Home /News /ahmedabad /Shivakashi Of Gujarat: અમદાવાદ પાસેનું વાંચ ગામ ‘ગુજરાતનું શિવાકાશી’, અહીંના ફટાકડાંની રાજ્ય બહાર ખૂબ માગ
Shivakashi Of Gujarat: અમદાવાદ પાસેનું વાંચ ગામ ‘ગુજરાતનું શિવાકાશી’, અહીંના ફટાકડાંની રાજ્ય બહાર ખૂબ માગ
અહીં પાંચ-પાંચ પેઢીથી લોકો ફટાકડાં બનાવે છે.
Shivakashi Of Gujarat: અમદાવાદ જિલ્લાનું એક એવું ગામ કે જે ફટાકડાં માટે ખૂબ વખણાય છે. માત્ર ગુજરાતમાં જ નહીં પણ રાજ્ય બહાર પણ ગુજરાતના ફટાકડાંની ખૂબ માગ છે. ત્યારે આવો આ ગામની મુલાકાતે જઈએ...
અમદાવાદઃ જિલ્લાના વાંચ ગામને ‘ગુજરાતનું શિવાકાશી’ તરીકે ઓળખવામાં આવે છે. આ ગામના લોકો મોટાભાગના લોકો ફટાકડા બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા છે. આ ગામના ફટાકડા માત્ર ગુજરાતમાં જ નહીં અન્ય રાજ્યોમાં પણ નિકાસ કરવામાં આવે છે.
પાંચ-પાંચ પેઢીથી ફટાકડાંના વેપારી
વાંચ ગામમાં વર્ષોથી ફટાકડાં બનાવવામાં આવે છે. અહીં 200થી વધુ પરિવારો ફટાકડાંના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અહીં સેફ્ટીનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. દિવાળીના સમયે તો અહીં રાત-દિવસ ફટાકડાં બનાવવાનું કામ ચાલતું હોય છે. છેલ્લી પાંચ-પાંચ પેઢીથી અહીં લોકો ફટાકડાં બનાવે છે. બારેમાસ ફટાકડાં બનાવવાનું કામ કરે છે. એ દિવાળીનો તહેવારોનો સમય હોય કે પછી લગ્નસરાની સિઝન હોય વાંચ ગામના ફટાકડાં ખૂબ જ પ્રખ્યાત છે.
તમામ સેફ્ટી સાથે કામ કરવામાં આવે છે
ફટાકડાં બનાવનારા કારીગરો અહીં ખૂબ સાવધાની રાખે છે. પાણીના હોજથી માંડીને અલગ પાણીના બોર પણ બનાવવામાં આવે છે. આ ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ પાવડર, સેફ્ટી ફાયરની બોટલ, પાણી ભરેલી ડોલ અને માટીની ડોલ અચૂક રાખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, દારૂખાના વચ્ચે પણ અનેક જિંદગીઓ રોજગારી મેળવે છે. તેટલું જ નહીં, અહીં કામ કરતા કારીગરોને પણ અગત્યની સૂચના આપવામાં આવી છે કે, જ્યારે પણ કામ કરતા હોય ત્યારે પાણીની ડોલ અને માટીની ડોલ સાથે જ રાખવી. જ્યારે કામ પૂરું થઈ જાય ત્યારે તે જગ્યા ચોખ્ખી કરી દેવી જેથી આગ જેવી દુર્ઘટના સર્જાઈ નહીં.
હજારો કારીગરોને રોજગારી મળે છે
આ અંગે સોનિક ફેક્ટરીના માલિક નદીમ કાસમનું કહેવું છે કે, નિયમ પ્રમાણે તેમની ફેક્ટરીમાં 18 જેટલાં કારીગરો કામ કરે છે અને આ તમામ કારીગરો વાંચ ગામના છે. આ ગ્રામીણ લોકોમાં મહિલાઓ પણ સૌથી વધુ કામ કરતી જોવા મળે છે. અહીં દાહોદ, ગોધરા, છોટા ઉદેપુર જિલ્લા સહિત તેની આસપાસના લોકો પણ રોજગારી મેળવતા હોય છે. આ ફટાકડાં વેચીને લાખો રૂપિયાનું ટર્નઓવર મેળવે છે.
આ વખતે ફટાકડાંનો ભાવ વધ્યો
આ વખતે ફટાકડાંના રો-મટિરિયલનો ભાવ 60 ટકા જેટલો વધી ગયો છે. તો બીજી બાજુ ગયા વર્ષની દિવાળીમાં પણ જોઈએ તેવો માહોલ નહોતો અને માત્ર 30 ટકા જેટલું જ ઉત્પાદન થયું હોવાને કારણે આર્થિક ફટકો પડ્યો હતો. જ્યારે આ વખતે 70 ટકા જેટલું ઉત્પાદન થયું છે. તેને લઈને કારીગરોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે કે તેમનો માલ વેચાઈ જશે. આ ઉપરાંત રાજસ્થાન, પંજાબ, યુપી સહિતના રાજ્યોમાં પણ ગુજરાતના ફટાકડાંની માગ વધી ગઈ છે. તેને લઈને પણ કારીગરો પૂરજોશમાં કામ કરતા જોવા મળી રહ્યા છે. આ વખતની વાત કરીએ તો અમદાવાદીઓએ 25 લાખ રૂપિયાના ફટાકડા ખરીદ્યા છે.
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં સૌથી મોટો ફટાકડાંનો સ્ટોલ લગાવનારા હેમંત ખમારનું કહેવુ છે કે, ગ્રાહકો સૌથી વધુ મોંઘવારીના સમયમાં ઓફર્સ જોઈને આકર્ષાય છે. ત્યારે મોંઘવારી વચ્ચે મોંઘા ફટાકડાં ખરીદવા આવતાં અમદાવાદીઓ ઓફર્સને લઈને શાંતિ અનુભવે છે. આ વખતે મટિરિયલમાં ભાવવધારાને કારણે જે તારામંડળ 40 રુપિયામાં મળતાં હતા તેનો ભાવ 100 જેવો થઈ ગયો છે. જ્યારે કોઠ-ચક્કરડી, એન્ગ્રી કોઠી, લૂમ, મિર્ચી બોમ્બ, બટરફ્લાય જેવા તમામ ફટાકડાંનો ભાવ 70થી 150 રુપિયા જેવો હોલસેલમાં બોલાય છે. જ્યારે પૂર્વ વિસ્તારમાં જે ભાવ છે તેનાં કરતાં 10 ટકા વધારે ભાવ પશ્વિમ વિસ્તારમાં હોવાનું પણ તેમને જણાવ્યું હતું.