અમદાવાદ : કોરોનાની ગાઇડલાઇનનો અમલ કરાવતી વખતે સરકારી કર્મચારીઓ અને પ્રજા વચ્ચે અનેક વખત ઘર્ષણના બનાવો જોવા મળી રહ્યા છે. અને એમાંય ખાસ કરીને જ્યારે માસ્ક ના પહેરવા બદલ દંડની વાત આવે ત્યારે લોકો ઉશ્કેરાઈ જતા હોય છે અને પોલીસને મનફાવે તેમ બોલતા હોય છે. આવો વધુ એક બનાવ શહેરના નારણપુરા વિસ્તારમાં જોવા મળ્યો છે. માસ્ક પહેર્યા વગર કારમાં સવાર ત્રણ લોકોને પોલીસે અટકાવ્યા તો આસપાસમાં ભેગા થયેલા ટોળાએ પોલીસ વિરુધ્ધ ઉશ્કેરણી કરી અને તકનો લાભ લઇ કાર ચાલક ફરાર થઈ ગયો.
નારણપુરા પોલીસ સ્ટાફ ગઇકાલે હેવમોર ચાર રસ્તા નજીક પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક કારમાં ત્રણ લોકો સવાર હતા જેમાં એક વ્યક્તિએ માસ્ક પહેર્યુ ન હોવાથી તેને અટકાવ્યો હતો અને માસ્ક પહેરવા બદલ રૂપિયા 1000નો દંડ ભરવા માટે પોલીસને જાણ કરી હતી.
જોકે, આ યુવાને કહ્યું હતું કે, હું પાણી પી રહ્યો હોવાથી માસ્ક ન હતું પહેર્યું. આ દરમિયાન સવારે એક મહિલા પણ ગાડીમાંથી ઉતરી હતી અને પોલીસને મનફાવે તેમ બોલવા લાગી હતી. કે અમો આમ લોકો પાસેથી પૈસા પડવો છો, તમે પોલીસ ખોટી રીતે હેરાન કરો છો. અમે માસ્ક ના પહેરવા બદલનો દંડ ભરવાના નથી. તમારાથી જે થાય તે કરી લો. જોકે પોલીસ સાથે ઘર્ષણ થતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા અને ટોળાનો લાભ લઈને કારચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
જોકે, બાદમાં ટોળામાંથી કેટલાક લોકો કહેવા લાગ્યા હતા કે, આ પોલીસ લોકોને ખોટી રીતે હેરાન ગતિ કરે છે. અને કાર ચાલકનો ઉપરાણું લઈને પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી. જે બદલ પોલીસે ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર