સાવરકુંડલાની તાલુકા શાળા-1માં શાળા પંચાયતની ચૂંટણી યોજાઇ હતી. જેમાં સરેરાશ 70.83 ટકા મતદાન થયું છે. ચૂંટણીની તમામ કામગીરી છાત્રોએ સંભાળી હતી. આ ચૂંટણીમાં છ છાત્રોએ ઉમેદવારી નોંધાવી હતી.
Abhishek Gondaliya, Amreli: સાવરકુંડલા શહેરમાં આવેલી તાલુકા શાળા 1 માં ચૂંટણી યોજાઈ હતી. શાળા પંચાયતમાં જીએસ ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં છ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણીમાં મતદાન એપ્લિકેશન દ્વારા પ્રથમ વખત મતદાન કરવામાં આવ્યું હતું.
છ ઉમેદવારો વચ્ચે એડિ ચોટીનો જંગ જામ્યો
જોશી હિતેશભાઈએ જણાવ્યું હતું કે તાલુકા શાળામાં ધોરણ પાંચ થી આઠનાં વિદ્યાર્થીઓએ દાવેદારી નોંધાવી હતી. શાળાના વિદ્યાર્થીઓ લોકશાહીનું મહત્વ અને મતદાનનું મહત્વ સમજે તે હેતુથી ચૂંટણી યોજવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓમાં આદર્શ નાગરીકનું ઘડતર થાય તે માટ ચૂંટણી યોજાય હતી. ચૂંટણીમાં બેલેટ પેપર કે એવીએમ ન હોય જેથી ટેબ્લેટ દ્વારા ચૂંટણી યોજવામાં આવી હતી.
શાળામાં 70.83 ટકા મતદાન થયું
શાળા પંચાયતની ચૂંટણીમાં કુલ 187 મતદારોએ મત આપ્યા હતા. સરેરાશ 70.83 ટકા મતદાન થયું હતું મતદાનમાં શિક્ષકોએ પણ મતદાન કર્યું હતું. શાળા પંચાયતની ચૂંટણી પટાવાળા થી પ્રેસાયડિંગ ઓફિસર સુધીનો વિદ્યાર્થીઓએ રોલ ભજવ્યો હતો.
તમામ મોનિટરિંગ શાળાના શિક્ષક કલ્પેશભાઈ અને હિતેશભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. આ યોજાયેલી ચૂંટણીનું પરિણામ ચાર કલાકે જાહેર થશે. અને બાદમાં શાળામાં વિજય સરઘસ પણ યોજાશે.
છાત્રો પોલીસ બન્યા, બંદોબસ્ત ગોઠવ્યો
સામાન્ય ચૂંટણીમાં પોલીસ બંદોબસ્ત હોય છે. ચૂંટણીમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે. ત્યારે ચૂંટણીમાં પોલીસની ભૂમીકાથી છાત્રો વાકેફ થાય તે માટે શાળાની ચૂંટણીમાં છાત્રો પોલીસ બન્યાં હતાં અને બંદોબસ્ત ગોઠવ્યો હતો.