Home /News /ahmedabad /Ahmedabad: ગાયકવાડ સરકારે બંધાવેલ ભોગાસર તળાવ 2,235 રૂપિયામાં બન્યું હતું, જાણો ઇતિહાસ

Ahmedabad: ગાયકવાડ સરકારે બંધાવેલ ભોગાસર તળાવ 2,235 રૂપિયામાં બન્યું હતું, જાણો ઇતિહાસ

X
ગાયકવાડ

ગાયકવાડ સરકારના શાસનકાળ દરમિયાન આ તળાવ બનાવવામાં આવ્યું હતું

અમદાવાદથી થોડે દૂર આવેલા કલ્યાણપુરા ગામના ભોગાસર તળાવનો ઈતિહાસ પણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાથે સંકળાયેલો છે. ગામલોકોન રજુઆતનાં પગલે ગાયકવાડ સરકારે રૂપિયા 2235માં તળાવનું નિર્માણ કરાવ્યું હતું.

Parth Patel, Ahmedabad : બ્રિટિશ રાજ દ્વારા લાદવામાં આવેલી ક્રૂરતાની પૃષ્ઠભૂમિમાં સયાજીરાવ ગાયકવાડનું શાસન એક પ્રગતિશીલ સિલસિલો હતો. કમાટી બાગ અને લક્ષ્મી વિલાસ પેલેસ મ્યુઝિયમ પર જે અમી છાપ છોડી છે, તે હંમેશા લોકોને આકર્ષિત કરે છે. પરંતુ અમદાવાદથી થોડે દૂર આવેલા કલ્યાણપુરા ગામના ભોગાસર તળાવનો ઈતિહાસ પણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાથે સંકળાયેલો છે.

મહારાજા સયાજીરાવે સામાજિક, આર્થિક, શૈક્ષણિક સહાયતાથી ઘણા ગામોનો ઉદ્ધાર કર્યો

ઇતિહાસે શાસકોને અનેક યુદ્ધોમાં તેમની બહાદુરી માટે સન્માનિત કર્યા છે. પરંતુ સયાજીરાવ ગાયકવાડનું શાસન કંઈક અલગ જ હતું. બરોડા શહેર ગાયકવાડ વંશ હેઠળ વિકસ્યું અને સામાજિક સુધારા દ્વારા વિકાસની ટોચે પહોંચ્યું. મહારાજા સયાજીરાવે સામાજિક, આર્થિક, શૈક્ષણિક તથા અન્ય સહાયતાથી ઘણા ગામોનો ઉદ્ધાર કર્યો. આ ઉપરાંત મહિલાની સલામતી, બાળકોના શિક્ષણ તથા યુવાઓના ભવિષ્ય માટેની ઘણી કામગીરી કરી. સાથે દરેક ગામમાં ગ્રામ પંચાયતો જેવા સંખ્યાબંધ વિકાસ કાર્યક્રમોની સ્થાપના કરી, ગ્રામ પંચાયતના સભ્યોની સાક્ષરતા સુનિશ્ચિત કરી અને દરેક ગામમાં પુસ્તકાલયોની સ્થાપના પણ કરી.

ગાયકવાડ સરકારના શાસનકાળ દરમિયાન આ તળાવ બનાવવામાં આવ્યું હતું

કલ્યાણપુરા ગામની વાત કરીએ તો, આ ગામનો વિકાસ કરવામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડનો મુખ્ય ફાળો રહેલો છે. ગાયકવાડ સરકારના શાસનકાળ દરમિયાન કલ્યાણપુરા ગામનું તળાવ બનાવવામાં આવ્યું હતું. જે ભોગાસર તળાવના નામે જાણીતું છે. આ ભોગાસર તળાવના ઈતિહાસની વાત કરીએ તો, જ્યારે આ કલ્યાણપુરા ગામ વસ્યું ત્યારે હાલમાં બનાવવામાં આવેલા તળાવની જગ્યાએ પાણીના લીધે કોઈના કોઈ કારણોસર ગામવાસીઓનો ભોગ લેવામાં આવતો હતો. પરંતુ એક વખત સમગ્ર ગામવાસીઓએ ભેગા મળી ગાયકવાડ સરકાર પાસે જઈને તળાવ બાંધવાની રજૂઆત કરી.

2235 રૂપિયાના કુલ ખર્ચે તળાવનું નિર્માણ કરવામાં આવ્યું

ગામવાસીઓની આ રજૂઆત સાંભળી ગાયકવાડ સરકારે મદદ માટેની હાકલને મંજૂરી આપી. તે સમયે 2235 રૂપિયાના કુલ ખર્ચે આ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું. આ નિર્માણકામ શ્રીમત સરકાર મહારાજા ત્રીજા સયાજીરાવ ગાયકવાડ એસો. શ્રીના હિરક મહોત્સવ તા. 3-1-1926 પ્રસંગે કરેલી દેણગીમાંથી થયેલું.

સને 1944 ની તપસીલ હિરક મહોત્સવ નિમિત્તે કુલ રૂ. 2235 ના ખર્ચે આ ભોગાસર તળાવનું નિર્માણ કલ્યાણપુરા ગામ ખાતે કરવામાં આવ્યું. આમ આ રીતે ભોગાસર તળાવનું નિર્માણકામ પૂર્ણ થયું અને ગામવાસીઓનો તે દિવસથી ભોગ લેવાતો બંધ થયો. અત્યારે હાલમાં ગામવાસીઓ આ ભોગાસર તળાવના પાણીનો ઘરવપરાશમાં તથા અન્ય કામમાં ઉપયોગ કરી રહ્યા છે.

ગામના કલ્યાણેશ્વર મહાદેવ મંદિરના 100 વર્ષ પણ પૂરા થઈ રહ્યા છે

આ સાથે પ્રાણીઓ, પક્ષીઓ તથા અન્ય જીવો પણ ઉપયોગ કરી જીવનનિર્વાહ કરી રહ્યા છે. આ સાથે ખાસ વાત એ પણ છે કે, આ ગામના કલ્યાણેશ્વર મહાદેવ મંદિરના 100 વર્ષ પણ પૂરા થઈ રહ્યા છે. ત્યારે આ પ્રસંગે ગ્રામજનો દ્વારા ઉત્સાહ અને લાગણીથી કલ્યાણેશ્વર મહાદેવ શતાબ્દી મહોત્સવ પણ ઉજવાઈ રહ્યો છે.

તમારે પણ આ પ્રાચીન ભોગાસર તળાવની મુલાકાત લેવી હોય તો કલ્યાણપુરા ગામ, કડીની મુલાકાત લઈ શકો છો. શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.
First published:

Tags: Ahmedabad news, Local 18