Home /News /ahmedabad /...ત્યારે ગુજરાતના યુવાનોએ ‘સત્તા પરિવર્તન’ કર્યુ અને સરકાર પાડી રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું

...ત્યારે ગુજરાતના યુવાનોએ ‘સત્તા પરિવર્તન’ કર્યુ અને સરકાર પાડી રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું

ગુજરાતે 1974માં યુવા શક્તિનો પરિચય આપ્યો હતો.

Gujarat Nav Nirmana Andolan: ગુજરાતમાં ચીમનભાઈની સરકાર વખતે મોંઘવારીને કારણે મોરબીની એન્જિનિયરિંગ કોલેજમાં એવી ઘટના બની કે તેને કારણે ગુજરાતમાં સત્તાપરિવર્તન તો આવ્યું જ સાથે સાથે એક વર્ષથી પણ વધુ સમય માટે રાષ્ટ્રપતિ શાસન પણ લાગ્યું.

વધુ જુઓ ...
વાત છે વર્ષ 1972ની. એકબાજુ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ બહુમતી સાથે જીત્યુ હતુ અને ઘનશ્યામ ઓઝાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તે સમયે ગુજરાતના મોટાભાગના ધારાસભ્યોનું તેમને સમર્થન નહોતું, છતાં દિલ્હી હાઇકમાન્ડ દ્વારા ઘનશ્યામ ઓઝાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. આ સાથે જ એક અલગ યુદ્ધ છેડાઈ ગયું હતું. કોંગ્રેસના ધારાસભ્યોમાં જૂથબંધી ચાલુ થઈ ગઈ અને ઘનશ્યામભાઈની સરકાર માથે ચિંતાના વાદળો છવાઈ ગયા. તે સમયે ગુજરાતમાં દુષ્કાળ પડ્યો હતો અને મોંઘવારી વધતી જતી હતી. જેને કારણે ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા હતા. તેમાં પણ સરકારે કોઈ અસરકારક કામગીરી કરી નહોતી.

કોંગ્રેસ હાઇકમાન્ડે નમતું જોખ્યું


આ સમયે કોંગ્રેસના ધારાસભ્યોએ સરકાર બદલવાની વાત કરી. દિલ્હી કોંગ્રેસના હાઇકમાન્ડને અનેક રજૂઆત કરવામાં આવી, પરંતુ તેની કોઈ અસર થઈ નહીં. કેન્દ્રમાં ઇન્દિરા ગાંધીની સરકાર હતી. અંતે ધારાસભ્યોનો દબાવ એટલો વધ્યો કે, કોંગ્રેસ હાઇકમાન્ડે ગુજરાતના મુખ્યમંત્રી બદલવા જ પડ્યાં. ત્યારે ઘનશ્યામભાઈ ઓઝાનું રાજીનામું માગી લેવાયું અને ચીમનભાઈ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.

Ghanshyam oza gave resign due to fail in running government
ઘનશ્યામ ઓઝાને સરકારની નિષ્ફળતા બદલ રાજીનામું આપવું પડ્યું હતું.

ચીમનભાઈએ 207 દિવસમાં જ રાજીનામું ધર્યુ


ચીમનભાઈ પટેલના મુખ્યમંત્રી બનતાની સાથે જ એક નવું આંદોલન ચાલુ થયું. જેણે માત્ર 207 દિવસના ટૂંકા સમયગાળામાં ચીમનભાઈને રાજીનામું મૂકવા માટે મજબૂર કરી દીધા. હવે વાત કરીશું તે વખતે બનેલી એ ઘટનાની જેણે કોંગ્રેસની બંને સરકારોના સૂંપડા સાફ કરી નાંખ્યા હતા. તેટલું જ નહીં, આ બધા કારણોસર ગુજરાત વિધાનસભાનું વિસર્જન કરવાની ફરજ પડી હતી અને એક વર્ષથી વધુ સમયગાળા માટે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ફરજ પડી હતી.

...અને મોરબીની કોલેજના વિદ્યાર્થીઓ વિફર્યા


ઘનશ્યામ ઓઝાની સરકાર વખતે ગુજરાતમાં ભયંકર દુકાળ પડ્યો હતો. તેને કારણે દરેક ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા હતા, મોંઘવારી વધતી જતી હતી. લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. તેવામાં મોરબીની એન્જિનિયરિંગ કોલેજના ફૂડ બિલમાં વધારો કરવામાં આવ્યો. જેને લઈને વિદ્યાર્થીઓ વિફર્યા હતા અને આ વધારાનો સખતાઈપૂર્વક વિરોધ કર્યો હતો. આ માટે મોરબીની કોલેજમાં ‘નવનિર્માણ યુવા સમિતિ’ બનાવવામાં આવી હતી. તેણે આ મોરચાની કમાન સંભાળી હતી.

