અમદાવાદ: તમે રેલવે સ્ટેશન પર જાવ અને કૂતરાને રોટલી નાખીએ ને કૂતરું આસપાસ ફરવા લાગે એમ રીક્ષા ચાલકો આસપાસ ફરી ફરીને તમને ત્રાસ આપે તો કેવું લાગે? આવી જ એક ઘટના બની હતી એક યુવક સાથે. એક યુવક વતનથી અમદાવાદ આવ્યો ત્યારે તેને રિક્ષામાં ન જવું હોવા છતાંય તેને એક રીક્ષા વાળાએ રોક્યો હતો.
યુવકે રિક્ષામાં બેસવાની ના પાડી છતાંય તેને રોકી અવરોધ પેદા કર્યા હતો. આખરે યુવક એવો ગીન્નાયો જે તેણે કાયદાના પાઠ ભણાવતા હવે રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મૂળ એમપીના અને હાલ મહેસાણા રહેતો રાહુલ મિશ્રા પરિવાર સાથે રહે છે અને મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. બે દિવસ પહેલા તેઓ મધ્યપ્રદેશથી અમદાવાદ ટ્રેન મારફતે આવ્યા હતા. રેલવે સ્ટેશનથી બહાર આવ્યા બાદ રીક્ષા ચાલકોનો સામનો તેમને કરવો પડ્યો હતો. એક રીક્ષા ચાલક રાહુલ ભાઈ પાસે આવી ક્યાં જવું છે તેમ પૂછી તેઓનો રસ્તો રોકી અવરોધ કરતા હતાં.
રાહુલભાઈએ ક્યાંય નથી જવું તમારી રિક્ષામાં નથી બેસવું તેમ કહેવા છતાંય આ રીક્ષા વાળાએ તેમને રોક્યા હતા. બાદમાં રાહુલભાઈ આગળ જતાં હતાં ત્યારે પણ તેમનો રસ્તો રોકી સતત આ ચાલક અવરોધ ઉભો કરતો હતો. આખરે માથાકૂટ કર્યા બાદ રાહુલભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે રેલવે સ્ટેશન પર રીક્ષા ચાલકોનો ત્રાસ વધી રહ્યો છે. અહીં રીક્ષા ચાલકો પેસેન્જર ને કનડગત કરી અવરોધ પેદા કરતા હોય છે. લોકો સાથે વધુ ભાડા પણ વસુલવાની વાત સામે આવતી હોય છે. આ રીક્ષા ચાલકો સતત ટ્રાફીક પણ જામ કરતા હોય છે. પણ રેલવે પોલીસ અને ટ્રાફિક પોલીસની સતત હપ્તાખોરીના કારણે આ રીક્ષા ચાલકો બેફામ બન્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.