અમદાવાદઃ શહેરના સાબરમતી નદીમાં પરિણીતાએ બાળક સાથે કરેલી આત્મહત્યા કેસમાં પતિ અને જેઠાણી વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પરિણીતાના પતિને જેઠાણી સાથે આડાસંબંધ હોવાથી વારંવાર તેને દહેજ અને બાળકનો કબ્જો લઇ લેવા માટે ધાકધમકી આપતા હતા. પરિણીતાના પતિએ ‘હું કાયમ માટે બાળકનો કબ્જો લઇ લઈશ, તારે મરવું હોય તો મરી જા, મને કોઇ ફરક પડતો નથી’ તેમ કહેતા પરિણીતાએ સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે. જ્યારે પોલીસે આ મામલે પરિણીતાના પતી અને જેઠાણી વિરુદ્ધમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરાવી છે.
દહેજ માંગી માનસિક-શારીરિક ત્રાસ આપતો
19મી જાન્યુઆરીના દિવસે અમરાઇવાડી વિસ્તારમાં રહેતી પરિણીતાએ તેના બાળક સાથે સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. પરિણીતા લગ્ન ડિસેમ્બર 2016માં સમાજના રીતરિવાજ મુજબ થયા હતાં. જો કે, લગ્નના શરૂઆતના સમયમાં તેના સાસરીયા તેને સારી રીતે રાખતા હતાં. પરંતુ પરિણીતાએ દીકરાને જન્મ આપ્યા બાદ તેના સાસરિયા અવાર નવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતાં. જેના કારણે પરિણીતાએ ફીનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેને લઇને પરિણીતાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં તેના પતિ અને સાસરિયા વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી અને ફેમીલી કોર્ટમાં ભરણપોષણ અંગેનો દાવો પણ કર્યો હતો. જો કે, પાંચેક મહિના બાદ તેના પતિએ સમાજના આગેવાનો સાથે રાખીને વાતચીત કરતા સમાધાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દોઢેક મહિના સુધી પરિણીતાને સારી રીતે રાખી હતી અને ત્યારબાદ અગાઉ કરેલી ફરિયાદમાં થયેલા ખર્ચના રૂપિયાની માંગણી તેમજ દહેજની માંગ કરીને તેને મેણાં-ટોણાં મારીને ત્રાસ આપવામાં આવતો હતો.
પતિના જેઠાણી સાથે આડાસંબંધ હોવાનો આક્ષેપ
પરિણીતાએ દહેજ ના આપતા તેને બાળક સાથે ઘરની બહાર કાઢી મૂકતા તે તેના પિતાને ત્યાં રહેવા માટે ગઇ હતી. જ્યાં તેણે જણાવ્યું હતું કે, તેના પતિને જેઠાણી સાથે આડાસંબંધ છે. તેની ચડામણીથી પતિ મારઝૂડ કરે છે અને તેની જેઠાણી તેને ઘરમાં રહેવા દેતી નથી. અવારનવાર શારીરિક, માનસિક ત્રાસ આપીને ઘરની બહાર નીકળી જવા માટે ધમકી આપે છે. ત્યારબાદ વર્ષ 2019માં તેણે ફરીથી ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી અને કોર્ટમાં ભરણપોષણ માટે ફરિયાદ કરી હતી. જ્યારે પરિણીતા કોર્ટમાં જાય ત્યારે તેનો પતિ અને જેઠાણી ધમકી આપતા હતાં કે, દીકરાને સીધી રીતે આપી દે નહીં તો હેરાન પરેશાન કરી નાંખીશ. કોઇ પણ પ્રકારને દીકરાને લઇ જઇશ તમે જોતા રહી જશો. આમ અવારનવાર જ્યારે કોર્ટ મુદ્દે તેઓ મળતા ત્યારે તેને ધમકી આપતા હતાં. તેના જેઠાણીએ તેને ધમકી આપી હતી કે, તું ગમે તેવા કેસ કરે તો પણ તારો પતિ મારો જ રહેશે, દીકરાને ગમે તે રીતે અમારા કબ્જામાં લઇ લઇશું.
અંતે કંટાળીને પરિણીતાએ 19મી જાન્યુઆરીના દીવસે તેના બાળક સાથે સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે પરિણીતાના પતિ અને જેઠાણી વિરુદ્ધમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.