Chimanbhai Patel Gave resign after pressure from delhi high command
ચીમનભાઈ પટેલે કંટાળીને રાજીનામું ધરી દીધું.

પોલીસે 1400 રાઉન્ડ ગોળીબાર કર્યો


મોરબીની કોલેજમાં બનેલી ઘટનાના પડઘા અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ સુધી પડ્યાં. ત્યાં પણ ઠેર-ઠેર આંદોલન થઈ રહ્યા હતા. વિદ્યાર્થીઓએ ખૂબ જ મોટાપાયે વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા હતા. વિવિધ જાહેર સ્થળોએ ચીમનભાઈ પટેલના પૂતળા બાળવાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો. આ બધી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ગુજરાત પોલીસે આંદોલનકારીઓ પર લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. તેટલું જ નહીં, પોલીસને ગોળીબાર કરવા માટેના આદેશ પણ આપી દેવામાં આવ્યા હતા. ત્યારે પોલીસ 1450થી રાઉન્ડ વાર ગોળીબાર કર્યો હતો. તેમાં 100 કરતાં વધુ માણસો મૃત્યુ પામ્યા હતા. જ્યારે 300થી વધુ માણસો ઇજાગ્રસ્ત થયા હતા.

Gujarat Nav Nirmana Andolan
મોરબીના વિદ્યાર્થીઓના ફૂડ બિલના ભાવ વધતા આંદોલન શરૂ થયું.

ગુજરાતના 40 શહેરોમાં એકસાથે કર્ફ્યૂ


સમગ્ર ગુજરાતમાં દિવસે ને દિવસે આંદોલન ઉગ્ર બનતું જતું હતું. રાજ્યની વિવિધ એન્જિનિયરિંગ કોલેજોમાં 400 જેટલી ‘નવનિર્માણ યુવા સમિતિ’ની રચના કરવામાં આવી હતી. આ ઉપરાંત અનેકવાર ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું. શાળા, કોલેજો, કોર્ટ સહિત અન્ય સ્થળોએ હડતાળ પાડવામાં આવી હતી. પરિસ્થિતિ એવી ગંભીર થઈ ગઈ હતી કે, સરકારે એકસાથે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, મોડાસા, વિસનગર, જૂનાગઢ સહિત 40 જેટલા શહેરોમાં કર્ફ્યૂ નાંખી દીધો. તે છતાં પણ આંદોલનને કોઈ અસર થઈ નહોતી.

ઠેર-ઠેર સરકારનો વિરોધ કરવામાં આવ્યો


ત્યારે અમદાવાદમાં કર્ફ્યૂ હોવા છતાં ગુજરાત યુનિવર્સિટીમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવતું હતું. તેમાં વિવિધ સૂત્રોચ્ચાર સહિત ચીમનભાઈ સરકારનો મૃત્યુઘંટ વગાડવાનો, ચીમનભાઈની નનામી બાળવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હતું. આ સમયે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે રવિશંકર મહારાજથી માંડીને જયપ્રકાશ નારાયણ સુધીના માણસોએ ખૂબ મોટો ભાગ ભજવ્યો હતો. વિદ્યાર્થીઓ ‘ભ્રષ્ટાચાર ભગાડો’, ‘ચીમન ચોર’ અને ‘નવનિર્માણ ઝિંદાબાદ’ જેવા સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાતના ધારાસભ્યોને બંગડીઓ મોકલીને વિરોધ કરવામાં આવતો હતો.

Gujarat Nav Nirmana Andolan
નવનિર્માણ આંદોલને ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું.

