અમરેલી જિલ્લાનું છેવાડાનું ગામ એટલે ગીરીયા. અહીં રહેતા ખેડૂત ગિરીશભાઈ જોગાણીને હાલ ખુબ જ ચર્ચામાં છે.કારણ કે,ગિરીશભાઈએ એવુ કામ કરી બતાવ્યું કે આ વિસ્તારનાં ખેડૂતોએ ક્યારેય વિચાર્યું પણ ન હતું, ગિરિશભાઈએ 17 વીઘા જમીન પર ફૂલોની ખેતી શરુ કરી છે. સામાન્ય ફૂલો નહીં પરંતુ વિદેશી ફૂલની ખેતી કરે છે. શરૂઆતમાં અન્ય ખેડૂતો ગિરીશભાઈને સલાહ આપતા કે આવી ખેતી આપણા ખેતરમાં ન થાય, પરંતુ ગિરીશભાઈએ ખેતી વિભાગમાંથી માહિતી મેળવી અને પછી વિદેશી ફૂલની ખેતીનો પ્રારંભ કર્યો અને તેમાં સફળતા મળી.આજે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
ગિરીશભાઈની ઉંમર 45 વર્ષની છે. પરિવાર સહિત 12 માણસો ફૂલની ખેતી સાથે સંકળાયેલા છે. ગિરીશભાઈ વિદેશથી ફૂલના રોપા લાવ્યા છે. અમરેલીનાં લોકો દૂર દૂરથી ખાસ ફૂલ જોવા અને ખરીદી કરવા આવી રહ્યા છે. કારનેસેલ ગુલાબ, સ્વદેશી ગુલાબ તેમજ વિવિધ પ્રકારના રંગીન ગુલાબની ખેતી કરે છે. તેમજ વિદેશી ફૂલમાં જીફ્સોફિલિયા નામના ફૂલની ગ્રીનહાઉસ કરી ખેતી કરે છે. ડચ રઝ,વિવિધ રંગબેરંગી ગર્લ, અનેક પ્રકારના ફૂલ છોડની ખેતી કરે છે.
ગુજરાત સહિત અન્ય રાજ્યમાં ફૂલની નિકાસ
વિદેશી ફૂલનું કિલોના હજારો રૂપિયાના ભાવમાં વેચાણ કરવામાં આવે છે. વિદેશી જીફ્સોફિલિયા નામના ફૂલ કલકત્તા, બેંગ્લોર અને બેંગકોકથી મંગાવવામાં આવે છે. ગિરીશભાઈ માળીના વ્યવસાય સાથે વર્ષોથી જોડાયેલા છે,જેથી અનેક વખત વિદેશ પ્રવાસે જતા ત્યારે નજરમાં વિદેશી ફૂલ આવતા પોતાના મનની અંદર સંકલ્પ કરી અને પોતાના ખેતરમાં વાવવાનું નક્કી કર્યું હતું.ત્યારબાદ વિમાન મારફતે વિદેશી ફૂલોનાં રોપા ઘરે લઇ આવ્યા અને પોતાના ખેતરે ગ્રીનહાઉસ તૈયાર કર્યું. જિફ્સોફિલિયા નામના ફૂલની 10 ડાળીના 400 રૂપિયાથી લઈ 1,000 સુધીનો ભાવ આવે છે. અહીંથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ફૂલની નિકાસ કરવામાં આવે છે.
ગીરીશભાઈ પોતાના ખેતરમાં 25 થી વધુ પ્રકારના ફૂલની ખેતી કરે છે. તેમજ ખેતીમાં 8 થી 10 વ્યક્તિને રોજગારી આપે છે. અમરેલી શહેરમાં આશીર્વાદ ફુલહાર નામનો શોરૂમ ધરાવે છે અને લગ્ન પ્રસંગની સિઝનમાં તેમજ અન્ય સીઝનમાં તમામ પ્રકારના ગુલદસ્તા,ફૂલહાર સહિતનું વેચાણ કરે છે. આ ખેતી અને ફૂલ છોડના વેચાણથી વાર્ષિક 20 લાખથી વધુની કમાણી કરી રહ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર