મૃતક સ્વયમ ઘોડેસવારમાં ગુજરાતમાં પ્રથમ નંબર લાવ્યો હતો.
મૃતક પિતા સાથે બબાલ કરે ત્યારે તે ધમકી આપતો કે તને મારી નાખીશ ને ટુકડા કરીને ફેંકી દઈશ. આરોપીને જે રાત્રે પુત્રએ માર માર્યો ત્યારે જ આ પુત્રની ધમકીભરી વાત તેને યાદ આવી હતી.
અમદાવાદ: પથ્થર એટલા દેવ પૂજે ત્યારે માતા-પિતાને સંતાન પ્રાપ્તિ થતી હોય છે. આવા જ એક પુત્રની પિતાએ કરપીણ હત્યા (Father Killed Son) કરી નાખી હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં એક બાદ એક વાસણા અને એલિસબ્રિજ વિસ્તારમાં મળી આવેલા માનવ અંગો (Ellisbridge Murder Case) બાબતે તપાસ કરતા હત્યા (Murder)ના ગુનામાં મોટો ખુલાસો થયો છે. આ મર્ડર મિસ્ટ્રિમાં પિતાએ જ પોતાના સગા દીકરાની હત્યા કરી લાશના ટુકડા કરી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફેંકી દીધા હોવાનુ સામે આવ્યુ છે. જે ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે હત્યારા પિતાની ધરપકડ કરી છે. જોકે પિતાને પુત્રની હત્યાનો સહેજ પણ પસ્તાવો નથી અને હત્યા પાછળનું કારણ સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ હતી.
કોઈપણ જંગલી ઘોડાને કાબુ કરનાર પુત્ર જ બેકાબુ બનતા પિતાએ જ આવા પુત્રની કરપીણ હત્યા કરી દીધી હતી. અમદાવાદમાં 17 તારીખની કારમી રાતે પિતા નિલેશ જોશીએ પોતાના 21 વર્ષિય પુત્ર સ્વયમની કરપીણ હત્યા કરી હતી. હત્યાના પુરાવાનો નાશ કરવાના ઈરાદે મૃતદેહના ટુકડા કરી વાસણા, એલિસબ્રિજ અને જીએમડીસી મેદાન ખાતે નાખી દીધા હતા. જોકે હત્યારો પિતા નિલેશ જોશી નેપાળ ભાગે તે પહેલા જ ક્રાઈમ બ્રાંચે તેને રાજસ્થાન ખાતેથી ઝડપી લીધો અને હત્યાની અધુરી કડીઓ જોડાઈ ગઈ હતી.
પુત્ર સ્વયમની હત્યા કરી નિલેશ જોષી દેશ છોડી દેવાની ફિરાકમાં હોવાનુ સામે આવ્યુ છે. જોકે હત્યાના ઘટનાક્રમ પર નજર કરીએ તો, 17 તારીખે મોડી રાતે દારુના નશામાં રહેલા સ્વયમે પોતાના પિતા પર હુમલો કર્યો હતો. જે હુમલામાં નિલેશભાઈએ સ્વયમને ગુપ્ત ભાગે લાત મારતા તે ઢળી પડ્યો અને બાદમાં તેના માથામાં પાંચ-છ વાર ખાંડણી મારતા તેનુ મોત નિપજ્યુ હતું. 18 તારીખે સવારે નિલેશ ભાઈ વહેલી સવારે કાલુપુર મંદિરે દર્શન કરવા ગયા અને બાદમાં કાલુપુર માર્કેટમાંથી ઈલેક્ટ્રિક કટર અને પ્લાસ્ટિકની બેગ ખરિદી ઘરે આવ્યા હતા. જે કટર વડે સ્વંયના મૃતદેહના માથુ- ધડ અને હાથ-પગના ટુકડા કરી 18 તારીખે જ શહેરના અલગ અલગ વિસ્તારમા તેનો નિકાલ કર્યો હોવાની કબુલાત આરોપી કરી રહ્યો છે.
મૃતક એટલી હદે નશાના રવાડે ચઢી ગયો હતો કે પિતાના તમામ રૂપિયા વાપરી નાંખતો હતો. પિતા એસટી વિભાગમાંથી રિટાયર્ડ થયા બાદ આવેલા નાણાં પણ વાપરી નાખતા પિતાને એક એપ્લિકેશન મોબાઈલમાં રાખી એકાઉન્ટનું ધ્યાન રાખવું પડતું હતું. જે સેવા પુત્રએ પિતાની આ ઉંમરે કરવાની હોય તે સેવા પિતા ઢળતી ઉંમરે પુત્રની કરતા અને પુત્ર તેની સામે માર મારતો ત્રાસ આપતો, જેથી કંટાળી પિતાએ પુત્રનું કાસળ કાઢી નાખ્યું હતું.
