Home /News /amreli /Gujarat election 2022: ખેડૂત નેતા અને જાયન્ટ કીલર તરીકે ઓળખાતા કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી કોણ છે?
Gujarat election 2022: ખેડૂત નેતા અને જાયન્ટ કીલર તરીકે ઓળખાતા કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી કોણ છે?
Congress MLA Paresh Dhanani Profile : વર્ષ 2007માં પરેશ ધાનાણીને દિલીપ સંઘાણી સામે 4,000 મતોથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં પરેશ ધાનાણીએ દિલીપ સંઘાણીને કારમી હાર આપી હતી અને 2017માં ભાજપના બાવકુ ઉંધાડને પરાજય આપ્યો હતો. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 30 માંથી 23 બેઠકો અપાવવામાં પરેશ ધાનાણીએ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે.
Congress MLA Paresh Dhanani Profile : વર્ષ 2007માં પરેશ ધાનાણીને દિલીપ સંઘાણી સામે 4,000 મતોથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં પરેશ ધાનાણીએ દિલીપ સંઘાણીને કારમી હાર આપી હતી અને 2017માં ભાજપના બાવકુ ઉંધાડને પરાજય આપ્યો હતો. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 30 માંથી 23 બેઠકો અપાવવામાં પરેશ ધાનાણીએ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે.
ટૂંક સમયમાં ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાશે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ કદાચ ઈતિહાસમાં સૌથી રસપ્રદ રહેશે. જેને લઈને તમામ પક્ષોએ પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. જનતાના પ્રશ્નોનું નિવારણ લાવવા અને પ્રદેશના વિકાસ માટે નેતાઓની કામગીરીનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે. જેથી જનતાએ નેતાઓ વિશેની જાણકારી મેળવવાનો હક છે. ત્યારે અહીંયા અમે તમને વિપક્ષ નેતા પરેશ ધાનાણી (Congress LeaderParesh Dhanani) વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.
પરેશ ધાનાણીનું અંગત જીવન (Personal life of Paresh Dhanani)
કોંગ્રેસ નેતા પરેશ ધીરજલાલ ધાનાણીનો જન્મ સ્વતંત્રતા દિવસ એટલે કે, 15 ઓગસ્ટ 1976ના રોજ અમરેલીમાં થયો હતો. તેમના પિતા અમરેલી જિલ્લા સહકારી બેન્કમાં નોકરી કરતા હતા. ધાનાણીના પિતા ધીરૂ ભગતના નામે જાણીતા હતા. તેમના સંસ્કાર અને સ્વભાવની મૂડી પરેશ ધાનાણીને વારસામાં મળ્યા હતા. વર્ષ 2000માં તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી B.comની ડિગ્રી મેળવી હતી.
ધાનાણીના પત્નીનું નામ વર્ષાબેન ધાનાણી છે. લગ્નજીવન દરમિયાન તેમને સંસ્કૃતિ અને પ્રણાલી નામની બે પુત્રીઓ છે. ખેડૂત પુત્ર પરેશ ધાનાણી ખેતી વિશે પણ જાણકાર છે. પરેશ ધાનાણી ખેડૂત હોવાની સાથે સાથે પશુપાલનનો પણ ખૂબ સારો અનુભવ ધરાવે છે. ધારાસભ્ય બન્યા બાદ પણ તેઓ પશુપાલન કરે છે.
પરેશ ધાનાણી જમીન સાથે જોડાયેલા કોંગ્રેસ ખેડૂત નેતાની છાપ ધરાવે છે. સામાન્ય દિવસોમાં તેઓ એકલા એક્ટિવા લઈને અમરેલીમાં ફરે છે અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરતા નજરે પડે છે. અમરેલીમાં આવેલા પૂર વખતે 18 દિવસ સુધી સરકાર દ્વારા કોઈ પેકેજ ના મળતાં પરેશ ધાનાણી ઉપવાસ પર ઉતર્યા હતાં. પરેશ ધાનાણી એકલા હાથે પૂર પીડિતોને સહાય પહોંચાડવા લાગ્યા હતા. સુરતમાં પણ વર્ષ 2006માં આવેલા પૂર સમયે પૂર પીડિતોને રાહત સામગ્રી પહોંચાડવા માટે સુરત પહોંચી ગયા હતા.
પરેશ ધાનાણીની રાજકીય કારકિર્દી (Political career of Paresh Dhanani)
પરેશ ધાનાણી વિદ્યાર્થી કાળથી જ NSUI અને યુથ કોંગ્રેસમાં સક્રિય હતા. જો તેમની રાજકીય સફરની વાત કરવામાં આવે તો તેઓ કોલેજકાળથી જ રાજકારણમાં આવવાના સપનાઓ જોતા હતા. વર્ષ 2000માં ગ્રેજ્યુએટ થયા બાદ તેમણે સમાજસેવા માટે રાજકારણમાં જોડાવાનું નક્કી કર્યું. ચૂંટણી દરમિયાન તેઓ કોંગ્રેસી કાર્યકર તરીકે ઉમેદવારોની સ્લિપ વિતરણ કરવા જતા હતા. વર્ષ 2002માં તેમણે પ્રથમ વખત વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. માત્ર 26 વર્ષની ઉંમરે આ ચૂંટણીમાં પરેશ ધાનાણીએ ત્રણ વખતથી સતત જીતતા આવતા ભાજપના કેન્દ્રીયમંત્રી પરુષોત્તમ રૂપાલાને હરાવ્યા હતા અને જાયન્ટ કિલર તરીકે ઊભરી આવ્યા હતા.
