Home /News /ahmedabad /સમાચાર પાછળ ગાંડા થઇને આખી જિંદગી દોડતા રહ્યા ગૌતમભાઇ!

સમાચાર પાછળ ગાંડા થઇને આખી જિંદગી દોડતા રહ્યા ગૌતમભાઇ!

અમદાવાદના પ્રખ્યાત પત્રકાર ગૌતમ મહેતા નથી રહ્યા

Brajesh Kumar Singh: ગૌતમભાઈ ક્રાઈમ રિપોર્ટિંગમાં તેમની કુશળતા અને પત્રકારત્વ પ્રત્યેના જુસ્સા માટે જાણીતા હતા, તેમણે પ્રામાણિકતા મામલે પણ એક અનોખી છાપ છોડી છે

અમદાવાદના પ્રખ્યાત પત્રકાર ગૌતમ મહેતા નથી રહ્યા. ગૌતમભાઈ ક્રાઈમ રિપોર્ટિંગમાં તેમની કુશળતા અને પત્રકારત્વ પ્રત્યેના જુસ્સા માટે જાણીતા હતા, તેમણે પ્રામાણિકતા મામલે પણ એક અનોખી છાપ છોડી છે. જીવનના અંતિમ દિવસોમાં ગૌતમભાઇ ડિમેન્શિયાના શિકાર થતા તેમની મોટરસાઈકલ પણ ભૂલી જતા હતા, પરંતુ ફોટોગ્રાફ લેવાનું ભૂલતા ન હતા. આજે સવારે લગભગ સિત્તેર વર્ષની વયે ગૌતમ મહેતાનું અવસાન થયું. તેઓ છેલ્લા છ મહિનાથી ખૂબ જ બીમાર હતા.

ગૌતમભાઈ હવે નથી રહ્યા, અમદાવાદથી પાંડેજીનો ફોન આવ્યો. પાંડેજી એટલે કે રામમણિ પાંડે, જેઓ 2002થી 2017 દરમિયાન લગભગ દોઢ દાયકા સુધી કેમેરામેન તરીકે મારી સાથે કામ કર્યું, જ્યારે હું ગુજરાત અને ગુજરાતની બહાર રિપોર્ટિંગ માટે સતત ભાગતો હતો.

વર્ષ 1999માં ગૌતમભાઇ સાથે મારો પરિચય પાંડેજીએ જ કરાવ્યો હતો. તે સમયે પાંડેજી અમદાવાદના એક હિન્દી અખબાર ગુજરાત વૈભવમાં ફોટોગ્રાફર તરીકે કામ કરતા હતા, જ્યારે ગૌતમ મહેતા ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા માટે ફોટોગ્રાફર તરીકે કામ કરતા હતા.

ગૌતમભાઈ સાથે મારી પ્રથમ મુલાકાત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની બિલ્ડીંગમાં થઈ હતી, જ્યાં એક કોમર્શિયલ ડેલિગેશન બહારથી આવ્યું હતું. ગૌતમભાઈ જતાની સાથે જ મારા હાલચાલ જાણ્યા હતા. મને ગુજરાત આવ્યાને બે મહિના જ થયા હતા. પહેલી મુલાકાતમાં જ ગૌતમભાઈએ પોતાનો નંબર શેર કર્યો. તે પેજરનો જમાનો હતો, મોબાઈલ અમુક જ પત્રકારો પાસે હતા. મોબાઈલનો પણ ભાગ્યે જ ઉપયોગ થતો હતો, કોલ રેટ મોંઘા હતા, નેટવર્ક મર્યાદિત હતું, અમદાવાદ છોડતાં જ સિગ્નલ ગાયબ થઈ જતું હતું. એ દિવસોમાં ગૌતમભાઈ પાસે પેજર હતું. તેમણે ઘરનો લેન્ડલાઈન નંબર પણ આપ્યો હતો.

આજે વિચારતા કરતા પણ વિચિત્ર લાગે છે. મોબાઈલ વગર, માત્ર પેજર અને લેન્ડ લાઈન નંબર દ્વારા ગૌતમભાઈ મોટાભાગના મામલે કવરેજમાં ભારે પડતા હતા. મારા જેવા નવા ગુજરાતમાં આવેલા લોકોને છોડો, અમદાવાદમાં ક્રાઈમ રિપોર્ટિંગમાં તેમની બાદશાહતનો ડંકો વગાડનારા લોકો પર તેઓ એકલા જ ભારે હતા. ક્રાઇમના કોઈ સમાચાર તેનાથી છૂટી શકે નહીં.

