શું રઇશ એ જ લતીફ? જો ચૂક થઇ ના હોત તો દાઉદનો પણ ખેલ ખતમ થઇ ગયો હોત

Haresh Suthar | News18 Gujarati
Updated: January 25, 2017, 9:02 PM IST
શું રઇશ એ જ લતીફ? જો ચૂક થઇ ના હોત તો દાઉદનો પણ ખેલ ખતમ થઇ ગયો હોત
રઇસ ફિલ્મની શરૂઆતથી જ ગુજરાતી ડોન લતીફ વધુ ચર્ચામાં આવ્યો છે. કહેવાય છે કે આ ફિલ્મ લતીફના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં લતીફને વર્ણવી લેવાયો છે. રઇસ અને લતીફની ચર્ચા વચ્ચે ગુજરાતી ડોન લતીફની વિગતો જાણવી જરૂરી બને છે. લતીફ એક એવું નામ હતું કે મુંબઇના ડોન દાઉદને પણ આ નામ લેતાં વિચાર કરવો પડે એમ હતું, એક સમયે થયેલી અથડામણમાં જો ચૂક ના થઇ હોત તો કદાચ દાઉદનો ખેલ ખતમ થઇ ગયો હતો.
Haresh Suthar | News18 Gujarati
Updated: January 25, 2017, 9:02 PM IST
(જનક દવે) રઇસ ફિલ્મની શરૂઆતથી જ ગુજરાતી ડોન લતીફ વધુ ચર્ચામાં આવ્યો છે. કહેવાય છે કે આ ફિલ્મ લતીફના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં લતીફને વર્ણવી લેવાયો છે. રઇસ અને લતીફની ચર્ચા વચ્ચે ગુજરાતી ડોન લતીફની વિગતો જાણવી જરૂરી બને છે. લતીફ એક એવું નામ હતું કે મુંબઇના ડોન દાઉદને પણ આ નામ લેતાં વિચાર કરવો પડે એમ હતું, એક સમયે થયેલી અથડામણમાં જો ચૂક ના થઇ હોત તો કદાચ દાઉદનો ખેલ ખતમ થઇ ગયો હતો.

જુગાર હારતાં દારૂ વેચ્યો

ગુજરાતી ડોન લતીફની શરૂઆત પણ એક આમ આદમી તરીકે જ હતી. શહેરના અતિ સંવેદનશીલ દરિયાપુર વિસ્તારમાં રહેતો હતો. લગ્ન બાદ ઘરની જવાબદારી આવતાં રિક્ષા ચલાવવી શરૂ કરી હતી. પરંતુ એમાં મજા ના આવતાં જલ્દી પૈસા કમાવવા જુગાર પર હાથ અજમાવ્યો પરંતુ એમાં પાસા ઉંધા પડ્યા હતા. છેવટે દારૂ વેચવાનું શરૂ કર્યું.

રાજસ્થાનથી દારૂ લાવવો શરૂ કર્યો

લતીફે રફીક સાથે હાથ મીલાવી દારૂ વેચવાનું શરૂ કર્યું, શરૂઆતમાં વાસુ સિંધીના ત્યાંથી દારૂ લાવી વેચતો હતો, પરંતુ એમાં મળતર વધુ ના રહેતાં રાજસ્થાનથી દારૂ લાવવો શરૂ કર્યો. ધીરે ધીરે દારૂના ધંધામાં પકડ આવતાં રોજની ત્રણ ટ્રક દારૂ લાવતો અને શહેરમાં વેચાણ કરવાનું ચાલુ કર્યું. જેમાંથી મોટી આવક થવા લાગી અને રાતોરાત મોટું માથું બની ગયો.

દાઉદ સાથે થઇ દુશ્મની

દાઉદના ભાઇની હત્યા કર્યા બાદ આમિરખાન અને આલમખાન અમદાવાદ આવ્યા. લતીફે આ બંનેને આસરો આપ્યો તો દાઉદ સાથે દુશ્મની કરી બેઠો. પરંતુ ડેરિંગનો બાદબાશ કહેવાતા લતીફને દાઉદનો પણ ડર ન હતો. દાઉદે ગુંડાઓ સાથે હુમલો કર્યો પરંતુ એમાં દાઉદ ઘાયલ થયો અને વડોદરા સારવાર લેવી પડી હતી.

દાઉદનો ખેલ પુરો થઇ ગયો હોત...

1982માં વડોદરામાં થયેલી ગેંગ વોરમાં દાઉદ સામે આર્મ્સ એક્ટ અંતર્ગત કેસ નોંધાયો અને દાઉદને સાબરમતી જેલમાં લઇ જવાયો. પરંતુ મોકો જોઇ લતીફ ગેંગે દાઉદને નિશાન બનાવ્યો. થોડી ચૂક ના થઇ હોત તો આ હુમલામાં દાઉદનો ખેલ ખતમ થઇ ગયો હોત.

રાજનીતિમાં ઝંપલાવ્યું, પાંચેય વોર્ડ જીત્યો

દાઉદને પતાવી દેવા માટે કરાયેલા હુમલા બાદ લતીફ સામે કેસ નોંધાયો અને જેલમાં ગયો, પોલીસે લતીફને જેલમાં રાખવા માગતી હતી પરંતુ લતીફના દિમાગમાં કંઇક અલગ જ ચાલતું હતું. એવામાં માતાના મૃત્યુથી એ પેરોલ પર બહાર આવ્યો અને મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઝંપલાવ્યું. પાંચ વોર્ડમાંથી ચૂંટણી લડ્યો અને પાંચેય વોર્ડમાં જીત્યો.

દાઉદે પણ ઝુકવું પડ્યું, થયું સમાધાન

લતીફ સાથે થયેલી ગેંગવોર બાદ દાઉદ દુબઇ શિફ્ટ થઇ ગયો અને લતીફ સાથે દાઉદે સમાધાન કર્યું. કરીમ લાલાની મધ્યસ્થીથી આ સમાધાન થયું. લતીફ આ માટે દુબઇ ગયો અને બંનેએ સાથે મળી કામ કરવાના સોગંધ લીધા.

આ દરમિયાન દાઉદ દુબઇ શિફ્ટ થઇ ચુક્યો હતો. એને સારા માણસોની જરૂરત હતી. અંડરવર્લ્ડમાં કરીમ લાલાનું એ વખતે વધુ ચાલતું હતું. કરીમ લાલાના કહેવાથી દાઉદ અને લતીફ વચ્ચે સમાધાન થયું. ઓક્ટોબર 1985માં લતીફ દુબઇ પહોંચ્યો. ડેરા દુબઉમાં મહેબૂબ બિલ્ડીંગમાં એને મહેમાનની જેમ લઇ જવાયો. દાઉદ સાથે એના ભાઇ શકીલ, સલેમ સાથે હતા. મધ્યસ્થી કરાવવા માટે સુલતાન શાહ હતા. અહીં કુરાન પર હાથ રાખતાં દાઉદ અને લતીફે એકબીજા સાથેની ભૂતકાળની દુશ્મની ભુલાવી સાથે કામ કરવાના સોગંધ ખાધા. દાઉદ અને લતીફ અહીં બંને એકબીજાના ગળે મળ્યા. આ લતીફનો વટ હતો કે દાઉદે પણ ઝુકવું પડ્યું. દાઉદે લતીફને સોનાનું સ્મગલિંગ કરવા પણ કહ્યું.

લતીફ જ્યારે ભારત પરત ફર્યો અને સોનામાં પોતાનો પગ જમાવ્યો. સૌથી પહેલા ડેવિડ નામના શખ્સને અમદાવાદની આમ્રપાલી હોટલમાં ઠાર કર્યો, દાઉદ ડેવિડના મારવા ઇચ્છતો હતો અને એના છેલ્લા શ્વાસ સાંભળવા ઇચ્છતો હતો. આ માટે લતીફે ફોન કરી એને કોન્ફરન્સમાં રાખ્યો. દાઉદ ડેવિડ સાથે વાત કરી રહ્યો હતો અને બીજા છેડે લતીફ હતો. ડેવિડ સાથે વાત ચાલુ હતી એ સમયે લતીફના ગુંડાઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને ડેવિડને ઠાર કર્યો હતો. દાઉદ એ દિવસે ખુશ થયો હતો. ડેવિડને એટલા માટે માર્યો હતો કે એણે અરૂણ ગવલી સાથે હાથ મીલાવ્યો હતો અને ગવલીએ દાઉદને મારવા માટે ડેવિડને સોપારી હતી.

અહીંથી લતીફનો ખૂની ખેલ શરૂ થયો. દારૂના ધંધામાં જે કોઇ પણ વચ્ચે આવતું એને ઠાર કરવાનું લતીફે શરૂ કર્યું. એ દિવસોમાં લતીફ આતંકનો પર્યાય બની ગયો હતો. જોત જોતામાં લતીફની ગેંગમાં 100થી વધુ ગુંડાઓની ગેંગ બની હતી. દારૂ માફિયા પર પોતાનું વર્ચસ્વ જમાવા માટે એણે એક પછી એક સાત હત્યાઓ કરાવી. લતીફના માણસો પોલીસને પણ છોડતા ન હતા. જાહેરમાં એક પીએસઆઇની પણ હત્યા કરી હતી, આ હત્યા બાદ પોલીસ બેડામાં પણ સન્નાટો છવાઇ ગયો હતો.

દાઉદના કહેવાથી લતીફે સોનાનું સ્મગલિંગ શરૂ કર્યું હતું. દાઉદના ખાસ મમ્મુ મિયાથી હાથ મીલાવ્યો હતો. સ્મગલિંગમાં દાઉદે 25 લાખ રૂપિયા રોકાણ કર્યું હતું જ્યારે પહેલી કમાણી 1 કરોડ 24 લાખ રૂપિયા હતી. લતીફને આ ધંધો પસંદ આવી ગયો, શરાબ, ખંડણી, અપહરણ, હત્યાની સાથોસાથ સ્મગલિંગમાં લતીફનો ડંકો વાગવા લાગ્યો.

લતીફના જીવનમાં મહત્વનો ટર્ન આવ્યો 3 ઓગસ્ટ 1992માં. લતીફ દારૂના ધંધામાં સામ દામ દંડનો ઉપયોગ કરતો હતો. આ દરમિયાન હંસરાજ ત્રિવેદી નામના એક દારૂ માફિયાએ લતીફ પાસેથી દારૂ ખરીદવાની ના પાડી. લતીફના ગુંડાઓએ પહેલા એને સમજાવ્યો, પછી ધમકાવ્યો, આમ છતાં તે ન માન્યો તો મારવાનો પ્લાન બનાવ્યો. હંસરાજ ઓઢવ વિસ્તારના રાધિકા જીમખાનામાં હોવાની બાતમી મળતાં લતીફ ગુંડાઓ સાથે આવી પહોંચ્યો હતો. જ્યારે તેઓ રાધિકા જીમખાના પહોંચ્યા તો લતીફ નીચે જ રહી ગયો, એના માણસો ઉપર ગયા તો અંદર નવ માણસો પત્તા રમી રહ્યા હતા. લતીફનો શાર્પ શૂટર શરીફખાન નવ લોકોમાં ઓળખી ન શક્યો કે હંસરાજ કોણ છે. શરીફે એકે 47થી અંધાધૂંધ ફાયરિંગ કરી નવ લોકોને મોતને ઘાટ ઉતાર્યા.

