Home /News /ahmedabad /Brain Stroke: બ્રેઇન સ્ટ્રોકની સમસ્યા શિયાળામાં જ કેમ વધે છે, જાણો તમામ માહિતી
Brain Stroke: બ્રેઇન સ્ટ્રોકની સમસ્યા શિયાળામાં જ કેમ વધે છે, જાણો તમામ માહિતી
ફાઇલ તસવીર
Brain Stroke: છેલ્લા કેટલાક સમયથી બ્રેઈન સ્ટ્રોકની ઘટનાઓ સામે આવી રહી છે. એક તરફ હાડ થીજવતી ઠંડી પડી રહી છે, ત્યારે શિયાળામાં બ્રેઇન સ્ટ્રોકના કેસમાં પણ વધારો જોવા મળે છે. તો આવો જાણીએ કે તેના કારણો કયા હોઈ શકે અને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ...
અમદાવાદઃ છેલ્લા કેટલાક સમયથી બ્રેઈન સ્ટ્રોકની ઘટનાઓ સામે આવી રહી છે. એક તરફ હાડ થીજવતી ઠંડી પડી રહી છે, ત્યારે શિયાળામાં બ્રેઇન સ્ટ્રોકના કેસમાં પણ વધારો જોવા મળે છે. ત્યારે શિયાળામાં સ્ટ્રોકના કેસ વધવાના કારણો, તેનાથી બચવા શું કરવું જોઈએ અને હાલમાં બદલાતી લાઈફ સ્ટાઇલ કઈ રીતે સ્ટ્રોક માટે કારણભૂત છે તે જાણવું જરૂરી છે.
મગજમાં યોગ્ય માત્રામાં લોહી પહોંચતું નથી
શિયાળામાં સ્ટ્રોકના કેસ વધી રહ્યા છે. આ અંગે જાણીતા ન્યૂરોલોજિસ્ટ ડો. સુચેતા મુદગેરીકર જણાવે છે કે, ઠંડીના સમયમાં સ્ટ્રોક વધવાનું એક કારણ છે કે નસોમાં વહેતું લોહી ગંઠાઈ જાય છે અને તેને કારણએ લોહીનો પ્રવાહ રોકાય જાય તેવી શક્યતા વધી જાય છે એટલે મગજમાં યોગ્ય માત્રામાં લોહી પહોંચી શકતું નથી. ત્યારે સ્ટ્રોક આવે છે અને શરીરનો કોઈ અવયવ કામ કરતું બંધ થઈ જાય છે અને લકવાની અસર થાય છે. શિયાળામાં લોહી ગંઠાઈ જવાની શક્યતા વધી જાય છે. ત્યારે ઠંડીને લીધે નસો પણ સંકોચાઈ જાય છે અને લોહી જાડુ થઈ જાય છે. તેમજ લોકો ઓછું પાણી પીતા હોય છે એટલે શરીરમાં પાણી ઓછું થાય છે અને હ્યુમીડિટીને કારણે શરીરમાંથી પાણી ઓછું થાય છે. તો બીજી તરફ, વધુ ઉંમરના લોકોમાં ઇન્ફેક્શનની શકયતા પણ વધી જાય છે. આ બધા કારણોને લીધે શિયાળામાં સ્ટ્રોકનું પ્રમાણ વધી જાય છે.
કોરોના મહામારી વખતે પણ સ્ટ્રોકના કેસ વધારે આવતા હતા. કોવિડમાં લોહી જાડું થઈ જવાની શકયતા વધી જાય છે. કોવિડમાં પણ મગજ સુધી લોહી પહોંચાડતી નસોમાં લોહી ગંઠાઈ જતું હતું. તે સમયે આર્ટિરીયલ અને વિનસ બંને સ્ટ્રોક વધુ જોયા છે. આ બધાથી બચવા માટે પાણી વધુ પીવું મહત્વપૂર્ણ છે. માત્ર ઠંડી એક કારણ નથી હોતું, જે લોકોને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ વધારે છે, ઉંમર વધારે છે તેવા લોકોમાં સ્ટ્રોકની શક્યતા વધારે છે.
શિયાળામાં સ્ટ્રોકની શક્યતા 10 ટકા વધુ
શિયાળાને કારણે સ્ટ્રોકનો કોઈ અભ્યાસ આપણા દેશમાં થયો નથી. જો કે, આપણે આખા વર્ષમાં સ્ટ્રોકના કેસ જોતા હોઈએ છીએ અને કોવિડમાં વધારે કેસ જોયા હતા. શિયાળામાં ઠંડીને કારણે સ્ટ્રોકની શકયતા 10 ટકા વધી જાય છે. જો કે આપણે ત્યાં ઉત્તર ભારતના રાજ્યો કરતાં ઠંડી ઓછી રહે છે. આપણે ત્યાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ પણ મળે છે. માત્ર રાતના સમયમાં ઠંડી વધારે હોય છે.
યંગ એજમાં પણ સ્ટ્રોકના કેસ જોવા મળ્યા
કોવિડમાં કેસ વધુ જોવા મળ્યા છે. તેમાંય કોવિડના પહેલા તબક્કામાં કેસ વધુ જોવા મળ્યા હતા. ત્યારબાદ તો એવું જોવા મળતું હતું કે, સ્ટ્રોકનો કેસ આવે અને તે દર્દીમાં કોરોના જોવા મળતો હતો. હવે અમે જે દર્દીઓ જોઈએ તો તેમાં પાસ્ટ કોવિડ હિસ્ટ્રી જોવા મળે છે. નજીકમાં કોવિડ થયો હોય તેવા કેસ પણ મળે છે. અમે જે કેસ જોયા છે તેમાં સ્ટ્રોકના કેસમાં 20 ટકા જેટલો વધારો કોવિડમાં જોયો છે. આ કોવિડ દરમિયાનની વાત છે. મહત્વનું છે કે, લાઈફ સ્ટાઇલ પણ સ્ટ્રોકમાં ઈફેક્ટ કરે છે. જેથી વજન ઓછું રાખવું અને રેગ્યુલર કસરત કરવી જોઈએ. આ ઉપરાંત સ્મોકિંગ અને તમાકુનું સેવન બંધ કરવું જોઈએ. કારણ કે તેને કારણે પણ લોહીની નસો બ્લોક થઈ જતી હોય છે. તેમજ ડોક્ટર દ્વારા જે દવાઓ આપવામાં આવે છે રેગ્યુલર તે ડોઝ લેવા જોઈએ. આ ઉપરાંત લીલા શાકભાજીનું સેવન પણ કરવું જોઈએ. કારણ કે કોવિડમાં યંગ એજમાં પણ સ્ટ્રોકના કેસ જોવા મળ્યા હતા.