અમદાવાદઃ 31 ફર્સ્ટને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે નહીં તે માટે પોલીસ સુસજ્જ થઈ ગઈ છે. સમગ્ર શહેરમાં 10 હજાર જેટલા પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યાં છે અને તમામ ગતિવિધિ પર બાજ નજર રાખવામાં આવશે.
સમગ્ર શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
અમદાવાદ શહેરમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે. તેને લઈને 31 ફર્સ્ટ ડિસેમ્બરની રાત્રે શહેરના સીજી રોડ, સિંધુભવન રોડ અને રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડશે. નવા વર્ષની ઉજવણી દરમિયાન શહેરીજનોની સુરક્ષાની જવાબદારી અમદાવાદ શહેર પોલીસ પર રહેલી છે. તેને ધ્યાને લઈને શહેર પોલીસના 10 હજાર જેટલા પોલીસ કર્મચારીઓ, 4 હજાર હોમગાર્ડ જવાન, 10 એસઆરપીની ટુકડી તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખશે. સીસીટીવી સર્વેલન્સ, બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ, બ્રેથ એનેલાઈઝર, ડ્રગ્સ ટેસ્ટિંગ કીટનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત જ્યાં પણ માનવ મહેરામણ ઉમટી પડે છે, તેવા સ્થળ પર પોલીસ પેટ્રોલિંગ પણ કરશે.
31મી ડિસેમ્બરના દિવસે લોકો નશાકારક દ્રવ્યોનું સેવન કરીને બહાર નીકળતા હોય છે. પરંતુ પોલીસ આવા લોકો સામે પણ કડક કાર્યવાહી કરશે. આ પ્રકારની કોઈ પણ અસામાજિક પ્રવૃતિ ના થાય તે માટે પોલીસે 25મી ડિસેમ્બરથી 5મી જાન્યુઆરી સુધી પ્રોહિબિશન ડ્રાઇવનું આયોજન કર્યું છે. જેમાં લિસ્ટેડ બુટલેગર છે તેમને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે દારૂ પીધેલા લોકોને પકડવા માટે પોલીસ બ્રેથ એનેલાઈઝરનો ઉપયોગ કરશે તો બીજી તરફ કોઈ વ્યક્તિએ ડ્રગ્સનું સેવન કર્યું છે કે કેમ તે તપાસવા માટે ડ્રગ્સ ટેસ્ટિંગ કીટનો પણ ઉપયોગ કરવામાં આવશે.
આ ઉપરાંત પોલીસ કંટ્રોલ રૂમથી શહેરમાં લગાવેલા અલગ અલગ સીસીટીવી દ્વારા પણ નજર રાખવામાં આવશે. તેમાં પણ કોઈ સામાજિક પ્રવૃત્તિ થઈ રહી હોવાનું માલૂમ પડશે તો તુરંત સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવશે. જ્યારે શહેરમાં ટ્રાફિકને લઈને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસના જવાનો પણ ટ્રાફિક નિયમન માટે તૈનાત કરવામાં આવશે અને કેટલાક રોડ પર ડાયવર્ઝન પણ આપવામાં આવશે.
જ્યારે મહિલાઓની સુરક્ષા માટે મહિલા ક્રાઈમ બ્રાન્ચ અને શી ટીમ દ્વારા રોમિયોગીરી કરતા રોમિયો પર નજર રાખશે. ખાનગી કપડાંમાં લોકોની વચ્ચે રહીને મહિલાઓની સુરક્ષા કરશે. જો કે, નવા વર્ષની ઉજવણીને લઈને ફટાકડા ફોડવા બાબતે શહેર પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં 31મી ડિસેમ્બરે રાતે 11.55 વાગ્યાથી લઈ 1લી જાન્યુઆરી 00.30 સુધી ફટાકડા ફોડી શકાશે.