સાવરકુંડલાના લીખાળા ગામ ખાતે વન વિભાગે ખેડૂત પિતા અને પુત્રની ધરપકડ કરી હતી. જેના વિરોધમાં આજે મંગળવારે કિસાનસંઘે વન વિભાગ સામે આંદોલન શરૂ કર્યું છે. પિતા-પુત્રને છોડી મૂકવામાં આવે તેવી માંગણી સાથે 500 જેટલા ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે ઉમટી પડ્યા હતા.
રસ્તા પર ચક્કાજામ
ધરપકડના વિરોધમાં ટેક્ટ્રરો સાથે આવેલા ખેડૂતોએ શરૂઆતમાં પીપાવાવ અંબાજી સ્ટેટ હાઇવે બ્લોક કરી દીધો હતો, જેના બાદમાં પોલીસે મહામહેનતે રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે વનતંત્ર વિરુદ્ધ સભા કરી હતી અને અહીંથી રેલી સ્વરૂપે કલેક્ટરને જઈને આવેદનપત્ર પાઠવ્યું હતું.
અમે ખેડૂતો સાથે છીએઃ ભાજપના સાંસદ
નીલ ગાય અને સિંહના મોત મામલે ખેડૂતોએ મામલતદાર કચેરીનો ઘેરાવ કર્યા બાદ ભાજપના સાંસદ નારણ કાછડિયાએ ખેડૂતોના પક્ષમાં નિવેદન આપ્યું હતું. કાછડિયાએ કહ્યું હતું કે અમે આ મુદ્દે ખેડૂતોની સાથે જ છીએ. આ ખરેખરે દુઃખદ ઘટના છે. સરકાર ખેડૂતોના પક્ષમાં નિર્ણય લે, તેમજ ખેડૂતો પર અત્યાચાર કરનાર અધિકારીઓ સામે પગલાં ભરે.
એક કૂવામાંથી તમામ મૃતદેહ મળી આવ્યા છે
ખેડૂત પિતા-પુત્રની ધરપકડ
અમરેલીમાં ગયા અઠવાડિયે સાવરકુંડલાના લીખાળા ગામે એક કૂવામાંથી 1 સિંહ અને 10 નીલગાયના મૃતદેહ મળી આવવાના મામલે વનવિભાગે બે લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવનાર બંને પિતા-પુત્ર છે. ધરપકડ કરવામાં આવનાર બંને ખેડૂતોના નામ નનુ સુહાગીયા અને અરવિંદ સુહાગીયા છે. ખેડૂત પિતા-પુત્રની ધરપકડનો ખેડૂતોએ વન વિભાગ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
50 ફૂટ ઉંડા કૂવામાંથી મળ્યાં હતાં મૃતદેહ
અમરેલી જિલ્લાનાં સાવરકુંડલાના લીખાળા ગામે એક સિંહ અને 10 નીલગાયના મૃતદેહ કૂવામાંથી મળી આવ્યા હતા. એક સાથે નીલગાય અને સિંહના મૃતદેહ કૂવામાંથી મળી આવતા, વન વિભાગે આશંકા વ્યક્ત કરી હતી કે વન્ય પ્રાણીઓને મારીને ગુનો છૂપાવવા માટે કૂવામાં નાંખી દેવામાં આવ્યા હશે. જે કૂવામાંથી નીલગાય અને સિંહનાં મૃતદેહો મળ્યાં છે તે અંદાજે 50 ફૂટ ઉંડો કૂવો છે. વન્ય પ્રાણીઓના મૃતદેહોને જોતા એમ લાગતું હતું કે આ ઘટના અંદાજે ત્રણેક દિવસ પહેલા બની હશે.