આ પણ વાંચો: azadi ka amrit mahotsav : કાશ્મીરમાં લાખો લોકો શાનથી લહેરાવી રહ્યાં છે તિરંગો, જોઈ રહ્યાં છો ને મહેબૂબા!

ગુનાની કોઈ પણ ઘટના હોય, ગૌતમભાઈ સૌથી પહેલા સ્થળે પહોંચે. મોટાભાગના ફોટોગ્રાફર્સ સ્થળ પર પહોંચે તે પહેલા જ ગૌતમભાઈ ફોટા પાડીને નીકળી જાય. તેમનું નેટવર્ક એ પ્રકારનું હતું. ઘણી વખત એવું લાગતું હતું કે કોઈ પણ ગુનાના કિસ્સામાં શહેરના સામાન્ય લોકો પોલીસને ફોન કરતા પહેલા ગૌતમભાઈને ફોન કરતા હતા કે પોલીસકર્મીઓ પણ જ્યારે કંટ્રોલ રૂમમાં માહિતી આવે ત્યારે તેમના વરિષ્ઠ અધિકારીઓને જાણ કરતા પહેલા ગૌતમભાઈને ફોન કરતા. ગૌતમભાઇનો જલવો એવો હતો. ક્રાઈમ રિપોર્ટિંગના નામે કૂદકા મારતા લોકોએ ગૌતમભાઈ પાસેથી પ્રેરણા લેવી જોઈએ. તે પત્રકારોએ પણ જેઓ ગ્રાઉન્ડ રિપોર્ટિંગને બદલે વોટ્સએપ પત્રકારત્વ કરી રહ્યા છે.

ગૌતમભાઈ અનોખા હતા. આપણે પ્રેસ કોન્ફરન્સમાં ગયા હોઈએ, કે કોઈ અધિકારી કે નેતાના ઘરે, મંત્રીની ઓફિસમાં કે કોઈ સરકારી, રાજકીય કે કોર્પોરેટ ઇવેન્ટમાં, ગૌતમભાઈ માટે પાણીનો ગ્લાસ પીવાની, ચા પીવાની કે બ્રેકફાસ્ટ-ફૂડ દૂરની વાત છે. ગૌતમભાઈ આવા પ્રામાણિક પત્રકાર હતા. તેમના માટે ગિફ્ટ નામની કોઈ વસ્તુ અસ્તિત્વમાં ન હતી, તે પણ તે દિવસોમાં જ્યારે મોટાભાગના સાથી પત્રકારો કવર પકડવામાં કોઈ સંકોચ અનુભવતા ન હતા.

ગૌતમભાઈને ખાતા-પીતા જોવું અસંભવ હતું, કોઈ જોઇ લે તો પણ તેઓ પોતાનો ખરીદેલો નાસ્તો કેમેરા બેગમાં મૂકી દેતા અથવા જમીન પર ફેંકી દેતા. તેઓ ક્યારે જમે છે, તે ભાગ્યે જ કોઈ જાણી શકતું હતું. તેઓ ક્યારે ઉંઘ લેતા, વર્ષો સુધી સાથે કામ કરનારા પત્રકારોને પણ ક્યારે જાણી ન શક્યા. ગૌતમભાઈ એવા ધૂની પત્રકાર હતા. ચોવીસ કલાક પત્રકારત્વનો ભૂત સવાર.

આ પત્રકારત્વનું ભૂત હતું, જેના કારણે મોટાભાગના લોકો તેમને પાગલ માનતા હતા. વાસ્તવમાં ગૌતમભાઈ પત્રકારોની સામાન્ય પરિભાષા અને સમાજમાં છબીથી અલગ જ હતા. આ વાત ગૌતમભાઈના પિતાએ પણ અનુભવી હતી, જેઓ મહેશ મસ્ત ફકીર નામથી ગુજરાત સમાચારમાં કોલમ લખતા હતા. એ જમાનાના પ્રખ્યાત ફોટોગ્રાફર સુખદેવ ભચેચને જ્યારે તેમના પુત્ર ગૌતમ મહેતાના પત્રકારત્વ વિશે પૂછ્યું ત્યારે આંખના પલકારા વિના સુખદેવભાઈએ કહ્યું, "બડા પાગલ હૈ ગૌતમ."

