Home /News /amreli /Amreli : આ જોબકાર્ડ શું છે, ક્યાંથી મળે, નોકરી ન મળે તો ઘરબેઠા મળશે રૂપિયા!

Amreli : આ જોબકાર્ડ શું છે, ક્યાંથી મળે, નોકરી ન મળે તો ઘરબેઠા મળશે રૂપિયા!

જોબકાર્ડ મેળવવા માટે કોઇ પુરાવા આપવા પડે છે ? કયા પુરાવા આપવા પડે છે ?

લોકોને રોજગારી આપવા માટે સરકાર બંધાયેલી છે. ગામડામાં લોકોને રોજગારી માટે જોબકાર્ડ આપવામાં આવે છે.જોબકાર્ડ ધારકને વર્ષમાં 100 દિવસ રોજગારી આપવામાં આવે છે. રોજના 239 રૂપિયા મળવાપાત્ર છે.

Abhishek Gondaliya. Amreli : અમરેલી જિલ્લામાં સરકારી અનેક યોજનાઓ ચાલી રહી છે.આ યોજના થકી શુ લાભ મળે છે ? આ યોજનાકઈ રીતે ચાલે છે ?,સહિતની વિગતોથી અનેક લોકો માહિતગાર હોય છે. પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને યોજનાકીય માહિતી સંપૂર્ણ હોતી નથી અથવા તો સમજી શકતા નથી. જેથી યોજનાના લાભથી વંચિત રહી જાય છે.અમરેલીના ભરત ચૌધરી લોકોને જોબકાર્ડ અંગે માહિતગાર કર્યા હતા.

શિક્ષક ભરત ચૌધરીએ જણાવ્યું હતું કે,જોબકાર્ડ મનરેગા યોજનામાં ઉપયોગ થાય છે. સંસદનો અધિનિયમ છે. ગ્રામીણ કુટુંબના પુખ્ત સભ્યો જેમને રોજગારની જરૂર હોય અને જેઓ બિનકુશળ શ્રમ કરવા માગતા હોય તેમને નાણાકીય વર્ષમાં 100 દિવસની રોજગારી પુરી પાડવાની કાયદેસર બાંહેધરી આપે છે. મનરેગાએ 2 ફેબ્રુઆરી 2006ના રોજથી અમલમાં છે. આ અધિનિયમ સમગ્ર દેશમાં અમલમાં છે. આ યોજના અંર્તગત દૈનિક રોજગારી રૂપિયા 239 મળવાપાત્ર થાય છે.જેમાં સરકાર સમયાંતરે ફેરફાર કરતી હોય છે.

જોબકાર્ડ શું છે ?

મનરેગા કાયદા અંર્તગત જોબકાર્ડ મુળભૂત કાનૂની દસ્તાવેજ છે, જેના વડે નોંધાયેલ પરિવાર બાંહેધરી આપેલી રોજગાર માગી શકે છે. જોબકાર્ડ અરજી કર્યાના 15 દિવસમાં કાઢી આપવાનાં હોય છે.જે પાંચ વર્ષ માટે માન્ય છે. કુટુંબના જોબકાર્ડમાં દરેક નોંધાયેલા સભ્યેનું નામ અને ફોટો હશે. આ યોજનામાં કોઇ પણ ગ્રામીણ કુટુંબની પુખ્ત વયની વ્યક્તિ કે જે બિન કુશળ શારીરિક શ્રમ કરવા ઇચ્છુક છે, તે અરજી કરી શકશે. આ યોજના તમામ ગ્રામજનો માટે છે.

જોબકાર્ડ કયાંથી મળે ?

જોબકાર્ડ મેળવવા માટે ગ્રામ પંચાયતને અરજી કરવાની હોય છે. ગ્રામ પચાયતે ફરજિયાત આ અરજીઓ પર નિર્ણય લેવો પડે છે.

કયા પુરાવા આપવા પડે છે ?

જોબકાર્ડ મેળવવા માટે 18 વર્ષથી ઉપરની ઉંમર જરૂરી છે. વ્યક્તિએ સ્થાનિક ગ્રામ પંચાયતમાં નોંધણી માટે સાદા કાગળ પર અરજી કરવાની હોય છે.જેમાં નામ, ઉંમર, જાતિ (એસ.સી.એસ.ટી.) વગેરે દર્શાવવાનું હોય છે.અરજીમાં રેશનકાર્ડ, ભારત સરકાર દ્વારા અપાયેલ ફોટો ઓળખ, ચૂંટણી કાર્ડ, આધારકાર્ડ બેંક ખાતાના પાસબુકની નકલ, મોબાઈલ નંબર આપવાના હોય છે.

રોજગારી ભથ્થું મળવાપાત્ર છે ?

અરજદારને કામની માંગણીના 15 દિવસમાં રોજગારી ના મળે તો તેમને સરકાર નક્કી કરે તે મુજબનું બેરોજગારી ભથ્થું મળવાપાત્ર છે.

કામ માટે અરજી કરવા કયાં પગલાંનું પાલન કરવાનું છે ?

રોજગારી મેળવવા માંગતા શ્રમિકે ગ્રામ પંચાયતને કે તાલુકા વિકાસ અધિકારી (કાર્યક્ષમ અધિકારી) તાલુકા પંચાયત કચેરીએ મૌખિક કે લેખિત અરજી આપવી જોઇએ અને તેની પહોંચ માંગવી જોઇએ. તે માન્ય અરજી સ્વીકારવા અને તેની પહોંચ આપવા બંધાયેલા છે.

રોજગારી ન મળે તો કોને ફરિયાદ કરવી ?

રોજગારી ન મળે તો તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી (કાર્યક્રમ અધિકારી) ને અને ગામમાં ગ્રામ પંચાયતમાં તલાટી-કમ-મંત્રીને ફરિયાદ કરી શકાશે. આ માટે ગ્રામ પંચાયતમાં રાખેલ ફરિયાદ રજીસ્ટરમાં પણ ફરિયાદની નોંધ કરી શકાય. વેતન ન મળે, કે ઓછુ વેતન મળે, તો તાલુકા વિકાસ અધિકારી(કાર્યક્રમ અધિકારી) ને ફરિયાદ કરી શકાશે.

બિનકુશળ, અર્ધકુશળ, અને કુશળ શ્રમિકને સરખું દૈનિક વેતન મળે કે જુદું જુદું ?

બિનકુશળ, અર્ધકુશળ, અને કુશળ શ્રમિકને કરેલા કામનાં નક્કી થયેલા દર પ્રમાણે વેતન મળવાપાત્ર થશે. આ યોજના હેઠળ 100 આખા દિવસની રોજગારી આપવાની છે. આથી અડધા દિવસની કામગીરી આપવાનો પ્રશ્ન નથી. શ્રમિકોએ સળંગ 14 દિવસની રોજગારી માંગવાની હોય અડધા દિવસની કામગીરી ફાળવી શકાશે નહીં. કોઇપણ સ્થળે આ યોજના હેઠળનું કામ મળે, ત્યાં જોબકાર્ડ કામનાં સ્થળે શ્રમિકે પોતાની સાથે રાખવાનું હોય છે.
First published:

Tags: Job, Local 18, અમરેલી