Home /News /ahmedabad /Ahmedabad: સાપસીડી રમતા રમતા બાળકો શીખે છે ગણિત, ગમ્મત સાથે જ્ઞાન આપનાર અંકિતાબેનને આ એવોર્ડ મળ્યો

Ahmedabad: સાપસીડી રમતા રમતા બાળકો શીખે છે ગણિત, ગમ્મત સાથે જ્ઞાન આપનાર અંકિતાબેનને આ એવોર્ડ મળ્યો

X
વિદ્યાર્થીઓ

વિદ્યાર્થીઓ ઝડપી સમજી શકે તથા અઘરા વિષયનો ડર દુર થાય તે હેતુથી બનાવી સાપસીડી

ગોગાપુરા પ્રાથમિક શાળાનાં અંકિતાબેન પટેલને ઇનોવેટિવ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. અંકિતાબેને જુદીજુદી રમતો સાથે ગણિત વિષયને જોડીને રસપ્રદ બનાવ્યો છે. બાળકો સરળતાથી ગણિત વિષય શિખી રહ્યાં છે.

Parth Patel, Ahmedabad: પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગણિત વિષયમાં ગમ્મત સાથે જ્ઞાન મળે અને બાળકોને ગણિત વિષય અઘરો લાગે નહી તે માટે કલોલમાં આવેલી ગોગાપુરા પ્રાથમિક શાળાની શિક્ષિકાએ વેસ્ટ વસ્તુમાંથી અનોખી સાપસીડી બનાવી છે. આ નવતર પ્રયોગ માટે મહારાષ્ટ્ર સર ફાઉન્ડેશન અને અમદાવાદ આઈઆઈએમ દ્વારા અંકિતાબેન પટેલને ઈનોવેટિવ શિક્ષકનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

સંઘર્ષ કરીને પીટીસી સુધીનો અભ્યાસ કર્યો

અંકિતાબેન ગોવિંદભાઈ પટેલ મુળ વડનગરના વતની છે. તેમના પિતા સામાન્ય નોકરી અને માતા ઘરકામ કરતા હતા. જ્યારે અંકિતાબેન નાના હતા ત્યારે તેમના પરિવારની આર્થિક સ્થિતિ ખુબ જ નબળી હતી.



અંકિતાબેનને સંઘર્ષ કરીને પી.ટી.સી.નો અભ્યાસ કર્યો હતો. અંકિતાબેને 1998 માં ગાંધીનગરના દહેગામ તાલુકાની બારડોલી કોંઠીથી નોકરીની શરૂઆત કરી હતી. આ પહેલા છત્રાલ પગાર કેન્દ્ર શાળામાં ફરજ બજાવતા હતા.



રમતોને શિક્ષણ સાથે જોડીને શિક્ષણ આપે છે

હાલ અંકિતાબેન કલોલમાં આવેલી ગોગાપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહ્યા છે. અનેક એવોર્ડ, ટ્રોફી અને સન્માન પત્રો એનાયત કરવામાં આવ્યા છે.



જેમાં છેલ્લે સર ફાઉન્ડેશન તરફથી ઈનોવેટિવ શિક્ષકનો એવોર્ડ આપવામાં આવ્યો છે. અંકિતાબેન માત્ર ગણિત જ નહી, પરંતુ પર્યાવરણ સહિતના અન્ય વિષયને સાપસીડી, વેપાર, લુડો જેવી રમતો સાથે જોડી શિક્ષણ આપી રહ્યા છે.



અનેક રમતોથી ગણિત વિષયને રસપ્રદ બનાવ્યો

અંકિતાબેને ગમ્મત સાથે જ્ઞાનમાં સાપસીડી સાથે પઝલ, પીક્ચર ગેમ, ડિજિટ ગેમ, મને ઓળખો, ભુલભુલામણીની રમતો, એકમ મુજબ કોયડા ઉકેલ, નંબર ચોરસ,



કેલેન્ડરની રમતો, ટોર્ચ વડે સંખ્યા શોધો, જાદુઇ કાગળ વડે છેકેલી સંખ્યા શોધો, બાદબાકીની મદદથી ઘડિયાની રચના, સિક્કાની રમત જેવી ઘણી બધી રમતો દ્વારા ગણિત વિષયને રસપ્રદ બનાવ્યો છે.



અનેક જિલ્લાની શાળામાં આ પ્રકારને શિક્ષણ આપવામાં આવે છે

હાલમાં રાજકોટ, ગાંધીનગર, પાલનપુર, બનાસકાંઠા, પાટણ, ખેડા, મહેસાણા, આણંદ જિલ્લાની સ્કુલોમાં આ પ્રકારનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ શિક્ષિકાએ અભ્યાસક્રમમાં આવતા દરેક દાખલા, એકડા સહિતના અન્ય વિષયને વેસ્ટ વસ્તુઓમાંથી સાપસીડી બનાવીને દરેક વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. સાથે વિષય આધારિત મોટી સાપસીડી પણ બનાવવામાં આવે છે. તેમાં બાળકોને બેસાડીને સાપસીડીના માધ્યમથી બાળકોને શિક્ષણ આપે છે.



બાળકોમાં ગણિત પ્રત્યે રસ અને રૂચિ કેળવાય છે: અંકિતાબેન

ગોગાપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકા અંકિતાબેન પટેલેજણાવ્યું હતું કે, કોઈ પણ વિષય અઘરો હોતો નથી. દરેક વિષયોને વિવિધ પ્રવૃત્તિઓ, ચાર્ટ, સ્ટોરી, ગમ્મત દ્વારા ભણાવવામાં આવે તો તેને બાળકો સરળતાથી સમજી શકે છે. જેમ કે સાપસીડીની મદદથી ગણિતના દરેક પ્રકરણને સમજાવવાથી વિદ્યાર્થીઓ ઝડપી સમજી શકે છે.



તથા વિદ્યાર્થીઓને ગણિત વિષય ભણવામાં રસ અને રૂચિ પણ કેળવાય છે. તેમજ વિદ્યાર્થીઓમાં ગણિત વિષયનો ડર પણ દુર થાય છે. અમે અમારી શાળાના વિદ્યાર્થીઓને ગણિત ભણાવવા માટે સાપસીડી સહિતની રમતો બનાવી છે. તેનો ઉપયોગ રાજ્યના અન્ય શિક્ષકો કરી શકે તે માટે અત્યાર સુધીમાં રાજ્યભરના 500 જેટલા શિક્ષકોને આની જાણકારી આપી છે.

શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.
First published:

Tags: Ahmadabad, Award, Local 18, Students