વાસ્તવમાં ગૌતમભાઈનો પત્રકારત્વ પ્રત્યેનો જુસ્સો ગાંડપણની હદ હતો. 14 ડિસેમ્બર 1952ના રોજ જન્મેલા ગૌતમ મહેતા વર્ષ 1974-75માં ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે જોડાયા હતા. ગૌતમભાઈની કારકિર્દી સીધી રિપોર્ટર કે ફોટોગ્રાફર તરીકે શરૂ થઈ ન હતી, પરંતુ તેમની નિમણૂક સ્ટેનો-ટાઈપિસ્ટ તરીકે થઈ હતી. આજની યુવા પેઢી કદાચ આ પદ પર કામ કરતી વ્યક્તિની ભૂમિકાને પણ નહીં સમજે. એ યુગ ન તો કોમ્પ્યુટરનો હતો, ન ઈન્ટરનેટનો. જે વ્યક્તિ શોર્ટહેન્ડ શીખીને કોઇ ભાષણ કે આદેશને નોટ કરી શકતો હતો અને પછી તેને ટાઇપરાઇટર દ્વારા ટાઇપ કરી શકતો હતો. તેને સ્ટેનો ટાઈપિસ્ટ કહેવામાં આવતા હતા. સ્ટેનોગ્રાફર અને ટાઇપિસ્ટનું કામ એકસાથે કરનાર વ્યક્તિ.

ગૌતમ મહેતા તે સમયે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની અમદાવાદ આવૃત્તિના સંપાદકીય પ્રભારી હતા, જેમની પોસ્ટ ન્યૂઝ એડિટર હતી, તેમના સ્ટેનો-ટાઈપિસ્ટ હતા. તે દિવસોમાં અમદાવાદમાં પ્રખ્યાત પત્રકાર પીજી મહાદેવન ટીઓઆઇના ન્યૂઝ એડિટર હતા. તેમના સ્ટેનોગ્રાફરમાંથી એક જીએમ શાહ અને બીજા ગૌતમ મહેતા હતા. ગૌતમ મહેતા પાછળથી પીએની ભૂમિકામાં આવ્યા.

આ પણ વાંચો: ઇતિહાસમાંથી બોધપાઠ લે નેતાઓ, મફત વીજળીની 'રેવડી' વહેંચી ગુજરાતમાં મતનો પાક ન ઉગાડી શકાય!

અંગત મદદનીશ તરીકે કામ કરતી વખતે ગૌતમ મહેતા સમાચાર પણ લખવા લાગ્યા હતા. આ સમય દરમિયાન જ તેમની પર પત્રકારત્વનું ભૂત સવાર થવા લાગ્યુ. સ્થિતિ એવી બની કે સવારે સાત વાગ્યે જ્યારે ટાઇમ્સની આશ્રમ રોડ પર આવેલી ફડિયા ચેમ્બર્સની ઓફિસમાં સફાઈ ચાલી રહી હોય ત્યારે સૌપ્રથમ વ્યક્તિ જે ઓફિસે પહોંચ્યો તે ગૌતમ મહેતા હતા અને રાત્રે બે વાગ્યે જ્યારે અખબાર પ્રિન્ટમાં જાય તે બાદ ઓફિસને તાળા મારવાનો સમય આવે ત્યારે પટાવાળાના કહેવાથી ઓફિસમાંથી બહાર નીકળનાર ગૌતમ મહેતા છેલ્લા વ્યક્તિ હતા. જ્યાં સુધી તેઓ ઓફિસમાં હોય ત્યાં સુધી તેમની આંગળીઓ ટાઈપરાઈટર પર ચાલતી, ગપાટા મારવા અને આમતેમ ફરવું એ ગૌતમભાઈના સ્વભાવમાં નહોતું.

મહેતાનો પત્રકારત્વ પ્રત્યેનો જુસ્સો જોઈને હરીશ ખરેએ તેમને રિપોર્ટર બનાવ્યા. પી.જી. મહાદેવન પછી થોડા સમય માટે બાલકૃષ્ણન અમદાવાદ આવ્યા હતા, એ જ સમયે અમદાવાદ આવૃત્તિના ઈન્ચાર્જને રેસિડેન્ટ એડિટરનું પદ પણ મળ્યું. બાલકૃષ્ણનની વિદાય થતાં જ હરીશ ખરે આ પદ પર આવ્યા. ખરેએ ગૌતમ મહેતાને ક્રાઈમ રિપોર્ટર બનાવ્યા, જેઓ તે સમયે પોલીસ રિપોર્ટર પણ કહેવાતા. ક્રાઇમની સાથે ગૌતમભાઈ પાછળથી એરપોર્ટ જેવી બીટ પણ જોવા લાગ્યા.

ક્રાઈમ રિપોર્ટર બનતાની સાથે જ જાણે ગૌતમ મહેતાને પર લાગી ગયા. રિપોર્ટિંગનો આ સિલસિલો વર્ષ 1985થી શરૂ થયો. ઓફિસમાં બેસતા મહેતા હવે અમદાવાદ શહેરના રસ્તાઓ પર ફરવા લાગ્યા. મહેતાનો રૂટિન હતો કે શહેરના દરેક પોલીસ સ્ટેશનની વ્યક્તિગત મુલાકાત લેવી, સમાચાર એકત્ર કરવા અને પછી ઓફિસમાં બેસીને કમ્પોઝ કરી તેને છપાતા જોવા. કામના કલાકો અગાઉ પણ નક્કી નહોતા. રાત્રે 2 વાગે ઓફિસેથી નીકળ્યા પછી ઘરે ગયા પછી પણ શહેરમાં કંઈ બન્યુ તો નથીને તે માટે પોલીસ કંટ્રોલ રૂમમાં સતત ફોન કરતા હતા. ગૌતમ મહેતાના ફોનની ફ્રિકવન્સી એવી હતી કે તેઓ કંઈ બોલે તે પહેલા જ કંટ્રોલરૂમમાં બેઠેલા અધિકારીઓ તેમને સમાચાર કહેવા લાગતા અથવા પરિસ્થિતિ સામાન્ય છે.

થોડીવાર માટે પણ કંટ્રોલરૂમનો ફોન ઉપાડવામાં ન આવે તો ગૌતમભાઈનો ફોન સીધો ડીસીપી કંટ્રોલને જાય. આથી ઉપરી અધિકારીઓએ તાબાના અધિકારીઓને કાયમી સૂચના આપી હતી કે, કંઈ થાય તો ગૌતમભાઈને કહેજો, નહીંતર તેઓ પાછળ પડ્યા રહેશે. સતત ફોન પર થતી વાતચીતને કારણે શું સિનિયર અને શું જુનિયર, મોટાભાગના અધિકારીઓ, કર્મચારીઓ સાથે ગૌતમભાઈની સીધી ઓળખ, ડીજીપીથી લઈને બીટ કોન્સ્ટેબલ સુધીની ગૌતમભાઈની ઓળખાણ.

અધિકારીઓ પણ ગૌતમ મહેતાને પસંદ કરતા હતા. ગૌતમભાઈ ક્યારેય કોઈ અંગત કામ માટે ફોન કરતા ન હતા, ભૂખ હતી માત્ર સમાચારની. સમાચારની આ ભૂખ તેમને સતત જાગૃત રાખતી હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં એક સમયે સાથી ફોટોગ્રાફર રહેલા કલ્પિત ભચેચને આજે પણ ગૌતમભાઈની દિનચર્યા યાદ છે. રાત્રે 2 વાગ્યે ઑફિસેથી ઘરે પાછા ફર્યા પછી, તબલાની પ્રેક્ટિસ અથવા કંટ્રોલ રૂમ પર ફોન કરે. તે ઘરે હોય ત્યારે પણ આ જ કરતા હતા. સપ્તક ક્લાસિકલ સંગીત સમારોહના સ્થાપકોમાંના એક તરીકે જાણીતા નંદન મહેતા તેમના બનેવી લાગતા હતા, તેઓ પોતે દેશના અગ્રણી તબલાવાદકોમાંના એક હતા.

