Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી રાજુલા બેઠક, એક સમયે હતો ભાજપનો દબદબો, હાલ આ છે રાજકીય ગણિત?
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી રાજુલા બેઠક, એક સમયે હતો ભાજપનો દબદબો, હાલ આ છે રાજકીય ગણિત?
Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી રાજુલા બેઠક પર ભાજપના ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું છે. સતત ચાર ટર્મથી ભાજપ જીતતું આવ્યું છે જોકે ગત ચૂંટણીમાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો છે.
Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી રાજુલા બેઠક પર ભાજપના ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું છે. સતત ચાર ટર્મથી ભાજપ જીતતું આવ્યું છે જોકે ગત ચૂંટણીમાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ વાગવાની તૈયારીઓ થઈ ચૂકી છે, ત્યારે રાજકીય પક્ષોનું નાક દબાવવા સમાજને સંગઠિત કરવા શક્તિ પ્રદર્શન થઈ રહ્યા છે. તો પક્ષો મતદારોને આકર્ષવા દિવસ રાત એક કરી રહ્યા છે. પાટીદારો, ક્ષત્રિય સમાજો, કોળી સમાજ, કરણી સેના, દલિત સમાજ સહિત પોતાના ઉમેદવારોને આગળ લાવવા સંમેલનો અને સભાઓ યોજી રહ્યા છે. આવા જ એક સંમેલનના કારણે અમરેલી જીલ્લાની રાજુલા બેઠક પણ ચર્ચામાં આવી હતી. તો ચાલો જાણીએ રાજુલા બેઠક અને મતવિસ્તારમાં મતદારોનો મૂડ અને રાજકીય પક્ષોની સત્તાનું સરવૈયું કેવું છે.
રાજુલા બેઠકનો રાજકીય ઇતિહાસ
અમરેલી જિલ્લામાં અતિ મહત્વની બેઠક રાજુલા 98 વિધાનસભા વિસ્તાર કે જેમાં રાજુલા, જાફરાબાદ, ખાંભા વિસ્તાર આવે છે. આ બેઠક વર્ષોથી ભાજપના કબ્જામાં હતી. આ બેઠક પર વર્ષ 1998થી 2012 સુધી ભાજપે શાસન કર્યું છે. મહત્વની વાત એ છે.
આ તમામ 4 ટર્મમાં હીરાભાઇ ઓધવજીભાઇ સોલંકીએ જીત મેળવી હતી. જોકે, ગત વિધાન સભા 2017ની ચૂંટણીમાં ભાજપના ‘અચ્છે દિન’નો અંત આવતા આ બેઠક કોંગ્રેસના કબ્જામાં આવી હતી. હાલ આ બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા અમરીશ ડેર ધારાસભ્ય છે,
જેમણે હીરાભાઇ સોલંકીને હાર આપી હતી. જેને લઈ ભાજપની ચિંતા વધી છે. ત્યારે આ બેઠક ઉપર સૌથી વધુ ભાજપની નજર તેજ જોવા મળી રહી છે. ભાજપ પોતાનો ગઢ પરત મેળવવા માટે એડી ચોંટીનું જોર લગાવી રહી છે.
કેવા છે આ બેઠક પર જાતિગત સમીકરણો?
રાજુલા બેઠક પર જો જાતિગત સમીકરણો કેવા રચાય છે, તેના વિશે વાત કરવામાં આવે તો આ બેઠક પર કોળી મતદારો બહુમતમાં છે. પરંતુ વર્ષ 2017માં હીરા સોલંકીને પોતાના જ સમાજની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો અને ચૂંટણીમાં હાર મળી હતી.
એટલું જ નહીં અલ્પેશ ઠાકોરના ઓબીસી આંદોલનની અસર પણ કોળી સમાજ પર અમુક અંશે જોવા મળી હતી. રાજુલામાં નાઘેર આહિર જ્ઞાતિ અને પંચોળી આહીર જ્ઞાતિના મતદારો પ્રભુત્વ પણ ખૂબ વધારે છે.
