અમદાવાદ: નવરંગપુરામાં નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા એક્ટિવાને ટ્રાફિક પોલીસે ટો કર્યું હતું. જે બાદ મહિલાએ ટ્રાફિક કચેરીએ આવીને પોલીસ કર્મચારીને બિભત્સ ગાળો બોલીને લાફો માર્યો અને સેન્ડલથી માર માર્યો હતો. આ ઘટનાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે બી ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા સતીષકુમાર પટેલ તેમના અન્ય સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં કરી રહ્યાં હતાં. આ દરમિયાન નવરંગપુરામાં મેયરના બંગ્લા નજીક નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા ચાર બાઈક તેમણે ટો કર્યા હતા અને બી ડિવીઝનની કચેરીએ લાવ્યા હતા.
જે પછી બપોરે એક મહિલાએ કચેરીમાં આવીને મારૂં એક્ટિવા કેમ ઉપાડ્યું? કહીને બિભત્સ ગાળો બોલીને એક્ટિવા ચાલુ કરી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં બી ડિવીઝનના સ્ટાફે તેને અટકાવતા મહિલાએ સતીષકુમારને લાફો મારી દીધો હતો અને સેન્ડલથી પણ માર માર્યો હતો.