પત્રકારત્વમાંથી થોડા કલાકો મળે તો સંગીત. ગૌતમભાઈને એની બહાર વિચારવાનો સમય નહોતો. આ જ કારણ હતું કે તેમણે લગ્ન ન કર્યા, એકલા રહ્યા. જો તે બીમાર પડે તો પણ દેખરેખ માટે બહેનને કહેવાનું ટાળતા. ન તો ખાવા-પીવાની ચિંતા, ન સ્વાસ્થ્યની ચિંતા, આ જ કારણ હતું કે છેલ્લા દિવસોમાં તે ખૂબ જ બીમાર રહેવા લાગ્યા. તેમને પ્રોસ્ટેટની સમસ્યા હતી, તેમના જીવનના છેલ્લા વર્ષોમાં યાદશક્તિ જતી રહી, ડિમેન્શિયાએ ઘેરી લીધા.

હંમેશા સક્રિય રહેતા ગૌતમ મહેતાના અંતિમ દિવસો આ રીતે પસાર થશે તેની કોણ કલ્પના કરી શકે છે. તેમના મોટાભાગના પરિચિતોના મનમાં ગૌતમ મહેતાની એ જ તસવીરો કેદ છે જે તેમના સક્રિય પત્રકારત્વના દિવસોની છે. ગૌતમ મહેતા કે જેઓ લૂના પર અમદાવાદથી અંબાજી અને ભુજથી ઉદેપુર સુધી ચક્કર લગાવી આવતાં.

ક્રાઈમ રિપોર્ટર તરીકે પોતાની ઓળખ બનાવનાર ગૌતમ મહેતાને નેવુંના દાયકામાં ફોટોગ્રાફીનો શોખ લાગ્યો હતો. ખરેખર ગૌતમ મહેતાને પત્રકારત્વમાં નવું નવું શીખવાની અને કરવાની ટેવ હતી. અમદાવાદમાં આજે પણ હજારો લોકો એવા છે, જેમને યાદ હશે ગૌતમભાઈ, જેઓ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાની ઑફિસની બહાર પહેલા માળે લગાવેલા વિશાળ બોર્ડ પર ચૉક વડે ચૂંટણીના પરિણામો લખતા હતા, જેના કારણે ઘણા લોકો તેમને ચૂંટણીના પરિણામો જણાવનાર હનુમાન પણ કહેતા હતા.

ગૌતમભાઈએ 1984થી ચૂંટણીના અપડેટ્સ આપવાની પ્રક્રિયા શરૂ કરી હતી. 1984ની લોકસભાની ચૂંટણી હોય કે 1985ની વિધાનસભાની ચૂંટણી હોય, દરેકને અમદાવાદના આશ્રમ રોડ સ્થિત ફડિયા ચેમ્બર્સમાં આવેલી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની ઓફિસની અગાસીમાં ઊભા રહીને ચૂંટણી અપડેટ્સ આપનારા ગૌતમ મહેતા બધાને યાદ હશે. 1995માં જ્યારે ભાજપે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત બમ્પર વિજય મેળવ્યો અને નરેન્દ્ર મોદીની સંગઠનાત્મક કુશળતાનો સિક્કો ચાલ્યો, ત્યારે તે ગૌતમ મહેતા હતા જેમણે તે ચૂંટણી પરિણામો શહેરની સામાન્ય જનતાને જણાવ્યા. તે દિવસે આશ્રમ રોડ પર હજારો લોકો એકઠા થયા હતા. તે દ્રશ્યો હજુ પણ મોટાભાગના લોકોના મનમાં તાજા છે.

ક્રાઇમ રિપોર્ટીંગ કરતા-કરતા ગૌતમભાઇ ક્યારે ફોટોગ્રાફી તરફી વળી ગયા, કોઇને ખબર જ પડી નહીં. તાજેતરમાં કોરોના કાળમાં ફોટોગ્રાફ્સ માટે પુલિત્ઝર પ્રાઈઝ મેળવનાર અમિત દવેને ગૌતમભાઈની ફોટોગ્રાફીમાં વધતી જતી રુચિ યાદ કરે છે. ફોટોગ્રાફીમાં તેમની રુચિ જોઈને ટીઓઆઇના તત્કાલિન સ્થાનિક સંપાદક તુષાર ભટ્ટે તેમને ક્રાઈમ રિપોર્ટિંગ સાથે ફોટોગ્રાફી કરવાની મંજૂરી આપી અને પ્રોત્સાહિત કર્યા. પરંતુ ફોટોગ્રાફીનો તેમનો શોખ તેમને ટાઇમ્સથી દૂર લઈ ગયો.

