અમદાવાદ: છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓ પર અત્યાચાર અને હુમલાની ઘટનાઓ વધી છે, ત્યારે આવી ઘટનાઓ સામે મહિલાઓ પોતાની જાતે આત્મરક્ષા કરી શકે તેવું એક અનોખું અભિયાન ગાંધીનગરની યુવતી ચલાવી રહી છે. આ યુવતીએ રાજ્યના અનેક ગામડાઓનો પ્રવાસ કરી છેલ્લા 13 વર્ષમાં દોઢ લાખથી વધુ મહિલાઓને સેલ્ફડીફેન્સની તાલીમ આપી છે. સાથે જ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓમાં હેલ્થકેર ન્યુટ્રીશિયન, હિમોગ્લોબીનની ઉણપ હોય તો તેને દૂર કરવાનું પણ અનોખું અભિયાન શરુ કરાયું છે.
2008થી યુવતીઓને સેલ્ફડીફેન્સની તાલીમ આપવાનું અભિયાન શરુ કર્યું
મહિલાઓને સમાન હક્ક, સમાન અધિકાર અને મહિલા સશક્તિકરણ તેમજ મહિલા સલામતીના દાવાઓ અનેકવાર સરકાર દ્વારા થતા રહે છે. તેમ છતાં ગુજરાત સહિત દેશભરમાં મહિલાઓ પર અત્યાચાર, છેડતી, શોષણની ઘટનાઓ બનતી રહે છે. પરંતુ આવી યુવતીઓને ખરેખર જરુર છે સેલ્ફડીફેન્સ ટ્રેનિંગની. આ જ ઉદેશ સાથે ગાંધીનગરમાં રહેતા પ્રીતિ પટેલ આગળ વધી રહ્યાં છે. તેમણે વર્ષ 2008થી યુવતીઓને સેલ્ફડીફેન્સની તાલીમ આપવાનું અભિયાન શરુ કર્યું હતું. જે હજુ 13 વર્ષથી અવિરત ચાલુ છે. સેલ્ફડિફેન્સ એ આજના સમયની માંગ છે. વર્ષ 2018માં દેશમાં 30 હજાર જેટલા બળાત્કાર અને છેડતીના કેસ નોંધાયા હતા. સેલ્ફડીફેન્સ યુવતીઓને માનસિક અને શારીરિક રીતે મજબૂત બનાવે છે.
તેમનું માનવું છે કે, આમ તો રોજે રોજ ઘરેલુ હિંસાની ઘટનાઓ તો સામે આવતી જ હોય છે અને મોટાભાગના કિસ્સાઓમાં મહિલાઓને જ સહન કરવાનો વારો આવતો હોય છે. જેથી મહિલાઓને સેલ્ફડીફેન્સ આપવી તે કામને પ્રાથમિકતા આપી. 2008થી મહિલાઓને આત્મરક્ષાની તાલીમ આપવાનું શરુ કર્યું. અત્યાર સુધીમાં દોઢ લાખ યુવતીઓને તાલીમ અપાઈ ચૂકી છે. તેઓ પોતે છઠ્ઠા ધોરણથી જ કરાટેની તાલીમ લેવાની શરુ કરી હતી. જેને કારણે તેઓ હાલ કરાટેમાં બ્લેક બેલ્ટ છે અને જુડો કરાટેમાં નેશનલ પ્લેયર પણ છે. તેમણે રાજ્યના બનાસકાંઠા, મહેસાણા, મોરબી, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક વિસ્તારમાં જઈ મહિલાઓને તાલીમ આપી છે. અમદાવાદ સિવિલ અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિસને પણ આત્મરક્ષાની તાલીમ આપી છે.
મહિલાઓના આરોગ્ય પર પણ કરે છે કામ
મહત્વનું છે કે, સેલ્ફડીફેન્સની સાથે-સાથે મહિલાઓના આરોગ્ય પર પણ તેઓ કામ કરવાનું શરુ કર્યું છે. હાલમાં વ્યારામાં તેમનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. વ્યારાના ટ્રાયબલ વિસ્તારમાં મહિલાઓને હેલ્થ કેર, ન્યુટ્રીશિયન, હિમોગ્લોબીન ફૂડ પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારની મહિલાઓમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળ્યું છે. સાથે જ સિકલ સેલની બિમારીની પણ અહીં સમસ્યા છે. જેથી યુવતીઓને સિકલ સેલનો રિપોર્ટ કરી તેમને આરોગ્ય બાબતે પણ સુરક્ષિત કરવાનું અભિયાન ચાલી રહ્યું છે.