અમદાવાદ : અત્યાર સુધી ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમનનો ભંગ કરતા વાહન ચાલકોને દંડ કરતી તો તમે અનેક વખત જોઈ હશે. જોકે રસ્તા પર પોલીસ જ પોલીસને દંડ કરતી જોવા મળી હતી. ટ્રાફિક જે.સી.પી. દ્વારા એક અઠવાડિયા સુધી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર પોલીસ કર્મચારી સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસ કર્મચારીઓ જો હવે ટ્રાફિક નિયમનનો ભંગ કર્યો તો ખેર નથી. કારણ કે ટ્રાફિક જે સી પી દ્વારા આવા કર્મચારીઓ સામે લાલ આંખ કરીને દંડાત્મક કાર્યવાહી કરવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. જો ટ્રાફિક પોલીસ તેમના વાહન પર P લખાવેલું હશે, ત્રણ સવારી હશે, હેલ્મેટ નહીં પહેર્યું હોય, ગાડીમાં બ્લેક ફિલ્મ હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ડ્રાઇવ દરમિયાન કુલ 77 કેસ કરવામાં આવ્યા છે. અને રૂપિયા 57 હજારનો દંડ વસુલવામાં આવ્યો છે.
તારીખ 23 જુલાઇ થી 29 જુલાઇ સુધી આ ડ્રાઇવ કરવામાં આવી હતી. જેમાં જ્યાં પોલીસ કર્મચારીઓની અવર જવર હશે ત્યાં પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે આ સિવાય જાહેરનામાનો ભંગ કરીને શહેરમાં પ્રવેશ કરતા ભારે વાહનો અને રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ સાથે હવે આવનારા સમયમાં સરકારી કચેરીઓ કે જ્યાં સરકારી કર્મચારીઓ ટ્રાફિકના નિયમનો ભંગ કરશે, અન્ય વાહન ચાલકો કે જે ફેન્સી નંબર પ્લેટ સાથે હશે તેઓની સામે પણ ખાસ ડ્રાઇવ રાખીને કાર્યવાહી કરવામાં આવશે.