અમરેલી: હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ (Social distancing) અને માસ્ક (Mask) પહેરવું અનિવાર્ય છે. આ બંનેનું પાલન કરાવવાની જવાબદારી સરકાર તંત્ર અને ખાસ કરીને પોલીસની છે. લોકો પોતાની રીતે સમજીને બંનેનું પાલન કરી તે પણ જરૂરી છે. જો આવું ન થાય તો સરકારે દંડ ફટકારવાની સત્તા પોલીસને આપી છે. આ દરમિયાન અમરેલીના બાબરામાં ભરાતી બુધવારી બજારમાં એક મહિલા પીએસઆઈએ મધ્યવર્ગની મહિલાઓ પર ડંડાવાળી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મહિલાઓ અઠવાડિયામાં એક દિવસ એટલે કે બુધવારે જૂના કપડાં અને સામાન વેચીને પેટીયું રડતી હોય છે. મહિલાઓને સમજાવીને હટાવવાને બદલે પીએસઆઈએ ડંડામારીને તેમના ભગાડી મૂકી હતી. આ દરમિયાન તેઓ એ પણ ભૂલી ગયા હતા કે તેમણે પોતે જ સરખી રીતે માસ્ક નથી પહેર્યું!
બનાવની વિગતે વાત કરીએ તો બાબરામાં દર બુધવારે મધ્યવર્ગના લોકો ખરીદી કરી શકે તે માટે બુધવારી બજાર ભરાય છે. આજે સવારે પોલીસે દાદાગીરી કરીને આ માર્કેટ બંધ કરાવી હતી. આ દરમિયાન દીપિકા ચૌધરી નામના મહિલા પીએસઆઈએ બુધવારીમાં પાથણા પાથરી વેપાર કરતી ગરીબ અને મધ્યવર્ગની મહિલાઓ પર લાઠીચાર્જ કર્યો હતો. અનેક મહિલાઓને તેમણે ડંડાથી માર માર્યો હતો. આ દરમિયાન તેઓ યુનિફોર્મમાં પણ જોવા મળ્યા ન હતા.
હકીકતમાં આ મહિલાઓ અહીં મોજશોખ માટે નહીં પરંતુ અઠવાડિયામાં એક દિવસ નદીના પટમાં પાથરણાં પાથરીને જૂના કપડાંનો વેપાર કરીને પોતાનું ગુજરાત ચલાવે છે. આ અંગે વીડિયો સામે આવતા જ લોકોમાં ચર્ચા જાગી છે કે સરકાર એક બાજુ મહિલા સુરક્ષાની વાતો કરે છે અને બીજી તરફ ખુદ એક મહિલા પીએસઆઈ જ ગરીબ વર્ગની મહિલાઓ પર લાઠી વીંઝી રહી છે.
પીએસઆઈના આવા વર્તન બાદ ગરીબ મહિલાઓનો ગુસ્સા ફૂટી નીકળ્યો હતો. પોતાની હૈયાવરાળ રજુ કરતા મહિલાઓએ કહી રહી હતી કે રાજકીય મેળાવડા થાય છે ત્યારે પોલીસ શા માટે મૂકપ્રેક્ષક બનીને બેસી રહે છે? શા માટે ફક્ત ગરીબો સામે જ કાર્યવાહી કરવામાં આવે છે?
આ અંગેનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં મહિલા પીએસઆઈ એક મહિલાને માર મારતા જણાઈ રહ્યા છે. આ દરમિયાન ધ્યાનથી જોતા તેમણે પોતાનું માસ્ક સરખી રીતે પહેર્યું નથી. તેમનું માસ્ક નાકથી નીચે જોવા મળી રહ્યું છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના મુદ્દે જ્યારે તમે લોકોને દંડી રહ્યા છે, તેમને ડંડા ફટકારી રહ્યા છો ત્યારે ખુદ તમે જ આ નિયમનું પાલન નથી કરતા તે કેટલું યોગ્ય છે? વીડિયો વાયરલ થયા બાદ મહિલા પીએસઆઈ સામે પગલાં લેવાની માંગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લાના પોલીસ વડા નિર્લિપ્ત રાય ખૂબ જ કડક છાપ ધરાવે છે. નિયમ ભંગ બદલ તેઓ પોલીસ ખાતાના લોકોને પણ સજા ફટકારે છે. આ વીડિયો મામલે તેઓ કેવા પગલાં ભરે છે તે જોવાનું રહ્યું.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર