Home /News /ahmedabad /Ahmedabad: પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને મહેસાણા વચ્ચે ગેજ પરિવર્તન લાઈન શરૂ કરી, મુસાફરીના સમયમાં ઘટાડો થશે
Ahmedabad: પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને મહેસાણા વચ્ચે ગેજ પરિવર્તન લાઈન શરૂ કરી, મુસાફરીના સમયમાં ઘટાડો થશે
અમદાવાદ અને મહેસાણા વચ્ચે મુસાફરીના સમયમાં ઘટાડો થશે
જગુદણ-મહેસાણા ગેજનું ડબલિંગનું કામ સંપૂર્ણ થતા અમદાવાદ-મહેસાણા ગેજ પરિવર્તન પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયો છે અને તેને શરૂ પણ કરી દેવામાં આવ્યો છે. મહેસાણા રેલવે સ્ટેશન પર એક નવું ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકીંગ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે.
Parth Patel, Ahmedabad: ગુજરાતમાં પશ્ચિમ રેલવેના માળખાકીય વિકાસ માં અમૂલ્ય યોગદાન આપ્યું છે. ત્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં યાત્રીઓની સુવિધા ઓમાં વધારો કરવાની સાથે નવી લાઈનો, ગેજ પરિવર્તન, ઈલેક્ટ્રિફિકેશન, ડબલીંગ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ અપગ્રેડેશનના કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવ્યા છે. આ માટે પશ્ચિમ રેલવેએ અમદાવાદ ડિવિઝન પર જગુદણ-મહેસાણા વચ્ચે ગેજ પરિવર્તનનું કામ પૂર્ણં કરી ટ્રાફિક માટેની એક નવી ડબલ લાઇન ખુલ્લી મુકી છે.
અમદાવાદ અને મહેસાણા વચ્ચે મુસાફરીના સમયમાં ઘટાડો થશે
ગત વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ સાબરમતી-જગુદણ વિભાગ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. જગુદણ-મહેસાણા ગેજનું ડબલિંગનું કામ સંપૂર્ણ થતા અમદાવાદ-મહેસાણા ગેજ પરિવર્તન પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયો છે અને તેને શરૂ પણ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ખંડ લેવલ ક્રોસિંગથી સંપૂર્ણપણે મુક્ત છે. જેના કારણે રેલ યાત્રીઓની સાથે સાથે રોડ યુઝર્સની સુરક્ષામાં વધારો થયો છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ જગુદણ-મહેસાણા વચ્ચેની નવી ડબલ લાઇનને 90 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ટ્રાફિક માટે ખુલ્લી કરવામાં આવી છે. નવા ખંડમાં 1 મોટો પુલ, 16 નાના પુલ અને ગ્રેડ સેપરેટર તરીકે 8 અંડરપાસ છે અને આ પ્રોજેક્ટ 620 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યો છે.
વ્યસ્ત અમદાવાદ-દિલ્હી રૂટ પર માલવાહક ક્ષમતામાં વૃદ્ધિ થશે, જેનાથી આ મહત્વપૂર્ણ ખંડ ડિકંજેસ્ટ થશે
પ્રોજેક્ટના કાર્ય વિશે વિગતવાર માહિતી આપતા સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે મહેસાણા રેલવે સ્ટેશન પર 644 મીટર લંબાઈનું વધારાનું પ્લેટફોર્મ પણ કાર્યરત કરવામાં આવ્યું છે. જેના કારણે લાઈનોની સંખ્યા 5 થી વધીને 14 થઈ ગઈ છે. વિરમગામથી પાટણ વચ્ચે ડેડિકેટેડ નવી મુખ્ય લાઇન જે અગાઉ મહેસાણા યાર્ડમાં ન હતી. તે હવે આ કાર્યમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ ઉપરાંત પ્લેટફોર્મ સાથે સમર્પિત 2 લૂપ લાઇન, 15 મીટર પહોળા RCC પ્લેટફોર્મ સાથે 750 મીટર લંબાઇની માલ સાઈડિંગ પણ ઉમેરવામાં આવી છે. બુકિંગ ઓફિસની સાથે સાથે એક નવું સ્ટેશન બિલ્ડીંગ, શૌચાલય સાથે કોમન વેઇટિંગ હોલ, કોનકોર્સ, પીઆરએસ કાર્યરત કરવામાં આવ્યું છે. 10.84 કિ.મી. લાંબી નવી ડાઉન મેઇન લાઇન, 2 કિ.મી. લાંબી વિરમગામ-પાટણ નવી મેઇન લાઇન, 760 મીટર લાંબી બે નવી ગુડ્સ સાઇડિંગ અને 375 મીટર લાંબી ટ્રેક મશીન સાઇડિંગ અને એક ટાવર વેગન સાઇડિંગ પણ ઉમેરવામાં આવી છે.
તદુપરાંત મહેસાણા રેલવે સ્ટેશન પર એક નવું ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકીંગ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. જેમાં 7 દિશામાંથી આવનારી લાઈનો છે. ત્યારે અપગ્રેડ કરેલ મહેસાણા યાર્ડ હવે 380 રૂટ સાથેના ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકીંગથી સજ્જ છે. આ માટે 85 ઇંચના વીડીયુ મોનિટરની મદદથી ગિયરનું સંચાલન કરવામાં આવે છે અને તેમાં અત્યાધુનિક ફાયર એલાર્મ અને બ્લોક સેક્શન મોનિટરિંગ માટે એક્સલ કાઉન્ટર પણ ફાળવવામાં આવેલ છે.
અમદાવાદ-મહેસાણા સેક્શનનું ગેજ પરિવર્તન યુનિ-ગેજ રેલ સિસ્ટમ નીતિ માટે પ્રેરણારૂપ છે
વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદની સર્વેક્ષણ અને બાંધકામ વિભાગની ટીમે અસરકારક આયોજન સાથે અને કોઈપણ સલામતી ચૂક વગર માત્ર 23 દિવસમાં મહેસાણાના યાર્ડ રિમોડેલિંગના વિશાળ કાર્યને સફળતાપૂર્વક પાર પાડ્યું છે. આ યાર્ડ રિમોડેલિંગના કામમાં બંને છેડે 2000 મીટરની હાલની યાર્ડની મુખ્ય લાઈનોના રિએલાઈનમેન્ટ, 58 નવા ટર્નઆઉટ અને માત્ર યાર્ડમાં 8 કિ.મી. નો ટ્રેક પાાથરીને ટ્રેક સ્ટ્રક્ચરને અપગ્રેડ કરીને લૂપને ડાઉન મેઈન લાઈનમાં રૂપાંતરિત કરવાનું જટિલ કાર્ય પૂરું કર્યું છે.
800 મીટરની નવી RTR લાઈન સાથે મહેસાણાથી ન્યુ ભાંડુ તરફ ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરને ભારતીય રેલવે સાથે જોડવાનું કામ પણ પશ્ચિમ રેલવેની બાંધકામ ટીમ દ્વારા 8 ફેબ્રુઆરી, 2023 થી 28 ફેબ્રુઆરી, 2023 વચ્ચે ટ્રાફિક વર્કિંગ ઓર્ડર દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે. જેમાં એન્જિનિયરિંગ, સિગ્નલિંગ અને ટેલિકોમ તથા ઇલેક્ટ્રિકલ સંયુક્ત રીતે સામેલ છે.
આ પ્રોજેક્ટના ફાયદા નીચે મુજબ છે.
આ મીટરગેજ લાઇનને અમદાવાદથી મહેસાણા વચ્ચે ભારતીય રેલવેની યુનિ-ગેજ નીતિ હેઠળ બ્રોડગેજ લાઇનમાં રૂપાંતરિત કરવામાં આવેલ છે. આ ગેજ પરિવર્તિત લાઇનથી અમદાવાદ અને મહેસાણા સેક્શન વચ્ચે વધારાની લાઇનની સુવિધા મળી છે. જેના પરિણામે યાત્રીઓ માટે પ્રવાસના સમયમાં ઘટાડો થયો છે. આ ખંડ અમદાવાદ અને દિલ્હી વચ્ચેના એક મહત્વપૂર્ણ બ્રોડ ગેજ માર્ગનો હિસ્સો છે. જે પશ્ચિમી દરિયાકિનારા પરના પોર્ટો સહિત પશ્ચિમ ભારતની સેવા કરે છે.
આ મહત્વપૂર્ણ ખંડની માલવાહક ક્ષમતામાં વધારો થશે. કારણ કે તે મહેસાણા ખાતે DFCCIL ના પશ્ચિમિ ફ્રેટ કોરિડોર સાથે જોડાયેલ છે.આ પ્રોજેક્ટ ટ્રેનોની અવર-જવરને સરળ બનાવશે અને વ્યસ્ત અમદાવાદ-દિલ્હી રૂટ પરની ગીચતા ઘટાડવામાં મદદરૂપ થશે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.