જ્યારે ગૌતમભાઈને લાગ્યું કે ટાઈમ્સમાં તેમના ફોટાનો ઉપયોગ ઓછો થઈ રહ્યો છે અથવા તો કદ ખૂબ નાનું છે, ત્યારે તેમણે અખબાર છોડી દેવાનું મન બનાવ્યું અને 1999ના અંતિમ દિવસોમાં ગુજરાત સમાચારમાં જોડાયા. ભૂકંપથી લઈને દુષ્કાળ અને કોમી રમખાણોથી લઈને ગુનાખોરી સુધી, ગુજરાતના આ અગ્રણી દૈનિકમાં તેમના ફોટોગ્રાફ્સ નિયમિતપણે છપાતા રહ્યા.

ગૌતમભાઈનો ફોટોગ્રાફીનો શોખ એવો હતો કે તેઓ પોતાનો કેમેરો ખરીદીને રાખતા હતા, તેમનો તમામ પગાર ફોટોગ્રાફી સંબંધિત વસ્તુઓ ખરીદવામાં ખર્ચી નાખતા હતા. એપી માટે ફોટોગ્રાફી કરનાર અજીત સોલંકીને યાદ છે કે કેવી રીતે ગૌતમભાઈએ પોતાનો પહેલો કેમેરો મેકોન અને પછી કેનનને પોતાના જીવ કરતાં વધુ સાચવતા હતા.

એક્સક્લ્યુસિવનું ભૂત પણ તેમના પર સવાર હતું. જ્યાં સુધી હાથ-પગ ચાલતા રહે ત્યાં સુધી દરેક જગ્યાએ સ્થળ પર જાઇને તસવીરો ક્લિક કરવી. કોઇને ખબર ન પડે તે માટે રંગોળી નામની લેબને બદલે ફોનિક્સ નામની બીજી લેબ પકડી. એ જમાનો ડીજીટલ ફોટોગ્રાફ્સનો ન હતો, કેમેરાની ફિલ્મો પર ફોટોગ્રાફ લેવામાં આવતા હતા, પછી તેને લેબમાં ડેવલપ કરવામાં આવતી હતી અને ફોટોગ્રાફ્સ અખબારમાં પ્રકાશન માટે આપવામાં આવતા હતા. ગૌતમભાઈના નજીકના રામમણિ પાંડેને યાદ છે કે જ્યાં સુધી ગૌતમ મહેતાની તસવીરો છપાઈ ન જાય ત્યાં સુધી તેઓ લેબ છોડતા નહોતા.

આ પણ વાંચો: ભારતના સંવૈધાનિક પ્રમુખ રહેલા હસ્તીઓની અનોખી ગાથા સંઘરીને બેઠું છે રાષ્ટ્રપતિ ભવન!

ગૌતમ મહેતાની ઓળખ એમનો જુસ્સો હતો. ગુજરાતના વરિષ્ઠ પત્રકારો માનસ દાસગુપ્તા અને આર.કે. મિશ્રા, જેમણે ગૌતમભાઈની કારકિર્દીને તેમના ટાઈમ્સ ઓફ ઈન્ડિયા કાર્યકાળ દરમિયાન આકાર લેતા જોયા છે, તેઓ તેમના પત્રકારત્વ પ્રત્યેના સમર્પણના સાક્ષી છે. ગૌતમભાઈના મૃત્યુના સમાચાર મળતાં જ તેઓ પણ દુખી થયા. આખરે આજે પત્રકારત્વની દુનિયામાં આટલા જુસ્સાવાળા કેટલા લોકો છે, કેટલા પ્રમાણિક છે. દાસગુપ્તાને યાદ છે કે જ્યારે તેમણે એક વખત મહેતાને ક્રાઈમ બીટમાંથી ખસેડવાની ધમકી આપી હતી, કોઇ સમાચાર ઘટનાસ્થળે જઇને કરવાની જીદને કારણે પ્રસિદ્ધ ન થવાને લીધે તો મહેતા રડી પડ્યા હતા, આવો પ્રેમ પોતાની બીટને લઇને.