અહીંથી લતીફ માટે મુશ્કેલીઓ વધી, રાધિકા જીમખાના હત્યાકાંડ દેશના અખબારોમાં ચમક્યો. રાજકીય દબાણ વધ્યું. પોલીસે લતીફની ગેંગને પકડવાનું અને ઠોકવાનું શરૂ કરી દીધું. ગેંગ પકડાઇ ગઇ. માત્ર લતીફના અંગત એવા બે ત્રણ સાથીઓ જ બચ્યા. લતીફ પોતાના સ્થળ બદલતો રહ્યો. દાઉદને ખબર પડી તો એને દુબઇ બોલાવી લીધો. નેપાળના રસ્તાથી છુપાતો છુપાતો તે દુબઇ પહોંચી ગયો. અંદાજે ચાર મહિના દુબઇમાં રહ્યા બાદ અમદાવાદ આવવા ઇચ્છતો હતો. એની ગેરહાજરીમાં એની ગેંગ એકદમ ખતમ થઇ ગઇ. જોકે દુબઇમાં બેઠા બેઠા પણ લતીફે વહાબ મારફતે બે હત્યાઓ કરાવી.

પછી તે અમદાવાદ પરત ફર્યો, દાઉદે હથિયારોનો મોટો ખજાનો મોકલ્યો, જેમાં 47 એકે 47, 2 એકે-56 અને હજારો બુલેટ્સ હતી. પોલીસે પકડ મજબૂત કરી તો લતીફ ફરી પાછો સિંગાપુર થઇ દુબઇ ભાગી ગયો. પુરી વ્યવસ્થા દાઉદે કરી. દુંબઇમાં લતીફનું મન લાગતું ન હતું. થોડો સમય રોકાયા બાદ ફરી ડિસેમ્બર 1994માં દાઉદના રોકવા છતાં તે પાકિસ્તાનથી અટારીના રસ્તે દિલ્હી આવ્યો. અહીં એણે ખંડણી, અપહરણ, હત્યાની સોપારી લેવાનું શરૂ કર્યું. તે વધુ કંઇ કરે એ પહેલા 10 ઓક્ટોબર 1995માં ગુજરાત એટીએસ, સીબીઆઇ અને દિલ્હી પોલીસના સંયુક્ત ઓપરેશનમાં તે પકડાઇ ગયો.

પોલીસ સાથે લતીફની સંતાકૂકડી ચાલતી રહી. છેવટે 28 નવેમ્બર 1997માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સાથેની અથડામણમાં એ ઠાર થયો. અંદાજે 46 વર્ષની ઉંમરમાં આતંકનો પર્યાય બનેલ લતીફ એના મોત બાદ પણ લોકોના દિલમાં ડર વર્ષો સુધી છવાયેલો રહ્યો હતો.

ખૂંખાર ડોન લતીફની આ કહાની જે લોકોએ સાંભળી પણ છે અને જોઇ પણ છે. પરંતુ કેટલીક એવી પણ વાતો છે કે એને રોબિન હૂડ તરીકે ઓળખ આપી જાય છે. એ વિસ્તારના લોકો માટે એ વર્ષ આખાનું રાશનની વાત હોય કે મહોલ્લાના ગરીબ પરિવારના પુત્ર કે પુત્રીના લગ્ન હોય, લતીફ પૈસા પાણીની જેમ વહાવતો હતો. સ્થાનિક લોકોમાં તો લતીફ ભગવાનની જેમ હતા. એક કિસ્સો તો એવો પણ છે કે ગેંગના એક સાથીના લગ્નમાં એણે એકે-47થી હવામાં 150 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

હવે આ કહાનીને પરદા પર કેવી અને કેટલી હદે ઉતારવામાં આવી છે એ તો ફિલ્મ જોયા બાદ જ તમને ખબર પડશે. પરંતુ લતીફના પુત્ર મુશ્તાકને આ ફિલ્મના નિર્માણને લઇને આપત્તિ છે. એણે હાઇકોર્ટમાં પણ ચેનેલ્જ કરી છે. કોર્ટે કહ્યું કે, પહેલા તે ફિલ્મ જુવે અને બાદમાં કોર્ટના દ્વાર ખખડાવે.
First published: January 25, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर