Abhishek Gondaliya, Amreli: અમરેલીના ડોક્ટરનું હરિયાળી ક્રાંતિમાં અનોખું યોગદાન આપ્યું છે. અમરેલી નજીક આવેલા જાળિયા ગામે તબીબ તરીકે સેવા આપતા ડો. હિમાંશુ કિલાવતે પ્રકૃતિના જતન માટે એક 'મિયાવાંકી જંગલ' તૈયાર કર્યુ છે. લગભગ બે એકર જમીનમાં 800 વૃક્ષોને મિયાવાંકી પદ્ધતિ દ્વારા ઉછેરવામાં આવ્યા છે.
જાણીને નવાઈ લાગે પરંતુ આ 800 વૃક્ષોમાં કુલ 250 વૃક્ષો અલગ અલગ પ્રજાતિના છે. ડો. હિમાંશુ કિલાવતએ આ ભગીરથ કાર્ય છેલ્લા દોઢ વર્ષ જેટલા ટૂંકા ગાળામાં જ કર્યુ છે. હજુ આ પૈકીના કેટલાક છોડ ઉછરી રહ્યા છે જ્યારે કેટલાક ઘેઘુર વૃક્ષ બની ગયા છે.
કોરોનામાં ઓક્સિજનની અછતથી વિચારબીજ રોપાયા
હિમાંશુ કિલાવતે જણાવ્યું હતું કે, આપણે સૌએ જોયું કે કોરોનાકાળમાં જેવી રીતે સમગ્ર વિશ્વમાં ઓક્સિજનની અછત વરતાઈ હતી. સૌ કોઈ ઓક્સિજન માટે દોડધામ કરી રહ્યાં હતા. તબીબ તરીકે હું પણ અનેક દર્દીઓનો ઉપચાર કરી રહ્યો હતો, એ વેળાએ મને આ વિચાર આવ્યો હતો. મેં આ જંગલ તૈયાર કરવા માટે મિયાવાંકી પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. મેં મિયાવાંકી પદ્ધતિ વિશે ઘણું વાંચ્યું હતું.
આ પદ્ધતિ દ્વારા કરવામાં આવતા વૃક્ષારોપણમાં વૃક્ષોનો ઉછેર ખૂબ જલ્દી થાય છે. અમને પણ આ પદ્ધતિમાં મોટાભાગે સફળતા મળી છે. છેલ્લા દોઢ વર્ષની મહેનત આજે નજરે જોઈને રાહત મળે છે. આગામી દિવસોમાં વધુ સારું પરિણામ મળે તેવી આશા છે.
મિયાવાંકી જંગલમાં લુપ્ત થતા વૃક્ષો છે.
મિયાવાંકી જંગલમાં કેટલાક લુપ્ત થતાં જતાં વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે. ચંદન, સીસમ, સાગ, ખીજડો, એલચી, જાયફળ, સેતુર, અશ્વગંધા, અમેરિકન લીમડો, ફણસ, અર્જુન, સફરજન, રૂદ્રાક્ષ, હિંગ, ગુંદ, વાંસ, રબર, સતાવરી, અપરાજિતા, ખેર, એલચી જેવી અનેક જુદી જુદી પ્રજાતિના છોડ વાવીને 'મિયાવાંકી જંગલ'તૈયાર કરવામાં આવ્યું છે.
પાણી માટે ટપ્ક સિંચાઇ પદ્ધતિનો પ્રયોગ
મિયાવાંકી જંગલમાં પ્રકૃતિ સાથે પાણીના જતનનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. પાણીનો વ્યય ન થાય તેવાં ઉમદા હેતુથી અહીં ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા પાણી આપવામાં આવે છે. આમ, પ્રકૃતિ સાથે પાણીનું પણ જતન થઈ રહ્યુ છે.
મિયાવાંકી પદ્ધતિ વિશે માહિતી આપતા ડો.હિમાંશુએ જણાવ્યું હતું કે, મિયાવાંકી પદ્ધતિમાં વૃક્ષોને એકબીજાને નજીક ગીચોગીચ વાવવામાં આવે છે. ગીચ વાવેતરથી કરવાથી જંગલોનું ધોવાણ થતું અટકે છે.
રાજ્યનાં વિવિધ શહેરમાં ફરી છોડ શોધ્યાં
હિમાંશુ કિલાવતે રોપેલા ઝાડમાં ફળ-ફૂલ, ઔષધીય છોડ, લુપ્ત થતા જતા વૃક્ષોનો સમાવેશ થાય છે. આ છોડ મેળવવા માટે તેમણે રાજ્યના વિવિધ શહેરોનું ખેડાણ કર્યુ છે. કોઈ છોડ સરકારી નર્સરીમાંથી મળ્યા તો કોઈ ખાનગી નર્સરીમાંથી મેળવી અને 'મિયાવાંકી જંગલ' બનાવ્યું છે.
જોકે, આ 'મિયાવાંકી જંગલ'માં વૃક્ષોની વૈવિધ્યતા એટલી બધી છે કે ઠંડા પ્રદેશના કેટલાક છોડ સફળતા પૂર્વક ઉછરી શક્યા નથી. જેમ કે, સફરજન, આવાં અનેક છોડ જમીનની વિષમતા અને વાતાવરણની વિષમતાના કારણે નિષ્ફળ ગયા છે, છતાં તેઓ ફરીવાર આવાં છોડનું વાવેતર કરી અને તેને ઉછેરવાનો પ્રયાસ કરી રહ્યાછે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર