આ અમદાવાદી યુવાને એક અનોખું સ્ટાર્ટ અપ શરૂ કર્યું.
Unique Start up: ગુજરાત ટેક્નોલિજિલ યુનિવર્સિટીના બાયોટેક વિષય સાથે માસ્ટર થયેલા યુવાન રોહિત કલાલે સામાન્ય રીતે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા નાસ્તામાંથી વિટામિન ડી મળી રહે તેવી પ્રોડક્ટ્સનું એક સ્ટાર્ટ અપ શરૂ કર્યું છે.
અમદાવાદઃ ઘણાં લોકોમાં વિટામિન ડીની ઉણપ જોવા મળતી હોય છે. મોટેભાગે જે લોકો શાકાહારી હોય છે તેવા લોકોમાં આ વિટામિનની ઉણપ હોવાના ઘણાં કેસ સામે આવ્યાં છે. ત્યારે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીએ વિટામિન ડીની ઉણપને ઓછી કરવા માટેનો ઉકેલ શોધી કાઢ્યો છે. બાયોટેક વિષય સાથે માસ્ટર થયેલા યુવાન રોહિત કલાલે સામાન્ય રીતે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા નાસ્તા દ્વારા વિટામિન D મળી રહે તેવું સ્ટાર્ટ અપ તૈયાર કર્યું છે.
ખાખરામાંથી પણ વિટામિન-D મળી શકશે
આ સ્ટાર્ટ અપમાં યુવાને ખાખરા, બિસ્કિટ સહિત જુદી-જુદી ફૂડ પ્રોડક્ટ્સમાં મશરૂમનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરી વિટામિન ડી મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. સામાન્ય રીતે વિટામિન ડીની ઉણપને કારણે શરીરમાં કેલ્શિયમની ઉણપ રહે છે. તેને કારણે હાડકાનો દુખાવો, રોગ પ્રતિકારક શક્તિ ઘટી જવી વગેરે જેવી સમસ્યાઓ જોવા મળે છે. આમ તો, સૂર્યપ્રકાશમાંથી પણ વિટામિન ડી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. પરંતુ, આજકાલના ઝડપી જીવનમાં લોકોની સમયમર્યાદા ઘણી ઓછી હોય છે. ત્યારે આ વિટામિન પૂરતા પ્રમાણમાં સરળતાથી મળી રહે તે માટે સ્ટાર્ટ અપ શરૂ કર્યું છે.
રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી ફૂડ પ્રોડક્ટ્સ દ્વારા વિટામિન D મળી રહે તેવું સ્ટાર્ટ અપ સફળ રહ્યું છે. આ સ્ટાર્ટ અપ દ્વારા ખાખરા, બિસ્કિટ સહિત જુદી જુદી વાનગીઓમાં મશરૂમનો ઉપયોગ કર્યો છે. આ પ્રોડક્ટ્સમાં રહેલા મશરૂમનાં સેવનથી વિટામિન ડી અને પ્રોટીન સારા પ્રમાણમાં મળી રહે છે. કોઈપણ પ્રકારની દવા વગર ફૂડ પ્રોડક્ટમાંથી વિટામિન ડી મળે તેવી વાનગીઓ તૈયાર કરી છે. તેણે આ સ્ટાર્ટ અપનું નામ ‘Newway બાયોટેક’ આપ્યું છે. વિટામિન ડી માટે બજારમાં કેટલીક દવાઓ ઉપલબ્ધ છે, જેનાં માટે માછલીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ શાકાહારી સોર્સમાંથી વિટામિન ડી લોકોને મળી રહે એવું સંશોધન કરવામાં આવ્યું છે.
સ્ટાર્ટ અપમાં વધુ પ્રોડક્ટ્સ ઉમેરશે
રોહિત હજુ ચોકલેટ અને ચા-કોફીમાંથી પણ વિટામિન ડી મળી રહે તેવું સંશોધન કરી રહ્યો છે. એક ચોકલેટ ખાતાં જ દિવસમાં શરીરને જે વિટામિન ડીની જરૂરિયાત હોય છે તે પૂરી થઈ જાય છે. રોહિત જણાવે છે કે, મશરૂમને સીધુ ખાવામાં લોકોને તકલીફ થતી હોય છે, પરંતુ તેને આ પ્રકારે ફૂડ પ્રોડક્ટમાં ઉમેરી રોજિંદા ઉપયોગમાં લેવાતાં બિસ્કીટ, ખાખરા સહિત વાનગીઓમાં પ્રયોગ કરવામાં આવ્યો હતો અને તે સફળ રહ્યો છે. આ સ્ટાર્ટ અપ માટે ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી તરફથી લેબવર્ક અને મેન્ટર સપોર્ટ મળ્યો છે. જીટીયુ દ્વારા કેમ્પસની અંદર રોહિતને એક કેન્ટીન માટે જગ્યા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.