Home /News /ahmedabad /Ahmedabad City: વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ અધધધ... કરોડના દેવામાં, સરકારે પૂરતી મદદ ન કરી!
Ahmedabad City: વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ અધધધ... કરોડના દેવામાં, સરકારે પૂરતી મદદ ન કરી!
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
Ahmedabad Municipal Corporation: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ છે. કારણ કે, રાજ્ય સરકારે જોઇએ તેવી મદદ કરી નથી. એક તરફ કોરોના મહામારીમાં કરોડોનો ખર્ચ કરાવ્યો ને બીજી તરફ, રાજ્ય સરકારે પૂરતી આર્થિક મદદ કરી નથી.
અમદાવાદઃ કોરોના મહામારી બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ છે. કારણ કે, રાજ્ય સરકારે જોઇએ તેવી મદદ કરી નથી. એક તરફ કોરોના મહામારીમાં કરોડો રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ, રાજ્ય સરકારે જોઇએ તેવી આર્થિક મદદ કરી નથી. હવે રોજિંદા ખર્ચ કરવા માટે પણ દેવું કરવામાં આવી રહ્યું છે. આ દેવું ભરવા માટે લોકો ઉપર કરોડો રુપિયાનો પ્રોપર્ટી ટેક્સનો બોજ ઝીંકવામાં આવી રહ્યો છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વર્ષ 2023-24ના ડ્રાફ્ટ બજેટમાં રુ. 1317.67 કરોડનું દેવું બતાવવામાં આવ્યું છે, પણ તેમાં વર્લ્ડ બેંક પાસેથી લીધેલી રુ.3,000 કરોડની લોન ઉમેરવામાં આવી નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને વર્લ્ડ બેંકની લોનથી 3,000 કરોડ પૈકી રુ.1200 કરોડના ટેન્ડર બહાર પાડી દીધાં છે. જ્યાં સુધી વર્લ્ડ બેંકની લોનની રકમ મળે નહીં ત્યાં સુધી તે દેવામાં દર્શાવવામાં આવશે નહીં. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના માથે વર્લ્ડ બેંકની સાથે ગણીએ તો, કુલ રુ. 4,317.67 કરોડનું દેવું થશે પણ વર્લ્ડ બેંકની રકમને દેવાની રકમમાં આવતા વર્ષના બજેટમાં ઉમેરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના માથે દેવું વધી રહ્યું છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા ઓક્ટ્રોયની સામે આવતી ગ્રાંટની રકમ વધારવામાં આવી રહી નથી. રાજ્ય સરકાર દ્વારા ઓક્ટ્રોયની બદલામાં આપવાની થતી ગ્રાંટ બંધ કરવાની તૈયારી કરી રહી છે. જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવામાં આવી રહ્યો છે. નવા ટેક્સ જાહેર કરવામાં આવી રહ્યાં છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને થોડા મહિના પહેલાં રોજિંદા ખર્ચ ઉપાડવા માટે પણ GSFS પાસેથી 350 કરોડની લોન લીધી હતી. સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 2ના કામ માટે પણ 350 કરોડની લોન લેવાઇ હતી. આ સિવાય ગ્રીન બોન્ડના નામે 200 કરોડનું દેવું કરવામાં આવ્યું છે.
ઉદાહરણ તરીકે જોઇએ તો, ગત 31 માર્ચ 2022ની સ્થિતિએ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના માથે રૂ.280.11 કરોડની લોન હતી. તા. 31 માર્ચ 2023ની સ્થિતિએ વધીને રુ. 982.67 કરોડની લોન થઇ ગઇ છે. આગામી તા. 31 માર્ચ 2024ની સ્થિતિએ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની લોનની રકમ વધીને રુ. 4,317.67 કરોડ લોન થઇ જશે.
વર્ષ 2015-16ના બજેટમાં અમદાવાદ શહેરને સ્માર્ટ સિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, પણ વર્ષ 2023-24માં અમદાવાદ શહેર દેવાદાર સિટી બની ગયું છે. ગુજરાતમાં સૌથી વધુ દેવું કરનારી સંસ્થા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન છે.