પિતાના ફરસાણ બનાવવાના ધંધાને આગળ વધારવાનો નિર્ણય કર્યો
ગાંઠિયાનું નામ પડે એટલે મોંમાં પાણી આવી જાય છે.ત્યારે ઉપલેટાનાં યુવાને બી ટેક સુધી અભ્યાસ કરી અમદાવાદમાં ગાંઠિયાનો વ્યવસાય શરૂ કર્યો છે. ઉપલેટાનાં ગાંઠિયા હવે અમદાવાદમાં મળી રહ્યાં છે. લોકો દૂરદૂરથી ખાવા માટે આવે છે.
Parth Patel, Ahmedabad: વનેલા ગાંઠિયાએ ચણાના લોટ અને મસાલાઓથી બનેલો લોકપ્રિય ગુજરાતી નાસ્તો છે. વનેલાએ ગુજરાતી શબ્દ છે. જેનો અર્થ થાય છે વળેલું. તેમાં પણ નરમ ગાંઠિયા બનાવવા એ એક મહત્વપૂર્ણ ભાગ છે. રોલ કરેલા હોવાથી તેને વનેલા કહેવામાં આવે છે. વણેલા ગાંઠિયા એ કાઠિયાવાડની ફેમસ ડીશ છે.
કાઠિયાવાડમાં સવાર જ ગાંઠિયા અને ચા થી પડે છે
આ બેસનમાંથી બનતી વાનગીને તળેલા મરચાં અને સ્પેશિયલ ચટણી સાથે પીરસવામાં આવે છે. આ ગાંઠિયા એકદમ સોફ્ટ હોય છે. આ સાથે ગરમાગરમ ગાંઠિયા ખાવાની મજા જ કંઈક અલગ છે. કાઠિયાવાડમાં સવાર જ ગાંઠિયા અને ચા થી પડે છે. ત્યારે આ પ્રકારના ગાંઠિયા અમદાવાદના સાયન્સ સીટીમાં હર્ષ સોજીત્રા નામનો યુવાન બનાવીને વેચી રહ્યો છે.
પિતાના ફરસાણ બનાવવાના ધંધાને આગળ વધારવાનો નિર્ણય કર્યો
હર્ષ સોજીત્રાએ જણાવ્યું હતું કે, મેં 2018માં બી.ટેક. ઈન મેટાલર્જીનો અભ્યાસ ઈન્ડસ યુર્નિવસિટીમાંથી પૂર્ણ કર્યો. ત્યારબાદ 3-4 વર્ષ પ્રાઈવેટ કંપનીમાં એન્જિનિયર અને માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે કામ કર્યું. પરંતુ પોતાનો બિઝનેસ શરૂ કરી એક બિઝનેસમેન બનવાની ઘણી ઈચ્છા હતી. એટલે 2022માં નોકરી છોડી દીધી.
આમ જોવા જઈએ તો મારું બાળપણ લોટ, તેલ અને તાવડા વચ્ચે પસાર થયું હતું. એટલે કે મારા પિતાને ઉપલેટામાં ફરસાણ બનાવવાની દુકાન હતી. આ ફરસાણના ધંધાને આગળ વધારવાનો વિચાર મારા મગજમાં ફિટ થઈ ગયો. એ પછી અમદાવાદમાં સારી જગ્યા શોધવાનું શરૂ કર્યું.
લોકો દૂર દૂરથી આવે છે
એવામાં સાયન્સ સીટી વિસ્તારમાં એક સારી જગ્યા મળી ગઈ અને ત્યાં વણેલા ગાંઠિયા, ફાફડા, ગરમાગરમ જલેબી બનાવીને વેચવાનું શરૂ કર્યું. અત્યારે હાલમાં કાઠિયાવાડી ગરમાગરમ વણેલા ગાંઠિયા, ફાફડા અને જલેબીની સાથે લીલી ચટણી, લસણની ચટણી અને લીલા તળેલા મરચાંનો ટેસ્ટ કરવા લોકો દૂર દૂરથી આવે છે અને પરિવાર સાથે આનંદ માણે છે.
વણેલા ગાંઠિયા બનાવવાની રીત
સૌપ્રથમ ત્રણ વાટકા ચણાનો લોટ લેવાનો. હવે તેમાં 5 થી 6 ચમચી તેલ નાખો અને અડધી ચમચી અજમો, અડધી ચમચી મરીનો પાવડર, ચપટી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી ગાંઠીયાનો સોડા ઉમેરી આ બધા મસાલા લોટ સાથે સારી રીતે મિક્સ કરી લો.
હવે મિક્સ થઈ જાય એટલે મિડીયમ એવો ગાંઠીયાનો લોટ બાંધો. હવે થોડો લોટ હાથમાં લઇ તેને બંને હાથે સરસ રીતે મસાળી લાંબો બનાવી લો. આ લોટને પાટલો અથવા પાટલી પર મૂકી હથેળીની ટચલી આંગળીની સાઇડથી ગોળ ગોળ ફેરવતા જઈ ગાંઠિયા વણો. વણાઈ જાય એટલે હવે ગાંઠિયાને પાડતાં જાવ અને સાથે તળતા જવાના.
એ પછી ગાંઠિયા તળાઈ જાય એટલે એક ડિશમાં કાઢી લો. આ સાથે તેલમાં થોડા લીલા મરચાં તળી લો. જેથી આ ગાંઠીયા સાથે તળેલા મરચાં અને ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે. હવે ગાંઠિયા ઉપર સંચળ અને મરી પાવડર મિક્સ કરીને નાખો. ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં મરચાં સાથે સર્વ કરો.
સરનામું: ચંદુભાઈ ગાંઠિયાવાળા, સુદર્શન ગોલ્ડ, મુરલીધર પાર્ટી પ્લોટની સામે, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ પર મુલાકાત લઈ શકો છો.