અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી બનાવટી પોલીસ (Fake Police) બનીને તોડ-પાણી કરતા લોકોનો જાણે કે રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે. દિવસેને દિવસે પોલીસની ઓળખ આપીને રૂપિયા પડાવ્યા હોય તેવા અનેક બનાવો સામે આવી રહ્યા છે. શહેરના વાડજ વિસ્તાર (Vadaj area)માં વધુ આવો એક બનાવ સામે આવ્યો છે. જેમાં બે લવરમૂછિયાએ સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ ભરીને નીકળેલા પીકઅપ વાન ચાલક (Pickup van driver)ને રોકી તેને ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) તરીકેની ઓળખ આપીને પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ મામલે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે.
મેઘાણીનગર વિસ્તારમાં રહેતા રોશન તૈલીએ વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી છે કે, તેઓ ગઇકાલે સવારે તાવડીપુરામાં આવેલા આકાશ ટ્રેડિંગના ગોડાઉનમાંથી 48 કટ્ટા ઘઉં અને 52 કટ્ટા ચોખા ભરીને ચાંગોદર જઈ રહ્યા હતા. આ દરમિયાન વાડજ સર્કલ પાસે બે યુવકે ફરિયાદીને અટકાવ્યા હતા. બંનેએ ફરિયાદીને તેમના શેઠને બોલાવવા માટે કહ્યું હતું.
શેઠ ઘટના સ્થળે આવી પહોંચ્યા ત્યારે બંને યુવકોએ પોતે ક્રાઇમ બ્રાન્ચમાંથી આવતા હોવાની ઓળખ આપીને, ગાડીમાં સસ્તા અનાજની દુકાનમાંથી ગેરકાયદે અનાજ ભરેલું હોવાનું કહીને પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી.
આ પણ વાંચો: SBI ગ્રાહક એલર્ટ: જન ધન ખાતા પર બેંક તરફથી બે લાખ રૂપિયાના લાભની જાહેરાત, જાણો વિગત આ બંને લવરમૂછિયાએ લગભગ બેથી અઢી કલાક સુધી ગાડી ઊભી રાખતા અંતે ફરિયાદના શેઠે પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચતા જાણવા મળ્યું હતું કે, આ બંને આરોપી અભયસિંહ ચૌહાણ અને સિદ્ધાંત અઘારા બનાવટી પોલીસ બનીને રૂપિયાની માંગણી કરી રહ્યા છે. આ મામલે પોલીસે બંને આરોપી સામે ગુનો દાખલ કરીને બંનેની ધરપકડ કરી છે. બંનેએ આવી રીતે નકલી પોલીસ બનીને અન્ય કોઈ લોકોને શિકાર બનાવ્યા છે કે નહીં, તેની તપાસ પણ પોલીસ કરી રહી છે.