અધ્યાપકોએ પણ આંદોલનને ટેકો આપ્યો


ગુજરાત યુનિવર્સિટીના અધ્યાપકોએ પણ આ આંદોલનમાં સક્રિય ભાગ ભજવ્યો હતો. તેમાં ઉમાકાન્ત માંકડ, મુકેશ પટેલ, સોનલ દેસાઈ, રાજકુમાર ગુપ્તા વગેરે જેવા પ્રોફેસરો જોડાયા હતા. આ બધી જ પરિસ્થિતિનો લાભ લઈ કોંગ્રેસના અન્ય જૂથે પોતાની જ કોંગ્રેસ સરકારનું રાજીનામું માગ્યું. ઘનશ્યામ ઓઝા, રતુભાઈ અદાણી, ઝીણાભાઈ દરજી જેવા આગેવાનોએ સરકારની નિષ્ફળતા બદલ રાજીનામું માગી લીધું હતું. તેમને 30 જેટલા ધારાસભ્યોએ ટેકો આપ્યો અને 7 જેટલા માજીપ્રધાનોએ પણ સાથ આપ્યો હતો. આ બધા વચ્ચે કોંગ્રેસ પક્ષમાં આંતરિક જૂથબંધી ચરમસીમાએ પહોંચી જતા કંટાળીને ચીમનભાઈ પટેલે રાજીનામું ધરી દીધું હતું. ત્યારે કેન્દ્ર સરકારે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યુ હતું. ત્યારબાદ ગુજરાત વિધાનસભાને મૂર્છિત કરી દેવામાં આવી હતી.

મોરારજી દેસાઈએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા


ગુજરાતમાં હજુય વિરોધ સમ્યો નહોતો. એકતરફ વિદ્યાર્થીઓનું આંદોલન સફળ બન્યું હતું, પણ તેઓ કોઈપણ ભોગે ઢીલું છોડવા માગતા નહોતા. તેમણે ગુજરાતના દરેક ધારાસભ્યનું રાજીનામું માગ્યું અને ગુજરાત વિધાનસભાને વિસર્જિત કરવાની માગણી કરી હતી. ઉગ્ર આંદોલન અને લોકોમાં વધતા જતા રોષને કારણે ગુજરાત વિધાનસભાના 16 જેટલા ધારાસભ્યોએ રાજીનામા ઘરી દીધા. ત્યારબાદ બાકીના ધારાસભ્યોને વિદ્યાર્થીઓ રૂબરૂ મળવા ગયા અને બંગડીઓ મોકલાવી. આમ, વિદ્યાર્થીઓ સહિત આંદોલનકારીઓએ એકપછી એક ધારાસભ્યોને ખુલ્લા પાડવાની શરૂઆત કરી. ગુજરાતની પરિસ્થિતિ ખૂબ જ બગડી ગઈ હતી. આ બધા વચ્ચે ગુજરાત વિધાનસભાના વિસર્જનની માગણી સાથે મોરારજી દેસાઈએ 12મી માર્ચ, 1974ના દિવસે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા. ત્યારે રવિશંકર મહારાજે પત્ર લખી ઇન્દિરા ગાંધીને વિધાનસભાનું વિસર્જન કરવા માટે જણાવ્યુ હતુ. જેને ધ્યાને લઈ 15મી માર્ચ, 1974ના દિવસે રાતે રેડિયો દ્વારા ગુજરાત વિધાનસભાની વિસર્જનની જાહેરાત કરી હતી અને મોરારજી દેસાઈએ ત્રણ દિવસ બાદ ઉપવાસ છોડ્યા હતા.

આખરે 73 દિવસે આંદોલનનો અંત


આ રીતે ગુજરાત વિધાનસભાના વિસર્જન સાથે 73 દિવસે ‘નવનિર્માણ આંદોલન’નો અંત આવ્યો હતો. તેમાં 100થી વધુ લોકોના મોત, 300થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને પોલીસે હજારો રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. અંતે આ લોહીયાળ જંગ પૂરો થયો હતો. આ આંદોલનના પરિણામની સૌથી મહત્ત્વની અસર વિશે વાત કરવામાં આવે તો, નવનિર્માણ આંદોલનને કારણે ગુજરાત વિધાનસભાનું વિસર્જન કરવાની ફરજ પડી હતી અને ગુજરાતમાં સત્તાપરિવર્તન થયું હતું. ત્યારબાદ 1974ના વર્ષમાં ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. મોટાપાયે જાન-માલને નુકસાન થયું હતું. આ સાથે જ ગુજરાતમાં યુવા નેતાઓનો ઉદય થયો હતો. જે આગળ જઈને સક્રિય રાજકારણમાં જોડાયા હતા.
First published:

Tags: Gujarat Assembly Election, Gujarat Assembly Election 2022, Gujarat Elections, Protests