કેન્દ્ર સરકાર તરફથી હાર્દિક પટેલને આપવામાં આવેલી 'Y' કક્ષાની સીઆઈએસએફ સુરક્ષા પરત ખેંચી લેવા પર દલિત નેતા તેમજ વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ હાર્દિકનું સમર્થન કર્યું છે. આ મામલે જિગ્નેશ મેવાણીએ ભાજપની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ અંગે ટ્વિટ કરતા જિગ્નેશ મેવાણીએ લખ્યું છે કે, 'હાર્દિક પટેલની સુરક્ષા પરત ખેંચવા પાછળ તેને જેલમાં મોકલવાનું અથવા તેના પર હુમલો કરવાનું ષડયંત્ર હોઈ શકે છે.' ગુજરાત ભાજપ પર આકરા પ્રહાર કરતા મેવાણીએ લખ્યું છે કે, 'જો હું અને હાર્દિક જીવતા રહ્યા અને જો અમને કોઈ ખોટા પ્રકરણ હેઠળ અંદર નાખવામાં ન આવ્યા તો અમારું એ વચન છે કે અમે ગુજરાતમાં બળાત્કારી જીવલેણ પાર્ટી (બીજેપી)ની કમર તોડી નાખીશું.'
કેન્દ્રએ હાર્દિકની સુરક્ષા હટાવી
કેન્દ્ર સરકારે પાટિદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલની 'Y'કક્ષાની સુરક્ષા પરત ખેંચી લીધી છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતની ચૂંટણી વખતે તેને આ સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. એ વખતે કેન્દ્ર સરકારે ઇન્ટેલિજન્સ રિપોર્ટના આધારે હાર્દિકને જીવનું જોખમ હોવાનું ગણાવી વાય કક્ષાની સુરક્ષા આપી હતી. રિપોર્ટ્સ પ્રમાણે સુરક્ષા કવચ અંગે ફેરવિચારણા દરમિયાન સરકારે હાર્દિક પટેલની સુરક્ષા હટાવી લેવાનો નિર્ણય કર્યો છે. હાર્દિકને નવેમ્બર 2017માં સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી.
હત્યાનો પ્લાન છે કે જેલમાં મોકલવાની તૈયારી?: હાર્દિક
સુરક્ષા પરત ખેંચવામાં આવ્યા બાદ હાર્દિકે આ અંગે ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યુ હતું કે, 'જોઈએ હત્યાનો પ્લાન છે કે પછી ફરી જેલમાં મોકલવાની તૈયારી છે. હું તો કર્મ કરું છું, સારું કે ખરાબ જે હોય તે ફળ મને જ મળે છે.'
શરૂઆતમાં હાર્દિક સુરક્ષા લેવાનો કર્યો હતો ઇન્કાર
કેન્દ્ર સરકાર દ્વારા 'Y'કક્ષાની સુરક્ષા આપવામાં આવ્યા બાદ હાર્દિક પટેલે શરૂઆતમાં સુરક્ષા લેવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ નવેમ્બરમાં તેના જીવને જોખમ હોવાના ઇન્ટેલિજન્સ રિપોર્ટ બાદ તેણે સુરક્ષા સ્વીકારી લીધી હતી. હાર્દિકે એ વખતે કહ્યું હતું કે ઉચ્ચ આઈપીએ અને આઇએએસ અધિકારીઓએ તેને જણાવ્યું હતું કે તેના જીવને ખરેખર જોખમ છે. આથી તેણે સુરક્ષાનો સ્વીકાર કર્યો હતો. 'Y' કક્ષાની સુરક્ષા પ્રમાણે હાર્દિકને હથિયારધારી સીઆઈએસએફના (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ) આઠ જવાનની સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી.