અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં એક યુવકે બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેણે આક્ષેપ કર્યા છે કે તેની પત્નીને થોડા સમય પહેલા એક યુવક સાથે મિત્રતાના સંબંધો હતા. પરંતુ થોડા મહિનાથી તેની પત્નીએ મિત્રતાના સંબંધો (Friendship) પૂર્ણ કરી દેતા આ શખ્સે ઘર પાસે આંટા મારવાનું શરૂ કર્યું હતું અને થોડા દિવસ પહેલાં મોડી રાત્રે તેના મિત્રો સાથે આવીને વાહનોને આગ ચાંપી દીધી હતી. પાડોશીએ જાણ કરતા આ યુવક ઘરની બહાર આવ્યો ત્યારે શખ્સોએ તેને ધમકી આપી હતી કે, તારી પત્ની મિત્રતા ન રાખતી હોવાથી તેઓએ વાહનોને આગ ચાપી દીધી છે. ધમકીથી ડરી ગયેલા યુવકે પહેલા ફરિયાદ કરી ન હતી, બાદમાં વધુ નુકસાન થયું હોવાથી તેને આ અંગે ફરિયાદ (Police complaint) આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ફરિયાદ 33 વર્ષીય યુવક શહેરના ઓઢવ વિસ્તારમાં પત્ની, ભાઈ તથા માતાપિતા સાથે રહે છે અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ફરિયાદી યુવકની પત્નીને એક વર્ષ પહેલા નજીકમાં રહેતા મનીષ નામના યુવક સાથે મિત્રતાના સંબંધ હતા. છેલ્લા ચાર મહિનાથી યુવકની પત્નીએ આરોપી મનીષ સાથે સંબંધ તોડી નાખ્યા હોવા છતાં મનીષ અવારનવાર ઘરની આગળથી નીકળતો હતો. બે દિવસ પહેલા રાત્રે દસેક વાગ્યાની આસપાસ ફરિયાદી પોતાનું બાઈક તથા તેના ભાઈનું એક્ટિવા ઘરની બહાર પાર્ક કરી ઊંઘી ગયો હતો.
મોડી રાત્રે અચાનક જ યુવકના પાડોશીએ બૂમાબૂમ કરી હતી અને ફરિયાદીને બહાર આવવા જણાવ્યું હતું. ફરિયાદીએ જોયું તો ત્યાં મનીષ અને તેનો એક મિત્ર અહેસાન ઊભા હતા અને જ્વલનશીલ પ્રવાહી બાઈક અને એક્ટિવા ઉપર નાખી સળગાવતા હતા. જેથી યુવક તાત્કાલિક ત્યાં દોડીને ગયો હતો અને મનીષને પૂછ્યું કે અમારા વાહનો સળગાવ્યા છે? મનીષે જણાવ્યું કે તારી પત્ની હવે મારી સાથે મિત્રતાના સંબંધ રાખતી નથી આથી તારું બાઈક અને એક્ટિવા સળગાવી દીધું છે. બાદમાં મનીષે ફરિયાદીને આ મામલે પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપીને બંને શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા. બાદમાં યુવક તથા પાડોશીઓએ ભેગા મળી વાહનોમાં લાગેલી આગને બુજાવી દીધી હતી. યુવકને વાહનોમાં લાગેલી આગના કારણે હજારો રૂપિયાનું નુકસાન થયું હતું. બીજી તરફ આરોપીએ આપેલી ધમકીથી ડરીને યુવક ફરિયાદ કરવા ગયો ન હતો. જોકે, વધારે નુકસાન થયાનું જાણીને યુવકે ઓઢવ પોલીસ સ્ટેશનમાં બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે.