Home /News /ahmedabad /કોરોના અને વાયરલ ઈન્ફેક્શનના એક સરખા લક્ષણો, આવામાં રિપોર્ટ કરાવવા બાબતે શું ધ્યાનમાં રાખવું?
કોરોના અને વાયરલ ઈન્ફેક્શનના એક સરખા લક્ષણો, આવામાં રિપોર્ટ કરાવવા બાબતે શું ધ્યાનમાં રાખવું?
વાયરલ અને કોરોનાના એક સમાન લક્ષણો અંગે શું કહે છે ડૉક્ટર?
Ahmedabad Doctor On Viral Infection: સતત વાયરલ ઈન્ફેક્શનના કેસ વધી રહ્યા છે આવામાં કોરોના સહિતની અન્ય વાયરલ બિમારીના લક્ષણો પણ મળતા આવતા હોવાથી લોકો મુઝવણમાં મૂકાઈ રહ્યા છે. આ બાબતે ડોકટરની સલાહ મુજબ રિપોર્ટ કરાવવા જોઈએ તેવી એક્સપર્ટ દ્વારા સલાહ આપવામાં આવી રહી છે અને દવાઓ આડેધડ લેવાનું ટાળવાનું પણ કહેવામાં આવ્યું છે.
અમદાવાદઃ ઉનાળાની શરુઆતમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે, જેના લીધે લોકોના સ્વાસ્થ્ય પર બેવડી ઋતુનો માર પડી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા છે સાથે ઈનફ્લુએન્ઝા અને વાયરલ ઈન્ફેકશનના કેસમાં પણ વધારો થયો છે. અહીં ચિંતાનો વિષય એ છે કે ઈન્ફેક્શનના લક્ષણો એક સરખા જ લાગે છે. તાવ, શરદી, ઉધરસ, માથુ દુખવુ જેવા લક્ષણો આ બીમારીઓમાં જોવા મળે છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓપીડીમા વધારો થઈ રહ્યો છે.
સિવિલ હોસ્પિટલના એડીશનલ સુપ્રિટેન્ડેન્ટ ડૉકટર રજનિશ પટેલે ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યુ છે કે, વાયરલ ઈન્ફેકશનના કેસ વધી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ કરતા અર્બન સેન્ટર પર આવતા દર્દીઓની સંખ્યા વધુ છે. વાયરલ ઈન્ફેકશનમાં કોઈ એન્ટિબાયોટિક્સ દવા કામ આવતી નથી. જેમાં ટેસ્ટ કરાવવાની જરૂર પણ રહેતી નથી. જો દર્દી વાયરલ ઈન્ફેકશનથી પીડાતી હશે તો 7 દિવસમાં સારું થઈ જશે.
આ અંગે તેમણે વધુમાં ડૉક્ટરે જણાવ્યું કે, એવું કહેવાય છે કે, શરદી થઈ હોય તો દવા લો તો 7 દિવસે મટે છે અને દવા ના લો તો 8 દિવસે મટે છે, એટલે આડેધડ દવા લેવી ન જોઈએ. જો લક્ષણો વધુ ગંભીર જણાય તો ડૉકટરની સલાહ લેવી જોઈએ. ડૉકટર નક્કી કરવા દો તમારે રિપોર્ટની જરૂર છે કે નહી. અને ડૉકટરની સલાહ મજુબ દવાના ડોઝ લો. પોતાની રીતે દવા લેવાનું ટાળવું જોઈએ. પોતાની ઈચ્છા પ્રમાણે ટેસ્ટ કરાવવા માટે દોડાદોડ ના કરવાની પણ સલાહ અપાય છે. આમ કરવાથી તેનો કોઈ ફાયદો થવાનો નથી અને સિસ્ટમ પર ખોટો ભાર વધશે.
ઘરની બહાર જાવ ત્યારે સાવચેતી રાખો
ડૉકટર રજનિશ પટેલ જણાવે છે કે, વાયરલ ઈન્ફેક્શન સાથે કોરોના કેસ પણ વધી રહ્યા છે, લોકોએ સાવચેતી રાખવી ખુબ જરૂરી છે. બહાર જાવ તો માસ્ક પહેરીને જવુ, તેમજ સેનિટાઈઝર કરતા રહેવું જોઈએ. આ સાથે જો પોતાને શરદી, ઉધરસ કે તાવ છે તો દર્દીએ પોતે પણ માસ્ક પહેરી રાખવું જોઈએ. આમ કરવાથી પરિવારમાં રહેલા અન્ય સભ્યો ઈન્ફેક્શનના ચેપથી બચી શકશે. હાલના સમયમાં વુદ્ધો અને બાળકોની વિશેષ કાળજી રાખવી જોઈએ. રોગપ્રતિકાર શક્તિ વધે તે માટેના સ્વાસ્થ્ય વર્ધક ખોરાક લેવાની પણ સલાહ આપવામાં આવે છે.