Sarkhej Police: શહેરના સિંધુભવન રોડ પર કેટલાક અસામાજીક તત્વોએ ગાડીના બોનેટ પર બેસી અને રોડ પર વચ્ચો વચ્ચ લોકોનો જીવ જોખમમાં મૂકાય તેવી રીતે ફટાકડા ફોડ્યા હતા. આરોપીઓએ આ વિડીયો અને રીલ્સ બનાવી તેને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યા હતા.
અમદાવાદ: શહેરના સિંધુભવન રોડ પર કેટલાક અસામાજીક તત્વોએ ગાડીના બોનેટ પર બેસી અને રોડ પર વચ્ચો વચ્ચ લોકોનો જીવ જોખમમાં મૂકાય તેવી રીતે ફટાકડા ફોડ્યા હતા. આરોપીઓએ આ વિડીયો અને રીલ્સ બનાવી તેને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યા હતા. જેને લઇને સરખેજ પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આરોપીઓને સાથે રાખી પીઆઇ અને એસીપીએ સ્થળ પંચનામુ કરી આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું.
ફટાકડા ફોડીને વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યા હતા
દિવાળીની રાતે જાહેર રોડ પર ફટાકડા ફોડી સિંધુભવન રોડને બાનમા લેનાર 9 યુવકોની સરખેજ પોલીસે ધરપકડ કરી સાથે જ આરોપીઓને સાથે રાખી સ્થળ પંચનામું કરાવી કાયદાનું ભાન કરાવ્યું છે. આરોપીઓ દ્વારા જાહેર રોડ પર લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે ફટાકડા ફોડીને વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા. જેમાં ગાડીની છત પર તથા અન્ય વાહન ચાલકોને તકલીફ પડે અને અકસ્માત થાય તે રીતે ફટાકડા ફોડી જાહેર રોડ પર અયોગ્ય વર્તન પણ કરતા હતા.
ઉલ્લેખનીય છે કે, સરખેજ પોલીસે હર્ષદ ગરાંભા, યશવંત ગરાંભા, હિતેશ ઠાકોર, સાહિલ કુરેશી, અસદ મેમણ, સમીર શેખ સહિત અન્ય ત્રણ યુવકોની ધરપકડ કરી છે. સાથે જ ગુનામાં વપરાયેલ બે ગાડીઓ પણ કબજે કરવામાં આવી છે. તો બીજી તરફ બનાવ સમયે આરોપીઓએ નશાનું સેવન કર્યું હતું કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ આરોપીઓની વિરુદ્ધ ipc ની કલમ 308, 286, 279 નો પણ ઉમેરો કરવામા આવ્યો હોવાનું ઝોન 7 ડીસીપી બી.યુ જાડેજા અને એમ ડીવીઝન એસીપી એસ.ડી પટેલે જણાવ્યું છે.
ફરાર આરોપીને શોધવાની તજવીજ હાથ ધરાઈ
ઉલ્લેખનીય છે કે, રોડ પર જાહેરમાં લોકોને નુક્શાન થાય કે હાનિ પહોંચે તે રીતે ફટાકડા ફોડવા પોલીસના નિયમ વિરૂધ્ધ છે. ત્યારે આ આરોપીએ જે હરકતો કરી તેને લઇને સમાજમાં દાખલો બેસે તે માટે કડક કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ પોલીસે 308ની સેશન ટ્રાયેબલ કલમનો ઉમેરો કરી કાયદાની ચુંગાલમાંથી ન છુટે તે પ્રકારે કાર્યવાહી કરી છે. હવે આ ગુનામાં એક ફરાર આરોપીની ધરપકડ કરવાની બાકી હોવાથી તેને શોધવાની તજવીજ હાથ ધરી છે.