વર્ષ 2007માં પરેશ ધાનાણીને દિલીપ સંઘાણી સામે 4,000 મતોથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં પરેશ ધાનાણીએ દિલીપ સંઘાણીને કારમી હાર આપી હતી અને 2017માં ભાજપના બાવકુ ઉંધાડને પરાજય આપ્યો હતો. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 30 માંથી 23 બેઠકો અપાવવામાં પરેશ ધાનાણીએ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. ધાનાણી કોઈ રાજકીય વારસો ન ધરાવતા હોવા છતા પોતાના કામના કારણે વિપક્ષ નેતાના પદ સુધી પહોંચ્યા છે. પરેશ ધાનાણીને રાહુલ ગાંધીના અંગત માનવામાં આવે છે.
અમરેલી એરપોર્ટ શરૂ કરાવ્યું
પરેશ ધાનાણીનો અમરેલીમાં એરપોર્ટ શરૂ કરાવવામાં પણ તેમનો સિંહફાળો રહેલો છે. અમરેલી એરપોર્ટ પરની પ્રથમ ઉડાનમાં પરેશ ધાનાણીએ મુસાફરી કરી નહોતી. તેમણે એક સામાન્ય ખેડૂતને તે ઉડાનમાં મુસાફરી કરાવી હતી અને એક ખેડૂત નેતા હોવાનો ઉત્તમ દાખલો બેસાડ્યો હતો. અમરેલીમાં તળાવનો વિકાસ, માર્કેટ યાર્ડ વગેરે ઉભું કરવામાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
આટલી સંપતિના છે માલિક
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે સંપત્તિ અંગે એફિડેવિટ કર્યું હતું. સૌ પ્રથમ તેમની જંગમ મિલકતની વાત કરવામાં આવે તો તેમની પાસે કુલ રૂ.35,06,496ની જંગમ મિલકત છે. આ જંગમ મિલકતમાં તેમના હાથ પર રોકડ રૂ. 9,89,999 હોવાનુ જણાવવામાં આવ્યું હતું. આ સાથે જ એલઆઈસીમાં રૂ.47,950ની થાપણ તેમની પાસે છે. સોનાની વાત કરવામાં આવે તો પરેશ ધાનાણી પાસે રૂ.3,55,000ની કિંમતનુ 120 ગ્રામ સોનુ છે.
તેમની પત્ની વર્ષાબેન ધાનાણીની જંગમ મિલકતની વાત કરવામાં આવે તો તેમની પાસે કુલ રૂ.22,57,464ની જંગમ મિલકત છે. વર્ષાબેન ધાનાણી પાસે હાથ પર રૂ.3,18,548 રોકડ છે. જેમાં રૂ.7,50,000ની કિંમતનુ 250 ગ્રામ સોનુ, તથા અન્ય મિલકત શામેલ છે. તેમની સગીર પુત્રી સંસ્કૃતિ પાસે રૂ.1,18,827ની જંગમ મિલકત છે. જેમાં હાથ પર રૂ.20,000ની રોકડ છે તથા રૂ.60,000નું 20 ગ્રામ સોનુ છે. તેમની બીજી સગીર પુત્રી પ્રણાલી પાસે રૂ.46,000ની મિલકત છે. જેમાં રૂ.16,000ની રોકડ હાથ છે તથા રૂ.30,000નું 10 ગ્રામ સોનુ છે. પરેશ ધાનાણી પાસે કૃષિ વિષયક જમીન અને બિન કૃષિ વિષયક જમીન સહિત કુલ રૂ. 7.46 લાખની જમીન છે.
પરેશ ધાનાણી વિવાદ (Paresh Dhanani Controversy)
ગુજરાત વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાના સોશિયલ મીડિયા પર વિવાદિત નિવેદન શેર કર્યું હતું. જેના કારણે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. પરેશ ધાનાણીએ પોતાના ટ્વિટર પર ટ્વિટ કરી હતી, જેમા તેમણે લખ્યું હતું કે, ‘ગુજરાતની રાહે તાલિબાન.’ અફઘાનિસ્તાનમાં મંજૂરી વગર વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ મુદ્દે પરેશ ધાનાણીએ ટ્વીટ કરી જણાવ્યું કે ગુજરાતની રાહે તાલિબાન છે. અંગ્રેજોના શાસનમાં પણ આંદોલનનો અધિકાર સંપૂર્ણ અબાધિત હતો. ગુજરાતના આધુનિક તાલિબાનોએ 20 વર્ષ પહેલા જ આંદોલન પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દીધો હતો. શું હવે ગુજરાતની રાહ પર જ અફઘાની તાલિબાનો આગળ વધી રહ્યા છે.
પરેશ ધાનાણીએ આપ્યું રાજીનામું
વર્ષ 2019 લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો પર કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો અને કોંગ્રેસ એક પણ બેઠક પર ખાતુ ખોલી શકી ન હતી. આવી જ રીતે પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસને આઠેય બેઠકો પર હારનો સામનો કરવો પડયો હતો.પેટાચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થતાં નૈતિક જવાબદારી સ્વીકારીને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામુ ધરી દીધુ હતું. પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, "આ રાજીનામું નિષ્ફળતાનો સ્વીકાર છે. જે કંઈ પણ પરિણામ આવ્યાં છે, તેના અનુસંધાને અમે રાજીનામાની તજવીજ હાથ ધરી છે."