અમરેલી જિલ્લાના વંડા ગામના ખેડૂતે ઓર્ગેનિક પદ્ધતિથી સરગવાનું વાવેતર કર્યું છે.તેઓ સરગવાની શિંગ બેંગ્લોર, કલકત્તા, દિલ્હી વેચાણ અર્થે મોકલી રહ્યા છે. તેમને એક કિલોના રૂપિયા 600 મળી રહ્યા છે અને 5 વીઘામાંથી 6 લાખ રૂપિયાની આવક થઈ છે.
Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લાના વંડા ગામના ખેડૂતને સરગવાની ખેતીએ લખપતિ બનાવ્યા છે. વંડાના ખેડૂત ઓર્ગેનિક પદ્ધતિથી સરગવાની ખેતી કરી રહ્યા છે. તેઓ માત્ર સરગવાની શિંગ જ નહીં પરંતુ સરગવાના પાનનું પણ વેચાણ કરી રહ્યા છે.
વંડા ગામના જગદીશભાઈ તળાવિયાએ સૌપ્રથમ વખત ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી હતી, ત્યારે અનેક ખેડૂતો તેમની મજાક કરતા હતા અને ઓર્ગેનિક ખેતીમાં સફળતા નહીં મળે તેવું કહેતા હતા. પરંતુ જગદીશભાઈએ કોઈનું પણ સાંભળ્યું ન હતું અને ઓર્ગેનિક ખેતી કરવાનું ચાલુ રાખ્યું હતું. આજે જગદીશભાઈ ઓર્ગેનિક ખેતીથી લખપતિ બની ગયા છે. 38 વર્ષીય જગદીશભાઈ સરગવાની ખેતી કરી રહ્યા છે.
1 કિલો સરગવાના 300 રૂપિયા મળી રહ્યા છે
જગદીશભાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરે છે. ઓર્ગેનિક ખેતીમાં સરગવા અને લીંબુનું વાવેતર કરી રહ્યા છે. સરગવામાં સારો એવો ઉતારો આવ્યો છે.
સરગવાની શિંગ તેઓ બેગ્લોર ,કલકત્તા, દિલ્હી વેચાણ અર્થે મોકલે છે. તેમને 20 કિલો સરગવાના 6000 રૂપિયા મળી રહ્યા છે અને એક કિલોના ભાવ 300 રૂપિયા મળી રહ્યા છે.
પાંચ વીઘામાં સરગવાનું વાવેતર કર્યું
જગદીશભાઈએ પાંચ વીઘામાં સરગવાનું વાવેતર કર્યું છે. ઓર્ગેનિક અને ટપક પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે. ઓર્ગેનિક પદ્ધતિમાં આંકડો, પીપળા, ગૌમૂત્ર, ગોળ વગેરે વસ્તુનું મિશ્રણ કરી પાયાના ખાતર તરીકે ઉપયોગ કરી રહ્યા છે.તેમ જ ટપક સિંચાઈના કારણે પાણીની પણ બચત થઈ રહી છે. ઓછા પાણીએ સારું ઉત્પાદન મેળવી રહ્યા છે.
5 વીઘામાંથી 6 લાખ રૂપિયાની આવક
જગદીશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, તેમના પિતા અને ભાઈ પણ ખેતી કરી રહ્યા છે. પાંચ વીઘામાંથી 5 થી 6 લાખ રૂપિયાનું ઉત્પાદન મળ્યું છે. જે લોકો તેમની મજાક ઉડાવતા હતા,તે લોકો આજે જગદીશભાઈ આગળથી માર્ગદર્શન મેળવી રહ્યા છે..