સામાન્ય રીતે આહિર સમાજની આ બે પેટા જ્ઞાતિઓ એક સાથે હોતી નથી. પરંતુ અમરીશ ડેરની સૂઝબૂઝથી કોંગ્રેસ આ બંને જ્ઞાતિને સાથે રાખવમાં સફળ રહ્યું હતું.
ચૂંટણીમાં જ્ઞાતિ ફેક્ટર કેટલું મહત્વનું?
જાતિ જ્ઞાતિના સમીકરણોને માનો કે ન માનો પણ તેને સૌથી વધુ રાજકીય પક્ષો પણ પ્રાધાન્ય આપે છે અને તેની અસર વળી જે તે સમાજો પર પણ જોવા મળતી જ હોય છે. તેમાં પણ જ્ઞાતિનું જે ફેક્ટર છે, તેમાં જે જ્ઞાતિની વસતી વધુ હોય તે જ્ઞાતિના સમીકરણો સૌથી વધુ અસરકર્તા સાબિત થતા હોય છે.
તેમાં પણ ઠાકોર, કોળી, પાટીદાર અને આદિવાસીની વસતી ટકાવારીને રીતે સૌથી વધુ ગુજરાતમાં હોવાને કારણે આ જ્ઞાતિના સમીકરણને રાજકીય પક્ષો બહુ નજરઅંદાજ કરી શકતા નથી. તે ઉપરાંત જે પક્ષો ઈત્તર જ્ઞાતિના લોકોને પોતાના પક્ષમાં રાખવા માટે સફળ સાબિત થાય છે,
તેમને પણ સારો એવો ફાયદો થતો હોય છે. એકદમ ઓછા માર્જિનવાળી સીટો પર થતી હાર-જીત વખતે ઈતર જ્ઞાતિના લોકો ખુબ જ મોટી ભૂમિકા ભજવી જતા હોય છે. તેવામાં આ બેઠકમાં પણ કોંગ્રેસ-બીજેપી જ્ઞાતિના કેટલાક સમીકરણોને નજર અંદાજ કર્યા વગર બધી જ જ્ઞાતિના લોકોને પોતાની તરફ આકર્ષિત કરવાનું કામ કરશે.
શું છે આ બેઠક પર લોકોની માંગ?
રાજુલા શહેરમાં અનેક વૈશ્વિક ક્ષેત્રના મહાકાય ઉદ્યોગો ધમધમી રહ્યા છે. પરંતુ અહીંના લોકો ખુલ્લી ગટરો અને ગંદકીથી પરેશાન બની ગયા છે. એક સપ્તાહમાં લગભગ 4 વખત ગટરોના ગંદા પાણી ઉભરાય છે. જેથી લોકોના આરોગ્ય સામે ખતરો પેદા થાય છે.
બીજી તરફ રાજુલામાં ઔદ્યોગિક વિસ્તારમાં વારંવાર સર્જાતા વીજ ફોલ્ટના કારણ વેપારીઓમાં પણ ભારોભર રોષ જોવા મળે છે. અનેક રજૂઆતો કરવા છતા આ સમસ્યાનું કોઇ નિવારણ દેખાતું નથી.
શહેરના અનેક વિસ્તારમાં સફાઈના અભાવે કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. ગંદકીની સમસ્યા મુદ્દે સ્થાનિક લોકો મુદ્દે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતા સમસ્યા ઠેરની ઠેર રહી હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે.
રાજુલા બેઠક પર હોટ ટોપિક બનેલા વિવાદો
- રાજુલા શહેરમાં વચોવચ રેલવેની ખાલી પડેલી પડતર જમીન નગરપાલિકાને સોંપી દેવા માટે રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરે માંગ સાથે 10 દિવસથી ઉપવાસ આંદોલન પર બેઠા હતા. ત્યારે પોલીસે ઉપવાસ આંદોલનના સ્થળેથી અમરીશ ડેરની અટકાયત પણ કરી હતી.
