Home /News /ahmedabad /

અમદાવાદ: પોલીસે સવારે છાપ સુધારવા કાર્યક્રમ કર્યો, સાંજે ટ્રાફિક પોલીસે છાપ બગાડી!

અમદાવાદ: પોલીસે સવારે છાપ સુધારવા કાર્યક્રમ કર્યો, સાંજે ટ્રાફિક પોલીસે છાપ બગાડી!

અમદાવાદ ટ્રાફિક પોલીસે માર માર્યાનો આક્ષેપ

Ahmedabad traffic police: પોલીસકર્મીની વરદી પર નેમ પ્લેટ પણ ન હતી. સમગ્ર મામલે હવેલી પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષના લોકો પહોંચ્યા હતા. આ મામલે મોડી રાત સુધી ફરિયાદ નોંધાવવામાં આવી ન હતી.

અમદાવાદ: શહેરની ટ્રાફિક પોલીસ (Ahmedabad traffic police) એક બાદ એક રીતે બદનામ થઈ રહી છે. ગઈકાલે સાંજના સુમારે વિક્ટોરિયા ગાર્ડન (Victoria garden) ખૂણા પાસે ટ્રાફિક પોલીસ કામગીરી કરી રહી હતી ત્યારે પોલીસે કોઈ વાહન ચાલકને રોક્યો હતો. આ દરમિયાન બંને પક્ષે બબાલ શરૂ થઈ હતી. પોલીસે યુવકને માર મારીને લોહીલુહાણ કરી દીધાનો આક્ષેપ કરાયો છે. વાહન ચાલક દ્વારા આ અંગેનો વીડિયો પણ વાયરલ (Viral video) કરવામાં આવ્યો હતો. મામલો જે તે સમયે હવેલી પોલીસ મથકે (Haveli police station) પહોંચ્યો હતો. પરંતુ આ અંગે કોઈ ફરિયાદ થઈ નથી. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં સવારે પોલીસની છાપ સુધારવા પહેલ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોકો સાથે કેવું વર્તન કરવું તેની શીખ આપવામાં આવી હતી. બીજી તરફ એજ દિવસે સાંજે ટ્રાફિક પોલીસે (Ahmedabad traffic police) આ કાર્યક્રમમાં આપેલી શીખ પર પાણી ફેરવી દીધું હતું. આવી જ ઘટનાઓને કારણે લોકોમાં પોલીસની નકારાત્મક છાપ ઉપસી આવતી હોવાનું પણ પોલીસ માને છે. આ કેસમાં બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયાનું પણ જાણવા મળે છે.

ગઈકાલે સાંજે વિક્ટોરિયા ગાર્ડન પાસે પિક અવર્સમાં ટ્રાફિક પોલીસ ટીઆરબી જવાન સાથે મળી ટ્રાફિકનું નિયમન કરી રહી હતી. તેવામાં અહીંથી પસાર થતા એક વાહન ચાલકને પોલીસે રોક્યો હતો. આ વાહન ચાલકને રોક્યા બાદ બંને પક્ષે કોઈ બાબતે બબાલ શરૂ થઈ હતી. બાદમાં મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને પોલીસે હાથ ઉપાડ્યો હોવાનો આક્ષેપ થયો છે. પોલીસ એટલી હદે રોષે ભરાઈ હતી કે યુવકને મૂંઢ માર મારતા યુવકના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું.

આ પણ વાંચો: રાજકોટમાં મોડી રાત્રે બીઆરટીએસ બસ પર પથ્થરમારો

આ બાબતે એક પક્ષના લોકોનું ટોળું ભેગું થઈ જતા પોલીસની નકારાત્મક બાબતે વીડિયો ઉતારી વાયરલ કરવામાં આવ્યો હતો. વાયરલ વીડિયોમાં પોલીસે માર મારી દાદાગીરી કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જે પોલીસકર્મી પર આક્ષેપ કરાયો છે તે પોલીસકર્મી પણ નફ્ફટની માફક હસતો જોવા મળતા લોકો વધુ રોષે ભરાયા હતા.

પોલીસકર્મીની વરદી પર નેમ પ્લેટ પણ ન હતી. સમગ્ર મામલે હવેલી પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષના લોકો પહોંચ્યા હતા. આ મામલે મોડી રાત સુધી ફરિયાદ નોંધાવવામાં આવી ન હતી. બીજી તરફ સ્થાનિક લોકો પણ વિક્ટોરિયા ગાર્ડન પાસે ઊભી રહેતી પોલીસ પર આક્ષેપ કરી રહ્યા છે. અહીંની પોલીસને ટ્રાફિક નિયમનમાં નહીં પણ લોકોને પકડી દંડ વસૂલવામાં અથવા કટકી કરવામાં રસ હોય તેવું અવારનવાર બને છે.

આ પણ વાંચો: નારગોલમાં પારસી પરિવારનું 200 વર્ષ જૂનું મકાન તૂટી પડ્યું

અહીં ટીઆરબી જવાનો પણ રોડ પર વાહન ચાલકોને પકડવા દોડાદોડ કરતા હોય છે. હકીકતમાં તેમનું કામ વાહન ચાલકોને પકડવાનું નથી. અવારનવાર ઉચ્ચ અધિકારીઓના ધ્યાને આ વાત આવી છતાંય કોઈ પગલાં લેવાયા નથી. સવારે પોલીસની છાપ સુધારવાના કાર્યક્રમમાં ખુદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસને રોડ પર ફરજ નિભાવતી વખતે દંડને પ્રાથમિકતા આપ્યા વગર લોકો નિયમો પાળે તે માટે કામગીરી કરવાની સૂચના અપાઈ હોવા છતાં સાંજે આવી ઘટના બનતા ઉચ્ચ અધિકારીઓ હવે શું પગલાં લે છે તે જોવાનું રહેશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: અમદાવાદ, ટ્રાફિક પોલીસ, પોલીસ, વાયરલ વીડિયો

આગામી સમાચાર