અમદાવાદ: રાજ્યમાં બેવડી ઋતુ વચ્ચે રોગચાળો વકરી રહ્યો છે. વાયરલ ઈન્ફેકશન કેસ વધી રહ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલની ઓપીડીમાં વધારો થઇ રહ્યો છે. આવામાં જો જરૂર ન હોય તો એન્ટીબાયોટિક્સ ન લેવા સૂચના આપવામાં આવી છે. પરંતુ એક વખત વાયરલ ઈન્ફેક્શન લાગ્યા બાદ 10થી 12 દિવસ સારા થતા નિકળી જાય છે અને ઉધરસ તો લાંબો સમય ચાલે છે. આવામાં લોકો હવે આયુર્વેદિક ઉપચાર તરફ વળ્યા છે. અમદાવાદની મણીબેન આયુર્વેદ હોસ્પિટલમાં તમામ રોગના ઉપચાર થાય છે, ત્યારે લોકો વાયરલ ઈન્ફેક્શનની સારવાર કરાવવા માટે પણ આવી રહ્યા છે.
શરદી ઉધરસથી છૂટકારો મેળવવા શું કરવું જોઇએ?
ગુજરાત આયુષ બોર્ડના ચેરમેન ડૉકટર ચેતનાબેન જાનીએ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે, વસંત ઋતુ ચાલી રહી છે એટલે કફનો પ્રકોપ હોવો સ્વાભિવક છે. એટલે શાસ્ત્રોમાં હોળીના તહેવાર પર ધાણી, ખજુર, ચણા ખાવાનું કહ્યું છે. જે લોકોને શરદી ઉધરસ છે, તે લોકોએ હૂંફાળું પાણી પીવું જોઈએ, તલ કે ગાયના ઘીના નાકમાં બે ટીપા નાખવા જોઈએ, હળદરવાળું પાણી અથવા દૂધમાં હળદર નાંખી પીવી જોઈએ.
રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે ઉકાળાનું વિતરણ શરુ કરાયું છે
આ ઉપરાંત આયુર્વેદ હોસ્પિટલમાંથી ડોકટરની સલાહ લઈ દેવા લેવી જોઈએ. આયુષ વિભાગ દ્વારા લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે ઉકાળાનું વિતરણ શરુ કરાયું છે. જેમાં શરદી, ઉધરસ રોગ સામે પ્રતિરોધ દવા છે. તે મેળવીને તેના ઉકાળા બનાવી શકાય છે. નક્કી કરેલા ડોઝ પ્રમાણ અને નક્કી કરેલા સેન્ટર તેમજ સોસાયટી પર જઈ 3 દિવસ અથવા 5 દિવસ સુધી ઉકાળા પીવળાવાનું આયોજન કર્યું છે. તેમજ વસંત ઋતુમાં કફનો પ્રકોપ વધી જાય છે. સાથે બેવડી ઋતુ ચાલી રહી છે ત્યારે સ્વાસ્થની વિશેષ કાળજી રાખવી જોઈએ.
શું કહે છે દર્દી?
એક દર્દીએ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે, 20 દિવસથી સુકી ઉધરસ આવતી હતી. શરીરમાં વીકનેશ રહેતી હતી. 3થી 4 દિવસ હોસ્પિટસમાં એડમિટ થયો હતો. પરંતુ તેમ છતાં સ્વાસ્થયમાં સુધારો થયો ન હતો. ત્યાર બાદ છેલ્લા 7 દિવસથી આયુર્વેદ સારવાર લઈ રહ્યો છું. જેના કારણે તબિયત સુધારા પર છે અને આયુર્વેદિક દવાથી ઘણું સારું છે.