દિલ્હીમાં બેસીને મને પણ ગૌતમભાઈની વિદાયનો અફસોસ થયો. કંઇ પણ કરી શકાતું નથી. અમદાવાદથી દૂર આણંદના સ્પેશિયલ કેર સેન્ટરમાં તેમનું અવસાન થયું, સવારે ઊલટીઓ શરૂ થઈ અને પછી તેમનું મૃત્યુ થયું. બપોર સુધીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ડિમેન્શિયાની અસર વધી જતાં મહેતાને આણંદના કેર સેન્ટરમાં દાખલ કરવા પડ્યા હતા. જેના કારણે અમદાવાદના તેમના જ પત્રકાર મિત્રો પણ ગૌતમ મહેતાના અંતિમ સંસ્કારમાં હાજર રહી શક્યા ન હતા, ભગીને નીલકંઠ મહેતાએ અંતિમ સંસ્કાર કર્યા હતા.

ગૌતમભાઈએ જતાં જતાં ઝડપ બતાવી. તેમના અંતિમ સંસ્કારમાં કોઈ હાજર રહી શકે તેટલો સમય પણ આપ્યો નહીં. છ મહિના પહેલા સુધી ડિમેન્શિયા હોવા છતાં, અમદાવાદના રસ્તાઓ તસવીરો ક્લિક કરતાં ગૌતમભાઈ આટલા જલ્દીથી નીકળી જશે, કોઈને ખ્યાલ નહોતો. પણ કદાચ ગૌતમભાઈને પોતે જ ઉતાવળમાં હતી. ઉપર જઈને, તે યમરાજના કામોનું રિપોર્ટીંગ કરી શકે છે, ફોટોગ્રાફ લઈ શકે છે, છેવટે, આ તેમનો પ્રિય મનોરંજન રહ્યો છે.

હંમેશા સમાચારની ધૂન, દરેક સમાચાર પ્રથમ મેળવવાની ધૂન. હું અમદાવાદ પહોંચ્યો તેના શરૂઆતના વર્ષોમાં ગૌતમભાઈના અનેકવાર ફોન આવતા, બ્રજેશજી, અહીં આવી જાવ, એક મોટી ઘટના બની છે. બહુ ઓછા પ્રસંગો એવા આવ્યા જ્યારે હું પોતે ગૌતમભાઈને કોઈ પણ સમાચાર એમની પહેલા જણાવવાની સ્થિતિમાં હોઉ, જે દિવસે મને તક મળે તે દિવસે મારી જાતને ભાગ્યશાળી માનતો હતો.

ઘણી વખત ગૌતમભાઈ ઘટના બને તે પહેલા જ પહોંચી જતા હતા. ક્યારેય તેના સૂત્રો વિશે બોલતા ન હતા, પરંતુ પ્રખ્યાત ડોન અબ્દુલ લતીફના એન્કાઉન્ટર સાથે સંબંધિત વાસ્તવિક વાર્તા કોઇની પાસે હતી, તો તે ગૌતમ મહેતા પાસે હતી. અબ્દુલ લતીફ, જેના જીવન પર શાહરુખ ખાને રઈસ નામની ફિલ્મ બનાવી, તે લતીફના એન્કાઉન્ટરની જાણ પણ સૌથી પહેલા કોઇને થઇ હતી તો તે ગૌતમભાઈ હતા. ગૌતમભાઈએ ગુનાખોરીની દુનિયા અને ગુજરાતના ચર્ચિત એન્કાઉન્ટર્સ પર પુસ્તક લખ્યું હોત તો ચોંકાવનારું હોત. દિલમાં કેટલાય રહસ્યો દફનાવતા ગૌતમભાઈ ચીર નિંદ્રામાં ખોવાઈ ગયા. તેથી હવે તેની કોઇ શક્યતા નથી! હાલ, ગુડબાય, ગૌતમભાઈ!
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Brajesh kumar singh, Gujarat News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन