અમદાવાદઃ થોડા સમય પહેલા એક ફિલ્મ આવી હતી શુટઆઉટ એટ લોખંડવાલા. જેમાં માયાભાઇ નામનો ડોન એક બાદ એક લોકોની હપ્તા માટે અને ગેંગવોરમાં હત્યા કરતો હતો. તેની હત્યા કરવાની જે સ્ટાઇલ હતી જેમાં તે ખુલ્લેઆમ હત્યા કરી નાંખતો તેવી જ રીતે એક યુવકની હત્યા થઇ હોવાની ઘટના અમદાવાદ શહેરમાં બની છે. અમદાવાદ શહેરના ગોમતીપુરમાં આવેલી વિક્રમમિલના કમ્પાઉન્ડમાં એક યુવકની હત્યા કરતા યુવક લોહીલુહાણ હાલતમાં રિક્ષામાં જ પડ્યો હતો. હત્યા કરનાર બે લોકો મૃતકના સંબંધી અને ઓળખીતા લોકો કે જે તાપણુ કરવા બેઠા હતા તેઓની પાસે જઇને મેં હત્યા કરી છે તેમ કહી ફરાર થઇ ગયા હતા. સમગ્ર બાબતને લઇને પોલીસને ફરિયાદ આપતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ગોમતીપુર અને બાપુનગરમાં રહેતો સુનિલ પટણી ઓટો રિક્ષા ચલાવે છે અને તેના પરિવાર સાથે રહે છે. ગઇકાલે રાત્રે તે વિક્રમમીલ ના કમ્પાઉન્ડમાં ગયો હતો અને ત્યાં તેના અન્ય મિત્રો સાથે તાપણુ કરવા બેઠો હતો. રાત્રે 11 વાગ્યા બાદ સોનેરિયા બ્લોક ખાતે રહેતો ધર્મેશ ઉર્ફે લાલો અને સન્ની ઉર્ફે કકડી બંને ત્યાં આવ્યા હતા. આ ધર્મેશે ત્યા ંતાપણુ કરવા બેઠેલા એક વ્યક્તિને કહ્યું કે મેં મર્ડર કર્યું છે. ત્યારે તેના હાથમાં પણ વાળ કાપવાની કાતર હતી અને બંનેના કપડા પર લોહીના છાંટા પણ હતા. જેથી તાપણુ કરવા બેઠેલા લોકોએ કોનું મર્ડર કર્યું છે તેવું પૂછતા તે બંને શખ્સોએ કોઇને કાંઇ કહ્યું નહોતુ.
જેથી તમામ લોકો વિક્રમ મિલ કમ્પાઉન્ડમાં અંદર તપાસ કરવા લાગ્યા હતા. જ્યાં જઇને જોયું તો એક રીક્ષામાં એક વ્યક્તિ લોહી લહુાણ હાલતમાં પડ્યો હતો. જેને નજીકથી જોતા તાપણુ કરવા બેઠેલા સંજય કેન્ચી નામના યુવકના સંબંધી કાકાનો દીકરો કિશોર યંગલ હોવાનું જણાયુ હતું. આમ આ બંને શખ્સોએ હત્યા કરી લાશને ત્યાં જ રાખી મૃતકના સંબંધી કે જે ત્યાં તાપણુ કરતા હતા તેને જઇને મર્ડર કર્યું હોવાનું કહીને ભાગી ગયા હતા. સમગ્ર બાબતને લઇને ગોમતીપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને શોધવા તજવિજ હાથ ધરી છે.
બંને આરોપીઓએ કયા કારણોસર આ રીતે એક યુવકની મોડી રાત્રે ક્રુર હત્યા કરી તે બાબતે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે આરોપીઓ હત્યા બાદ ક્યાં ફરાર થઇ ગયા અને તેઓનો કોઇ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે બાબતને લઇને પણ તપાસ શરૂ કરી છે.