અમરેલી જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાના છેવાડે આવેલા ધારાબંદર ગામમાં વરસાદના પાણી ઘૂસી ગયા છે. અહીં પહોંચવા માટેનો રસ્તો બેટમાં ફેરવાઈ ગયો છે. ચારેતરફ પાણી ભરાઈ જવાને કારણે ગામમાં જવાનો રસ્તો કયો છે તેનો અંદાજ પણ લગાવી શકતો નથી. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે આ ગામની મુલાકાત લઈને અહીંની પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
રસ્તો તૂટી ગયો
આ ગામમાં પહોંચવાનો રસ્તો સાવ તૂટી ગયો છે. એટલું જ નહીં રસ્તા પર પાણી ફરી વળવાને કારણે ગામ સુધી પહોંચવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. આ ગામ ખાડીની નજીક આવેલું છે. ગામની આસપાસ પાણી જ પાણી હોવાથી અહીંનો માહોલ બેટ જેવો બની ગયો છે.
ગામ સુધી પહોંચવામાં ખૂબ મુશ્કેલી નડી રહી છે.
ગામના સરપંચ ફસાયા
ધારાબંદર ગામના સરપંચ પણ બીજા એક ગામમાં વરસાદના પાણીમાં ફસાયેલા છે. ગામની વાત કરવામાં આવે તો અહીં 50 જેટલા મકાનોમાં વરસાદનું પાણી ઘૂસી ગયું છે. અહીં આવેલા જિંગા ફાર્મમાં કામ કરતા 50 જેટલા લોકોને બચાવીને આ ગામમાં લાવવામાં આવ્યા છે. તમામ લોકોને ગામની સ્કૂલમાં આશરો આપવામાં આવ્યો હતો.
ગામના લોકો કામચલાઉ હોડી બનાવી રસ્તાઓ પર ફરી રહ્યા છે.
હાલ ગામના સરપંચ ફસાયેલા હોવાથી બાજુના ગામના સરપંચ તેમજ તેમની એક ટીમ ગામની મદદ આવી પહોંચી છે. જિંગા ફાર્મમાં કામ કરતા લોકોને સોમનારે એક બોટની મદદથી બચાવીને અહીં લાવવામાં આવ્યા હતા. કલેક્ટર, મામલતદાર અને ટીડીઓ સહિતના અધિકારીઓ અહીં દોડી આવ્યા હતા. હાલ ગામના રસ્તાઓમાં લોકો લાકડાની કામચલાઉ બોટ બનાવીને ફરી રહ્યા છે. હજી પણ જો ભારે વરસાદ પડે તો આ ગામમાં ખાવા-પીવાની સમસ્યા સર્જાઈ શકે છે.