ક્રાઈમ બ્રાંચે હત્યારા પિતાની હત્યા વિશે પુછપરછ કરતા આરોપીને પોતાના જ પુત્રની હત્યાનો કોઈ પસ્તાવો ન હતો. પરંતુ આરોપીએ કહ્યુ કે, પુત્રએ મારી જિંદગી બરબાદ કરી નાખી હતી. જ્યારે તે નશો કરી ઘરે આવતો ત્યારે તે ધમકી આપતો હતો કે તારી લાશના ટુકડા કરી નાખી દઈશ. માટે પુત્ર જે કરવાનો હતો તે જ ઘટનાને પિતાએ અંજામ આપી. હત્યા બાદ પિતાએ જ તેના ટુકડા કરી અલગ-અલગ જગ્યાએ નાખી દીધા હતા. સાથે જ હત્યા બાદ નિલેશે પોતાની પત્નિને ફોન કરી દિકરાની હત્યા વિશે માહિતી આપી હતી. જેથી પત્નીએ હવે ક્યારેય વાત નહિ કરે તેવું કહી દુઃખ વ્યક્ત કરી નારાજગી દર્શાવી. તે બાદ દીકરીનો ફોન આવ્યો કે તમે ગોરખપુર થઈ નેપાળ અને ત્યાંથી દુબઈ થઈ જર્મની આવી જાઓ, માટે જ હત્યારો પિતા સુરતથી ટ્રેનમાં બેસી દેશ છોડી દેવા માટે નિકળ્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચે આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો હોવાનું ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ પોલીસ કમિશનર પ્રેમવીર સિંહે જણાવ્યું છે.
મૃતક સ્વયમ અંગે પુછપરછ કરતા સામે આવ્યુ કે, તે ઘોડેસવારમાં ગુજરાતમાં પ્રથમ નંબર લાવ્યો હતો. તે કોઈપણ જંગલી ઘોડાને કાબુ કરી શકતો હતો. પરંતુ તે આ જીત પચાવી ન શક્યો અને નશાના રવાડે ચઢી ગયો અને ઉગ્ર સ્વભાવને તે કાબુ ન કરી શક્યો અને નશામાં ધૂત થઈ પિતાને ત્રાસ આપતો, કામ કરાવતો અને માર પણ મારી ધમકીઓ આપતો રહેતો હતો. અને 17 તારીખે મોડી રાતે તેણે 4 વાગે પિતા પાસે જમવાનુ માંગતા પિતા પુત્ર વચ્ચે મારામારી થઈ હતી. અને તે મારામારી હત્યામાં પરિણમી હતી. સાથે જ મૃતક સ્વયમ 10 ધોરણ જ ભણ્યો હતો. પરંતુ તેના પિતા 65 વર્ષે પણ સંસ્કૃતમાં માસ્ટર્સનો અભ્યાસ કરતા હતા. તે બાબતે પણ પિતા પુત્ર વચ્ચે તકરારો થતી હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે હવે આરોપીની તપાસમાં શુ નવા ખુલાસા થાય છે તે જોવુ મહત્વનુ છે. મૃતક ની માતા અને બહેન વિદેશ છે જ્યારે પિતા જેલના સળિયા પાછળ ધકેલાઈ જતા આ કેસમાં અંતિમવિધિ પોલીસ તરફથી કરવાની તૈયારી શહેર પોલીસ તરફથી દર્શાવવામાં આવી છે.
જ્યારે જ્યારે મૃતક સ્વયમ નશો કરી મોડી રાત્રે ઘરે આવે ત્યારે પિતા સાથે બબાલ કરતો હતો. ક્યારેક મારામારી પણ કરતો હતો. આરોપી પિતાના મકાનના નીચેના ભાગે અન્ય સંબંધી પણ રહેતા હતા. જોકે તેઓની સાથે ખાસ સંબંધ ન હોવાથી તેઓ વચ્ચે માથું મારતા નહોતા. પણ જ્યારે મૃતક પિતા સાથે બબાલ કરે ત્યારે તે ધમકી આપતો કે તને મારી નાખીશ ને ટુકડા કરીને ફેંકી દઈશ. આરોપીને જે રાત્રે પુત્રએ માર માર્યો ત્યારે જ આ પુત્રની ધમકીભરી વાત તેને યાદ આવી અને તે જ રીતે તેણે હત્યા કરી દીધી હોવાનું ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ સંજય દેસાઈ એ જણાવ્યું છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર