હિમાંશુ વોરા, અમદાવાદ : શહેરનાં બ્રેઈન ડેડ ખુશાલ નામનાં નવયુવાનના અંગ દાનથી 5 જિંદગી ધબકતી થઇ છે. ખુશાલનાં માતાપિતાનાં આ નિર્ણયથી તમામ પરિવારોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. જેમાં એક દર્દી 20 વર્ષથી પણ વધુ સમયથી ડાયાબિટીસના દર્દી છે. જેમનું કિડની અને સ્વાદુપિંડ ટ્રાંપ્લાન્ટ કરવામાં આવ્યું. આ દેશનો પ્રથમ કિસ્સો છે જેમાં અંદદાન મેળવ્યાં પછી વ્યક્તિએ ટેસ્ટયુબ બેબી પદ્ધતિથી પુત્ર પ્રાપ્ત થયો છે.
2017માં અમદાવાદનાં એક યુવાન રોડ અકસ્માતમાં બ્રેઈન ડેડ થતાં મોત નીપજ્યુ હતું. અંગદાનનાં કારણે આજે ખુશાલ ગોસ્વામી એક નહિ પરંતુ ચાર ચાર શરીરમાં જીવી રહ્યો છે. ખુશાલ ગોસ્વામીના અંગદાનમાં કિડની અને પેન્ક્રીયાઝ સુરતના મુકેશ વસાવાને દાનમાં મળ્યાં હતા. તેમને કિડની અને સ્વાદુપિંડ બદલ્યા બાદ 17 વર્ષથી સંતાનની આશા ગુમાવી ચૂકેલા સુરતના મુકેશ ભાઈ માટે સિવિલના કિડની વિભાગના ડોકટરોએ ભગવાન બની તમામ સમસ્યાઓનું નિદાન કર્યું છે. મુકેશ ભાઈ 20 વર્ષથી ખૂબ વધુ પ્રમાણમાં ડાઈબીટીસથી પીડાય હતા.
ડોક્ટરોની સાથે પરિવાર
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કિડની ટ્રાંસપ્લાન્ટ સર્જન ડો. જમાલ રીઝવીનાં જણાવ્યાં પ્રમાણે, આ કિસ્સો ગુજરાતમાં પ્રથમ વખત બન્યો છે. જેમાં મુકેશભાઈ વસાવાની કિડની અને પેંક્રિયાઝમાં પ્રોબ્લેમ હતો પરંતુ ખુશાલ ગોસ્વામીના અંગદાન બાદ મુકેશ વસાવાને કિડની અને પેંક્રિયાઝના બે-બે ટ્રાંસપ્લાન્ટ કર્યા બાદ મુકેશ સ્વસ્થ થયો અને ટેસ્ટટ્યુબ પદ્ધતિથી મુકેશની પત્ની સોનલબેન માતા બન્યાં.
મુકેશભાઈ અને સોનલબેન વસાવાને પુત્ર જન્મતા તેનું નામ ખુશાલ રાખવામાં આવ્યું છે. ત્યારે સ્વર્ગસ્થ ખુશાલના માતાપિતા વૈજંતી અને સુનિલગિરી ગોસ્વામી પણ માની રહ્યા છે કે મુકેશમાં તેમને પોતાનો પુત્ર ખુશાલ દેખાય છે.