અમદાવાદ: શહેર સહિત સમગ્ર રાજ્યમાં 31મી ડિસેમ્બરની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાના બે વર્ષ બાદ યુવાધન મન મૂકીને 31મી ડિસેમ્બરની ઉજવણી કરતું નજરે પડ્યું હતું. ત્યારે અમદાવાદ શહેરમાં પણ વિવિધ પાર્ટી પ્લોટ્સ અને ક્લબમાં ન્યૂ યર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન અમદાવાદની જાણીતી કલબમાં તોડફોડ થઈ હતી. અહીં ક્લબના બાઉન્સર અને લોકો વચ્ચે મારામારી થઇ હતી. રોષે ભરાયેલા લોકોએ ક્લબમાં તોડફોડ કરી હતી. પાર્ટી બંધ કરાવાતા મામલો બિચક્યો હતો.
કેક કાપીને નવા વર્ષને વધાવ્યો
યાત્રાધામ અંબાજીમાં પણ કોરોનાના કહેર બાદ આ વર્ષે પાર્ટીનું શાનદાર આયોજન કરાયું હતું. યુવાનોએ 31 ડિસેમ્બરની શાનદાર ઉજવણી કરી હતી. વર્ષ 2022ને વિદાય અપાઈ અને 2023ને વેલકમ કરાયું હતું. પાર્ટીનું આયોજન કરીને 2022ની અંતિમ રાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. રાત્રે 12 વાગ્યે વિદાયની કેક કાપીને નવા વર્ષ 2023ને ભવ્ય આતશબાજી કરીને વધાવ્યો હતો.
નવા વર્ષની ઉજવણીને ધ્યાન રાખીને શહેર પોલીસ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. અનેક ચેકીંગ પોઇન્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા શહેરના એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પર ચેકીંગ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે બ્રેથ એનેલાઈઝર દ્વારા શંકાસ્પદ લોકોની પણ તપાસ કરવામાં આવી હતી. SOG, LCB, સહિતની ટીમો દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
મોટી સંખ્યામાં યુવાધન ન્યૂ યરને વેલકમ કરતું નજરે પડ્યું
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં 31મી ડિસેમ્બરની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાના બે વર્ષ બાદ યુવાધન મન મૂકીને 31મી ડિસેમ્બરની ઉજવણી કરતું નજરે પડ્યું હતું, ત્યારે અમદાવાદ શહેરના એસજી હાઇવે, સીજી રોડ સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં યુવાધન ન્યૂ યરને વેલકમ કરતું નજરે પડ્યું હતું. હૈયે હૈયું દળાઈ તે માફક યુવાધન ડીજેના તાલે નાચતું નજરે પડ્યું હતું.