અમદાવાદ: અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના નવા વેરિયન્ટ ઉપરાંત H1N1 અને H3N2નો કહેર જોવા મળી રહ્યો છે. કોરોનાના કહેરને કારણે કેન્દ્રમાં પણ આરોગ્યતંત્ર ચિંતિત બન્યું છે. બીજી તરફ રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં 240થી વધુ નવા કેસ કોરોનાના આવ્યા છે. જેને લઈ ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. ત્યારે શું ફરી આરોગ્ય વિભાગ દ્વારા કે સરકાર દ્વારા કોઈ નિયંત્રણો લાદવામાં આવશે? લોકો માટે તે પ્રશ્ન ચિંતાનો વિષય બન્યો છે, ત્યારે ડોક્ટર્સ સેલ્ફ ડિસિપ્લિન પાળવાની સલાહ આપી રહ્યા છે. સાથે જ 65 વર્ષથી ઉપરના લોકોએ ઈન્ફ્લુએન્ઝાની રસી લઈ લેવાની સલાહ પણ ડોક્ટર્સ આપી રહ્યાં છે.
ત્રણ વાયરસના એક સાથે એટેકને કારણે લોકોએ સાવચેત રહેવાની જરુર
આ અંગે આઈએમએના ગુજરાતના મીડિયા કન્વીનર ડો. મુકેશ મહેશ્વરી જણાવે છે કે, જે પ્રકારે હાલ ઈન્ફ્લુએન્ઝા વાયરસ, કોરોના અને હોંગકોંગ ફ્લુનો કહેર છે. ત્રણ વાયરસના એક સાથે એટેકને કારણે લોકોએ સાવચેત રહેવાની ચોક્કસથી જરુર છે. હાલમાં કોરોના, H3N2 અને H1N1નો તો કહેર છે જ તેમજ H5N1 જે બર્ડ ફ્લુનો વાયરસ છે, તેમાં ડબલ્યુએચઓ દ્વારા શંકા સેવાઈ રહી છે કે તેમાં કોઈ એન્ટિજેનીક સ્વીપ્ટ આવશે કે જીનેટીક મટીરીયલ બદલાશે તો ખુંખાર વાયરસ બની આપણા પર એટેક કરી શકે છે. જેથી હાલમાં લોકોએ સતર્ક રહેવું ખૂબ જરુરી છે.
હાલમાં કોઈ નિયંત્રણો આવે તેવી કોઈ શક્યતા નથી લાગતી. પરંતુ લોકોએ સેલ્ફ ડિસિપ્લિન પાળવાની જરુરી છે. કોઈ માંદુ હોય તો તેને માસ્ક પહેરવાનું રાખીએ, આપણે પોતે માસ્ક પહેરીએ તેમજ ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળીએ, હેન્ડ હાઈઝીન રાખીએ આપણે જાતે સેલ્ફ ડિસિપ્લિન રાખવાની જરુર છે. સરકારે કોઈ નિયંત્રણો લાદવાની જરુર નહીં પડે, સરકાર હાલ પુરતા પગલા લઈ રહી છે. આ ઉપરાંત કોરોનામાં જે લોકોએ વેક્સિનના બે ડોઝ અને બુસ્ટર ડોઝ લીધા છે તેઓ મહદઅંશે સેફ છે. તેમને જો ઈન્ફેક્શન થાય તો પણ માઈલ્ડ થાય છે. તે જ રીતે 65 વર્ષથી ઉપરના લોકોએ ઈન્ફ્લુએન્ઝાની રસી લઈ લેવી જોઈએ. જેથી તેમને ઈન્ફ્લુએન્ઝાનું પાર્સિયલ પ્રોટેક્શન મળશે. ઈન્ફ્લુએન્ઝાની દર વર્ષે સ્ટેન બદલાતી હોવાથી વેક્સિન બદલાય છે. એટલે દર વર્ષે નવી વેક્સિન લેવી જોઈએ.
મહત્વનું છે કે, અમદાવાદ સહિત રાજ્યભરમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. દેશમાં કોરોનાનો આંક 1 હજારને પાર પહોંચ્યો છે અને છેલ્લા ચોવીસ કલાકમાં 240થી વધુ નવા કેસ કોરોનાના સામે આવ્યા છે, ત્યારે આરોગ્ય તંત્રની સાથે ડોક્ટર્સ પણ એલર્ટ થઈ ગયા છે.