ગુજરાતમાં ઉત્તરાયણમાં બે દિવસના તહેવારમાં અનેક દુર્ઘટનાઓ સર્જાઈ હતી. ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાયણમાં બે દિવસના તહેવારમાં અનેક દુર્ઘટનાઓ સર્જાઈ હતી. ત્યારે 15મી જાન્યુઆરીની વાત કરીએ તો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કુલ 26 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. તેમાંથી 2 વ્યક્તિઓનું ગળું કપાયું હતું. 4 લોકો ધાબા પરથી પડી ગયા હતા અને અન્ય 20 દર્દીઓને નાનીમોટી ઇજા પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, તેમાંથી 23 દર્દીની હાલત સ્થિર હોવાથી તેમને રજા આપી દેવામાં આવી છે. જ્યારે 3 લોકોની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે રાખવામાં આવ્યાં છે.
15મી જાન્યુઆરીએ 108ને 325 જેટલા ઇમર્જન્સી કોલ્સ આવ્યા હતા. જેમાં 15 દોરીથી ગળું કપાવવાના કેસ સામે આવ્યા હતા. 196 જેટલા અકસ્માત સર્જાયા હતા. તો પડી જવાને કારણે 87 લોકોને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. જ્યારે 27 જેટલા મારામારીના કેસ સામે આવ્યા હતા.
ગઈકાલની એટલે કે 14મી જાન્યુઆરીની વાત કરવામાં આવે તો, દર વર્ષ કરતાં આ વર્ષે અકસ્માતની સંખ્યામાં વધારો થયો હતો. ત્યારે ઉત્તરાયણે 108ને આવતા ઈમર્જન્સી કોલમાં પણ વધારો જોવા મળ્યો હતો. આ વખતે 108ને 4261 ઇમરજન્સી કોલ આવ્યા છે. તો બીજી તરફ, રાજ્યમાં દોરી વાગવાના 92 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં અકસ્માતના 820 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ધાબા પરથી પડવાના 368 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, દોરી વાગવાના સૌથી વધુ 42 કેસ અમદાવાદમાં આવ્યા છે.
સુરતમાં યુવકનું દોરીથી ગળું કપાયું
ગઇકાલે સાંજના સમયે સુરતના કામરેજ ચારરસ્તા પાસે યુવકના ગળામાં દોરી ભરાઇ ગઇ હતી. અકસ્માતમાં ગંભીર ઇજા થતાં યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. મૃતક યુવક જૂનાગઢ જિલ્લાનો રહેવાસી હતો, જ્યારે તે નનસાડ ગામે મામાને ત્યાં આવ્યો હતો. યુવક નનસાડ ગામથી કામરેજ ચારરસ્તા પાસે બાઈક પર ચક્કર મારવા નીકળ્યો હતો. મૃતક યુવકનું નામ રાઠોડ સંજય કરશન ભાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાઈ હતી, જ્યારે કામરેજ પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે. કામરેજ તાલુકામાં 14 દિવસમાં કાતિલ દોરીના કારણે બે લોકોના મોત થયા છે.
રાજકોટ શહેરના કોઠારીયા શાક માર્કેટ પાસેથી પસાર થતા સાત વર્ષના બાળકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. રાજકોટની ભાગોળે રહેતા લોથડા ગામમાં રહેતા ઋષભ અજય વર્મા નામનો માસુમ જ્યારે કોઠારીયા શાક માર્કેટ પાસેથી બપોરના સમયે પસાર થઈ રહ્યો હતો. તે સમયે ચાઈનીઝ દોરી તેના ગળાના ભાગે લાગવાથી તેને ગંભીર પ્રકારની ઇજા પહોંચી હતી. ત્યારે બાળકને વધુ સારવાર મળે તે પૂર્વે જ તેનું સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. બાળકને ગળાના ભાગે ઈજા પહોંચી હોવાના કારણે સર્જરી વિભાગમાં તેની સર્જરી કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી હતી.