- અમરેલી જિલ્લાના રાજુલાના કોંગ્રેસી ધારાસભ્યનો દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ટેલિફોનિક સંપર્ક કરીને આમ આદમી પાર્ટીમાં આમંત્રણ આપવાની વાતને લઈને પાછલા કેટલાક દિવસ સુધી રાજકારણ ગરમાયું હતું.
ત્યારે ધારાસભ્ય અમરીશ ડેરે મીડિયા સમક્ષ કરેલી વાતચીતમાં સમગ્ર મામલો ભાજપ દ્વારા ઉપજાવી કાઢવામાં આવ્યો હોવાનો અને તેમના વિરુદ્ધ આ પ્રકારનો અપપ્રચાર શરૂ કરવાનો આક્ષેપ ભાજપ પર લગાવ્યો હતો.
રાજુલા બેઠક પર યોજાયેલી ચૂંટણીઓ
ચૂંટણી વર્ષ
વિજેતા ઉમેદવાર
પક્ષ
2017
અમરીશ ડેર
કોંગ્રેસ
2012
હીરાભાઇ સોલંકી
ભાજપ
2007
હીરાભાઇ સોલંકી
ભાજપ
2002
હીરાભાઇ સોલંકી
ભાજપ
1998
હીરાભાઇ સોલંકી
ભાજપ
1995
મધુભાઇ ભૂવા
કોંગ્રેસ
1990
મધુભાઇ ભૂવા
જેડી
1985
નકૂમ ખોડીદાસ
કોંગ્રેસ (આઇ)
1980
પ્રતાપભાઇ વારૂ
કોંગ્રેસ
1975
જશવંત મહેતા
કોંગ્રેસ
1972
જશવંત મહેતા
કોંગ્રેસ
1967
જે મહેતા
કોંગ્રેસ
1962
છોટાલાલ મહેતા
કોંગ્રેસ
રાજુલા શહેરની રેલવેની જમીનનો વિવાદ અને રાજકારણ
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં વચોવચ રેલવેની પડતર જમીન ખાલી પડી છે. ખાલી પડેલ રેલવેની જમીન છેલ્લા 25 વર્ષોથી પડતર અને બિન ઉપયોગી છે. જેને કારણે માર્કેટિંગ યાર્ડ સામે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. જેથી ધારાસભ્ય અમરીશ ડેરે રાજુલા નગરપાલિકાને સોંપી દેવાની માંગણી કરી હતી.
જેથી રાજુલામાં રેલવેની બિન ઉપયોગી જમીન પર નગરપાલિકા દ્વારા ચિલ્ડ્રન પાર્ક, સર્કલ, રસ્તાઓ, સિનિયર સિટીઝન પાર્ક, સાઇકલ ટ્રેક, વોક વે, સહિતના વિકાસ કામો થઇ શકે. આ માટે નગરપાલિકા અને રેલવે વચ્ચે કરાર પણ કરવામાં આવ્યા હતાં. પરંતુ હવે રેલવે વિભાગ દ્વારા નગરપાલિકાને વિકાસ કાર્યો માટે જમીનનો કબજો સોંપવામાં ન આવતા બેરીકેટ ઉભા કરવા આવ્યા હતા.
જે બાદ સમગ્ર વિવાદ ઉભો થયો હતો અને અમરીશ ડેર દ્વારા ઉપવાસ આંદોલન ચાલુ કરવામાં આવ્યુ હતું. અમરીશ ડેરના આ આંદોલનને અનેક દિગ્ગજ રાજકારણીઓ અને સ્થાનિક લોકોનો ટેકો મળતા ગુજરાતના રાજકારણમાં અજંપા ભરી સ્થિતિ સર્જાઇ હતી.