Vijay Rupani farewell: મુખ્યમંત્રીએ પાંચ વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામ કરી સહકાર આપી સરકાર અને મુખ્યમંત્રી કાર્યાલયની ગરીમા વધારવા બદલ સૌ કર્મયોગીઓનો દિલથી આભાર માન્યો હતો.
ગાંધીનગર: રાજીનામા સાથે જ પોતાની સરકારી ગાડીની લાલ લાઇટ પોતાની જાતે જ ઉતારીને પોતાની સહજતા અને સરળતાનો ફરી એકવાર પરિચય આપનાર કાર્યકારી મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી (Vijay Rupani) આજે (13 સપ્ટેમ્બર, 2021) ઓફિશિયલ વિદાય લઇ રહ્યા છે. આજે આખરી દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના સ્ટાફના તમામ અધિકારીઓ- કર્મચારીઓ અને સેવકોને મળીને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી નિવાસસ્થાને લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર (Gandhinagar) ખાતે પોતાના મુખ્યમંત્રી કાર્યાલયના સ્ટાફ (CMO Staff)ના તમામ અધિકારી, કર્મચારીઓ અને સેવક મિત્રોને મળીને પાંચ વર્ષ સુધી રાત દિવસ જોયા વિના ખડપગે રહીને ગુજરાતીઓની સેવા કરવામાં યથાયોગ મદદરૂપ થવા બદલ સૌનો આભાર માની તમામને શુભેચ્છાઓ આપી હતી. મુખ્યમંત્રીએ પાંચ વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામ કરી સહકાર આપી સરકાર અને મુખ્યમંત્રી કાર્યાલયની ગરીમા વધારવા બદલ સૌ કર્મયોગીઓનો દિલથી આભાર માન્યો હતો.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સંવેદનશીલ મુખ્યમંત્રી રૂપાણીની કામ કરવાની અલગ શૈલી, સહજતા, પરિવારની ભાવના, કોમનમેનની ઓળખ, સૌને સાથે લઈને ચાલવાની કાર્યપદ્ધતિના પરિણામે આજે કર્મયોગીઓ ભાવુક થતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.
મુખ્યમંત્રીના કાર્યકાળમાં ખૂબ જ સહજ રીતે કામ કરવાના અનુભવો પણ કર્મયોગીઓ વાગોળી મુખ્યમંત્રીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ વેળાએ સ્ટાફના સૌ અધિકારીઓ- કર્મચારીઓ મુખ્યમંત્રીને દિલથી શુભેચ્છાઓ આપી સ્વસ્થ આરોગ્યની કામના કરી ગુજરાતની પ્રજાની સેવા કરવાની પ્રભુ ખૂબ શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.
પાર્ટી જે કામ સોંપશે તે કરતો રહીશ: વિજય રૂપાણીનો રાજીનામા પત્ર
11 સપ્ટેમ્બર, 2021ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું (Vijay Rupani resign) આપી દીધું છે. રાજ્યપાલ (Governor of Gujarat)ને મળીને તેમણે પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Dy CM Nitin Patel)અને મંત્રીગણના તમામ સભ્યો હાજર હતા. તેમણે રાજીનામું આપતા કહ્યુ છે કે તેઓ પાર્ટી સોંપે તે કામ કરતા રહેશે. આ સાથે જ તેમણે ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટી (BJP)નો આભાર માન્યો હતો.
વિજય રૂપાણીએ મીડિયા સામે હિન્દીમાં રાજીનામાની સ્પીચ આપી હતી. જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે, મારા જેવા એક પાર્ટીના કાર્યકરને મુખ્યમંત્રી પદની જવાબદારી આપવા બદલ હું ભારતીય જનતા પાર્ટી પ્રત્યે આભાર વ્યક્ત કરું છું. મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિશેષ માર્ગદર્શન મળતું રહ્યું છે. વડાપ્રદાનના નેતૃત્વ તેમજ માર્ગદર્શનમાં ગુજરાતે વિકાસના નવા આયામો સર કર્યાં. ગુજરાતની વિકાસ યાત્રામાં યોગદાન આપવા માટે મને પાંચ વર્ષ મળ્યાં તેના બદલ હું પીએમ મોદીજીનો આભાર વ્યક્ત કરું છું." (વાંચો સમગ્ર અહેવાલ...)