અમદાવાદ: શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 28 મે રવિવારના રોજ આઈપીએલ 2023ની ફાઈનલ મેચ રમાવાની છે. આ પહેલા ગુરુવારે ટિકિટ વિન્ડો પર જબરદસ્ત ભીડ ઉમટી હતી. જેના લીધે ટિકિટની અછત સર્જાઈ હતી અને ઘણા ક્રિકેટપ્રેમીઓને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. સ્લોટ ખૂલતાની સાથે જ ઓનલાઈન ટિકિટો ધડાધડ વેચાઈ ગઈ હતી. ઓફલાઈન ટિકિટો માટે લાંબી લાઈન જોઈને ઘણા હતાશ થયા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, આશરે 50 હજાર ટિકિટો પ્રિન્ટ કરાવવામાં આવી હતી, જેમાંથી ઘણી ટિકિટ વિન્ડો પર વેચવામાં આવી હતી. ટિકિટ મેળવવા માટે સખત લાંબી લાઈન હતી અને મોટાભાગે જથ્થાબંધ ટિકિટ ખરીદવામાં આવી હતી. જેના કારણે થોડી જ ટિકિટો ઉપલબ્ધ રહી હતી.
ગણતરીની સેકન્ડોમાં વેચાઈ ગઈ ટિકિટો
આઇપીએલ ફાઇનલ સ્ટેડિયમમાં જોવાનું પ્લાનિંગ કરી રહેલા લોકોએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, તેમના કેટલાક મિત્રો ખાસ મેચ જોવા દુબઇથી અમદાવાદ આવવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા, પણ જયારે ઓનલાઈન ટિકિટ બુક કરાવવાનો પ્રયાસ કર્યો તો તે ગણતરીની સેકન્ડોમાં વેચાઈ ગઈ હતી. કેટલાય લોકોએ મિત્રો અને પરિચિતો દ્વારા એક-બે ટિકિટ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી. અંતે બહારથી આવનાર લોકોએ તેમની ટ્રીપ કેન્સલ કરવી પડી હતી.
આઈપીએલની ટીમો અને ક્રિકેટ ફેન્સના અપેક્ષિત ધસારાને ધ્યાનમાં રાખીને આગામી વીકએન્ડ માટે હોટેલના ટેરિફમાં ઓછામાં ઓછો 40 ટકાનો વધારો થયો છે. કેટલાક યૂઝર્સે ઓનલાઈન બુકિંગમાં ખામીની ફરિયાદ કરી હતી, તો ગુરુવારે સ્ટેડિયમમાં ગયેલા ચાહકોને પણ ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું. કોર્પોરેટ સર્કલમાં પણ લોકો છેલ્લા કેટલાક દિવસથી પાસ માટે ધક્કા ખાઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, એમએસ ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ પહેલાથી જ ફાઈનલમાં પહોંચી ગઈ છે. આઈપીએલ 2023ની ટ્રોફી જીતવા માટે તેની ટક્કર ગુજરાત ટાઇટન્સ સાથે થવાની છે.