નો ગુણોત્તર કુલ વસ્તીમાંથી અનુક્રમે 7.77 અને 0.21 છે. વર્ષ 2019ની મતદાર યાદી મુજબ આ મતવિસ્તારમાં 242983 મતદારો અને 300 મતદાન મથકો છે. સાવરકુંડલા વિધાનસભા બેઠક હેઠળ સાવરકુંડલા તાલુકો, લીલીયા તાલુકો અને કણકોટ નાના, રાજકોટ નાનાનો સમાવેશ થાય છે.

    અગાઉની ચૂંટણીના પરિણામ


















    વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
    2017પ્રતાપ દૂધાતકોંગ્રેસ
    2012વલ્લભ વઘાસિયાભાજપ

    સાવરકુંડલાનો ઇતિહાસ

    સાવરકુંડલા મૂળ ગોહિલ વાડ સ્ટેટનો ઐતિહાસિક રીતે મહત્વ ધરાવતો તાલુકો છે. આ તાલુકામાં જોગદાસ ખુમાણની ભૂમિ આવેલ છે. આ તાલુકાના ધણા બધા ગામોમાં વિરો અને સંતો પ્રસિદ્ધિ પામેલા છે. આ તાલુકાનું ગાધકડા ગામ જુનાગઢના નવાબની હકુમત નીચે હતું. જેને સરદાર વલ્લભભાઇ પટેલે સ્વત્રંત કરાવેલ હતું. તાલુકાની પૂર્વ- પ્રશ્વિમ અને દક્ષીણ દિશા ગીર પૂર્વના ડુંગરોથી પાલીતાણાના શેત્રુંજી ડુંગરો સુધી દક્ષીણનો ભાગ જોડાયેલો છે.

    વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપની બેઠક

    આગામી વિધાનસભા ચૂંટણીને ભાજપ દ્વારા દરેક વિધાનસભા વાઇઝ એક વિસ્‍તારકની નિયુકતી કરી ચોકકસ કામગીરી ફાળવવામાં આવેલ છે. જે મુજબ સાવરકુંડલા વિધાનસભા વિસ્‍તારના વિસ્‍તારક તરીકે સુરેન્‍દ્રનગર જિલ્લા ભાજપ પૂર્વપ્રમુખ અને આજીવન સમર્પિત કાર્યકર દિલીપભાઇ પટેલની નિમણુંક થયેલ છે. ત્યારે સાવરકુંડલા તાલુકા ભાજપ મંડળ સાથે તેમણે બેઠક યોજી હતી.

    આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓના સંદર્ભમાં ચર્ચાઓ કરી સંગઠન મજબૂત બને, કાર્યકરો જોમ જુસામાં રહે તે માટે સતત માર્ગદર્શન અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

    આમ આદમી પાર્ટીની તૈયરીઓ

    ચૂંટણી પહેલા વિધાનસભાના સંગઠનને મજબૂત કરવા માટે આમ આદમી પાર્ટી પ્રયાસો કરી રહી છે. જેના ભાગરૂપે ભાજપ અને કોંગ્રેસના ટક્કર આપવા આ વિસ્‍તારના ત્રણ યુવાન આગેવાનોને આ જવાબદારી સોંપવામાં આવી છે.

    તેમાં આરટીઆઇ એક્‍ટિવિસ્‍ટ અને માનવ અધિકાર કાર્યકર્તા આશરફ કુરેશીને સંગઠન મંત્રી તરીકેની જવાબદારી સોંપી છે. જ્યારે યુવા નેતા વિશાલ રાદડીયાને સંગઠનની જ્યારે કોળી સમાજના સક્રિય કાર્યકર્તા મુકેશ ખસિયાને સંગઠન મંત્રીને જવાબદારી સોંપાઈ છે.

    કોંગ્રેસના લડાયક અને વિવાદિત ધારાસભ્ય પ્રતાપ દૂધાત

    સાવરકુંડલા વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતને લડાયક નેતા માનવામાં આવે છે. તેઓ વિસ્તારના પ્રશ્નોને લઈ સક્રિય રહે છે. થોડા સમય પહેલા તેમણે રવિવારે ફોન ન કરવાનું કહેતા PGVCLના કર્મચારીને ખખડાવી નાખ્યા હતા. તેઓ અવારનવાર વિવાદમાં પડે છે.

    એકાદ વર્ષ પહેલા વિધાનસભામાં પશ્નોત્તરી પરની ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત ચાલુ પ્રવચનમાં જ પ્રેક્ષક ગેલેરીમાં ગોઠવાયેલ બેઠક વ્યવસ્થા છોડી ગૃહની બહાર જઈ રહ્યા હતાં,

    તે વખતે અધ્યક્ષનું ધ્યાન જતાં પ્રતાપ દુધાતને બહાર જતાં રોક્યા હતા.અન્ય એક બનાવમાં તેઓ પરિવારની સાથે ગીરની મુલાકાતે ગયા હતા. ત્યારે તેઓએ સિંહ સાથે સેલ્ફી પડાવી હતી. આ મામલે વન વિભાગે પણ તપાસના આદેશ આપ્યા હોવાનું સામે આવ્યું હતું.

    પ્રતાપ દૂધાત ચર્ચામાં

    સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોઈ પક્ષનો સિમ્બોલ અને ધારાસભ્ય તરીકેની કોઈ ઓળખ વગર પ્રતાપ દુધાતે અનોખી રીતે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે.

    સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા ગામડે ગામડે અને હાઇવે ઉપર ભીંત ઉપર આવા સૂત્રો જોવા મળી રહ્યા છે. કે જેમાં માત્ર પ્રતાપ દુધાતનું જ નામ છે.

    કોંગ્રેસનો પંજો દોરેલો નથી કે ધારાસભ્ય જેવો શબ્દ પણ લખાયો નથી. ત્યારે આ વોલ પેઈન્ટિંગ લખાણને જોઈને પ્રતાપ દુધાત કદાચ ભાજપમાં જાય તેવી ચર્ચાઓ ચાલે છે.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

    | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  |
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Savarkundla

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन