અમદાવાદ: શહેરમાં (Ahmedabad Crime) એક બાદ એક હત્યાના (murder) કિસ્સા વધી રહ્યા છે. તાજેતરમાં હવેલી સહિતના વિસ્તારમાં ચાર જેટલા હત્યાના બનાવ બન્યા હતાં. બાદમાં પતિએ જ પત્ની, બાળકો અને વડ સાસુની ઓઢવમાં હત્યા કરી હતી. ત્યારે હવે આ કેસનો આરોપી પકડાતા જ વધુ એક હત્યાનો બનાવ શહેરમાં બન્યો છે. વાહન અથડાવવા બાબતે માથાકૂટ થતા એક યુવક વચ્ચે પડી ઝગડો ન કરવાનું કહેતા થોડી જ વારમાં હથિયારો સાથે આવેલા ત્રણ લોકો આ યુવક અને તેના પિતરાઈ ભાઈ પર તૂટી પડ્યા હતા. જેમાં એક યુવકનું મૃત્યુ થતાં દાણીલીમડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના દાણીલીમડાના રામ રહીમના ટેકરા પાસે રહેતા વસીમ રાણા ઈલેક્ટ્રીક દુકાનમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગુરુવારે રાત્રે તેઓ દાણીલીમડા બહેરામપુરા પાસે આવેલી વાળંદની દુકાન પાસે વાળ કપાવવા માટે ઉભા હતા. તે દરમિયાન તેમનો મિત્ર મોઈન પઠાણ તેનું વાહન લઇને આવ્યો હતો અને વસીમે તેની પાસેથી ઉછીના લીધા હોવાથી વાત કરતા હતા. બાદમાં વસીમનો મિત્ર મોઈન ખાન પોતાનું વાહન ચલાવતો હતો, તે દરમિયાન બહેરામપુરા નારણદાસની ચાલી ખાતે રહેતા સલમાનનો નાનો ભાઈ સાહિલ બાઇક લઇને ત્યાંથી પસાર થતો હતો. તે દરમિયાન સાહિલનું બાઈક વસીમભાઈના મિત્ર મોઈનના વાહન સાથે અથડાઈ ગયું હતું.
યુવકનું મૃત્યુ થતાં દાણીલીમડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બાદમાં બાઈક જોઈને ચલાવવાનું કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો. ત્યારે મોઇનભાઇએ ઝઘડો નહીં કરવા સમજાવતા સાહિલે તેમની સાથે પણ માથાકૂટ કરી હતી. થોડા સમય બાદ સલમાન તથા તેનો નાનો ભાઈ સાહિલ અને સલમાનનો કોઈ મિત્ર ત્યાં આવ્યા હતા અને સાહિલ છરી લઈને આવ્યો હતો. તે દરમિયાન વસિમ ભાઈને છરી મારવા જતા તે ત્યાંથી ભાગી ગયા હતા અને બાદમાં સલમાન પાછળથી તેના હાથમાં છરી લઈને આવ્યો હતો ને પીઠના ભાગે મારી દીધી હતી. ત્યારે ત્યાં વસીમભાઈના મોટા બાપાનો દીકરો રફીક બેઠો હતો તે તેને છોડાવવા વચ્ચે પડતાં સલમાને રફીકને પણ છાતીના ભાગે છરી મારી દીધી હતી.
બાદમાં રફીકને વધુ ઈજાઓ પહોંચી હતી અને લોહી નીકળતું હોવાથી તે બેભાન હાલતમાં હતો. જેથી તેને વીએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન રફીકને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. જેથી આ અંગે દાણીલીમડા પોલીસને જાણ કરાતા પોલીસે આ અંગે સલમાન, સાહિલ અને સલમાનનો મિત્ર એમ ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.