અમદાવાદ: બોટાદમાં થયેલા કેમિકલ કાંડ (Botad Chemical Scandal) બાદ રાજ્યભરની પોલીસ (Gujarat Police) સફાળી જાગી છે. રાજ્યભરમાં પોલીસ એક બાદ એક રેડ (Police Raid)કરી રહી છે જેના કારણે થઈ બુટલેગરો ધુઆપુઆ થઈ ગયા છે, પરંતુ પોલીસ (Ahmedabad Police) કોઈ કસર છોડવા નથી માગતી અને એક બાદ એક દેશી દારૂ તથા વિદેશી દારૂના કેસ કરી રહી છે. તેવામાં સાબરમતી વિસ્તાર (Sabarmati Area) કે જે દારૂના અડ્ડા માટે પ્રખ્યાત છે ત્યાં ઝોન 2 એલસીબીની ટીમે (LCB Team) બાતમીના આધારે રેડ કરી હતી. શરૂઆતમાં પોલીસને બાતમી મળી ત્યારે સામાન્ય કોઈ જગ્યાએ દારૂ હશે તેવી શંકા રાખી પોલીસ ત્યાં પહોંચી હતી. પરંતુ પોલીસ ત્યાં પહોંચી ત્યારે ગંદુ પાણી કે જેને જોવુ પણ ન ગમે તેવા ગંદા પાણીના નાળામાં પોટલા બનાવી બુટલેગરોએ દારૂની બોટલો છુપાવી હતી.
પોલીસે આસપાસમાંથી મજૂરો બોલાવી આ ગંદા પાણીમાં સર્ચ કરાવી તેમાંથી આઠ જેટલા પોટલા કબજે કર્યા હતા. જેમાં પોલીસને અનેક બોટલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પરંતુ આ દારૂનો જથ્થો કોણે આ મોડસ ઓપરેન્ડીથી અહીં છુપાવ્યો હતો તે બાબતને લઈને પોલીસ તપાસ કરી રહી છે.
ઝોન 2 ડીસીપી જયદીપસિંહ જાડેજા ની એલસીબી ની ટીમને બાતમી મળી હતી કે, સાબરમતી કાળીગામ છારાનગર કે જે દારૂ માટે પ્રખ્યાત વિસ્તાર છે ત્યાં આગળ આવેલા નટ વાસની પાસે જાહેર શૌચાલયની સામે પાણીના નાળામાં દારૂનો જથ્થો છે. જેથી ઝોન 2 એલસીબી ની ટીમ નટવાસ પાસે પહોંચી હતી. ત્યાં આસપાસમાં તપાસ કરી તો પોલીસને કોઈ વસ્તુ મળી નહોતી. પરંતુ ત્યાં જોવું પણ ન ગમે અને તીવ્ર વાસ આવે તેવા પાણીમાં દારૂ હોવાની શંકા જતા પોલીસે ત્યાં તપાસ શરૂ કરી હતી.
આ દરમિયાન પોલીસે આસપાસમાંથી મજૂરો બોલાવી પાણીમાં ઉતારી તપાસ કરતાં પોલીસને આઠ પોલીથીનના થેલાઓ મળી આવ્યા હતા. જે થેલા ખોલતા તેમાંથી પોલીસને 96 જેટલા દારૂના ક્વાર્ટર તથા 67 જેટલી દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસે આસપાસમાં વધુ દારૂનો જથ્થો છુપાવ્યો છે કે કેમ તે બાબતે લઈને તપાસ કરતા ઘાસ તથા કચરા પાસેથી દારૂ શોધતા શોધતા એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જે મોબાઈલ ફોન ની તપાસ પોલીસ કરવા માગતી હતી. પરંતુ તેમાં પેટર્ન લોક હોવાથી પોલીસ તે ફોન ચાલુ કરી શકી નહોતી. પોલીસે દારૂના જથ્થાની સાથે આ મોબાઈલ ફોન પણ કબજે લઈ દારૂનો જથ્થો આ મોડસ ઓપરેન્ડીથી કોણે છુપાવ્યો તે બાબતે તપાસ શરૂ કરી છે.