અમદાવાદ: શહેરના એક પોલીસ સ્ટેશન (Ishanpur Police)માં 45 વર્ષીય માતાએ કંટાળીને પોલીસ સ્ટેશનના પગથિયાં ચડવા પડ્યા હોય તેવી ઘટના સામે આવી છે. એક પુત્રએ તેની માતાને ભંગાર કહી 75 કિલોનો ભંગાર ક્યારે ઘરમાંથી જશે એવું કહેતા જ સવારમાં માતાને આઘાત લાગ્યો હતો. જેની ફરિયાદ માતાએ તેના પતિને કરતા પતિ પણ આવેશમાં આવી ગયા હતા અને બાદમાં તેમને બિભત્સ શબ્દો બોલી પિતા અને પુત્ર મારવા લાગ્યા હતા. તેવામાં આ મહિલાની પુત્રી પણ આવી ગઈ હતી અને વાળ પકડીને તેની માતાને માર માર્યો હતો.
આ મારામારી દરમિયાન મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો આવી ગયા હતા અને પરિવારના સભ્યોના મારમાંથી છોડાવી આ મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સમગ્ર બાબતને લઈને કંટાળીને મહિલાએ નાછૂટકે પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા 45 વર્ષીય મહિલા તેમના પતિ, એક દીકરો અને દીકરી સાથે રહે છે અને ઘરકામ કરે છે. મંગળવારના રોજ સવારે આઠ વાગ્યાના સુમારે તેઓ તેમના પરિવારના સભ્યો સાથે ઘરે હાજર હતા. તે દરમિયાન આ મહિલા પૂજા-પાઠ કરીને ઊભી થઈ હતી, તે વખતે તેમનો દીકરો આવ્યો અને જણાવ્યું કે તને તો કોઈ ભંગારના ભાવે રાખવા તૈયાર નથી, તું 75 કિલોનું ભંગાર ક્યારે અમારા ઘરમાંથી જવાનું છે. તેમ કહેતા મહિલાને આઘાત લાગ્યો હતો.
જેથી મહિલાએ તેના પતિને આ પુત્રને સમજાવી દેવાનું કહેતા દીકરો ઉશ્કેરાઈ ગયો હતો અને આ મહિલાને જેમ ફાવે તેમ બોલવા લાગ્યો હતો. બાદમાં મહિલાના પતિ પણ ઉશ્કેરાઇ ગયા હતા અને બિભત્સ ગાળો બોલવા લાગ્યા હતા. જેથી મહિલાએ તેના પતિને ગંદી ગાળો ના બોલવાનું કહેતા પતિ અને પુત્ર મહિલાને માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન મહિલાની દીકરી પણ આવી ગઈ હતી અને તેણે પણ માતાના વાળ પકડીને માર માર્યો હતો. જેથી મહિલાએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને 108 મારફતે એલજી હોસ્પિટલ મહિલાની સારવાર માટે લઈ ગયા હતા. આખરે મહિલાએ આ અંગે પતિ પુત્ર અને પુત્રી સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર